બકવધ પર્વ
અધ્યાય-૧૫૭-બ્રાહ્મણની ચિંતા
II जनमेजय उवाच II एकचक्रां गतास्ते तु कुन्तीपुत्रा महारथाः I अत ऊर्ध्वं द्विजश्रेष्ठ किमकुर्वत पाण्डवाः II १ II
જન્મેજય બોલ્યા-હે દ્વિજશ્રેષ્ઠ,તે મહારથી કુંતીપુત્ર પાંડવોએ એકચક્રમાં ગયા પછી શું કર્યું?
વૈશંપાયન બોલ્યા-તે કુંતીપુત્રો,થોડો વખત તે બ્રાહ્મણના ઘરમાં રહ્યા.તે સૌ,વનો,સરિતાઓ,સરોવરોની મુલાકાતો લેતા,ને રાતે નગરમાંથી ભિક્ષા લાવીને,કુંતીને અર્પણ કરતા,ને કુંતી જે અલગ અલગ ભાગ પાડી આપતી તે ખાતા.
ભિક્ષાનો અર્ધો ભાગ ભીમ ખાતો ને અર્ધા ભાગમાંથી,માતા ને બીજા ભાઈઓ ખાતા.પોતાના ગુણોને લીધે,
તે કુન્તીપુત્રો,નગરના લોકોમાં પ્રિય થઇ પડ્યા હતા.એ રીતે ઘણો કાળ વહી ગયો (1-7)
એકવાર,ચાર ભાઈઓ ભિક્ષા લેવા ગયા હતા,ને ભીમ માતા સાથે ઘરમાં રહ્યો હતો,ત્યારે તેમણે,તે બ્રાહ્મણના ઘરમાં,દુઃખદાયી ને મહાભીષણ કારમી ચીસ સાંભળી,ઘરમાં રડવાના અવાજને કુંતી સહન કરી શકી નહિ,
ને તેણે ભીમને કહ્યું કે-બેટા,આ બ્રાહ્મણને ઘેર આપણે દુર્યોધનથી અજાણ રીતે,માનપૂર્વક ને સુખપૂર્વક નિશ્ચિત રહ્યાં છીએ,તેમના ઉપકાર સામે આપણે પણ તેને,તેના દુઃખમાં મદદ કરીને પ્રતિઉપકાર કરવો જોઈએ.(8-15)
ભીમસેન બોલ્યો-એમને દુઃખ શું છે?તે તમે જાણી લો,તેનો ઉપચાર ગમે તેટલો કઠિન હોય,પણ હું કરીશ.
પછી,કુંતી,તરત જ બ્રાહ્મણના અંતઃપુરમાં પ્રવાસી,તો ત્યાં તેણે,બ્રાહ્મણને,પત્ની,પુત્રને ને પુત્રી રડતાં જોયાં.
બ્રાહ્મણ બોલતો હતો-ધિક્કાર હો,આ લોકના જીવતરને ! તે નિઃસાર છે,અનર્થકારી છે,દુઃખના મૂળરૂપ છે,પરાધીન છે ને અત્યંત અપ્રિયભોગી છે.જીવવામાં મહાદુઃખ છે,મહાપીડા છે,જે જીવે છે,તેમને અવશ્ય દુઃખો આવે જ છે.
એક જીવ જ ધર્મ,અર્થ,કામને સેવે છે,ને જો તેમનાથી વિયોગ થાય તો પર વિનાનું પરમદુઃખ આવે છે.
કેટલેક,મોક્ષને પરમશ્રેષ્ઠ કહે છે,પણ તે અમને કેમે ય પ્રાપ્ત નથી.અર્થ પ્રાપ્તિમાં જ સમગ્ર નરકની પ્રાપ્તિ થાય છે.
માટે અર્થની ઈચ્છા એ એક મહાદુઃખ છે અને અર્થની પ્રાપ્તિ તો વળી તેનાથી એ વિશેષ દુઃખકારી છે.કેમ કે,
એકવાર અર્થ સાથે સ્નેહ બંધાયા પછી,તેનો વિયોગ વિશેષતર દુઃખદાયક પુરવાર થાય છે.(16-24)
આ આપત્તિમાંથી છૂટવાનો કે નિર્વિઘ્ને નાસી છૂટવાનો કોઈ ઉપાય નથી જણાતો.હે બ્રાહ્મણી,તું જાણે છે કે-
મેં પૂર્વે,જ્યાં ઉપદ્ર્વ ન હોય તેવા નગરમાં ચાલ્યા જવાનું વારંવાર કહ્યું હતું,ત્યારે તું મને કહેતી હતી કે-
;હું જન્મીને અહીં મોટી થઇ છું,મારાં માબાપ અહીં છે,માટે હું નહિ આવું' ને તેં મારુ કહેવું સાંભળ્યું નહિ,
ને પછી તો તારાં માબાપ ને સગાં વહાલાં પણ સ્વધામ પહોંચી ગયાં,છતાં તારી અહીં રહેવાની લગની છૂટી નહિ.
તેં તારાં સગાંની પ્રીતિથી,મારાં વચન સાંભળ્યા નહિ,તો હવે મારા બંધુઓના નાશનો,દુઃખદાયી વારો આવ્યો છે.
તું મારી,સહધર્મચારિણી છે,ઇન્દ્રિયોને વશમાં રાખનારી છે,ને મારા પર માતાના જેવો સ્નેહ રાખનારી છે,
મારી નિત્ય પરમગતિરૂપ છે,કુલીન ને મારા સંતાનોની જનની છે,ને તારી સાથે મેં ધર્મપૂર્વક સંબંધ જોડેલો છે,
તેથી મારા જીવનને માટે હું તને ત્યજી શકું નહિ,અને ઉંમરે નહિ પહોંચેલા,ને દાઢીમૂછ પણ નહિ ફૂટેલા એવા
બાળપુત્રને તથા યુવાન પુત્રીને પણ હું કેમ કરીને ત્યજવાનું સાહસ કરી શકું? (25-36)
જો,હું મારી જાતનું બલિદાન આપીને પરલોકમાં જાઉં,તો ત્યાં પણ મને અસંતોષ જ રહેશે,કેમ કે,
મને એ ચિંતા રહેશે કે મારા વગર તમારું ભરણપોષણ કેવી રીતે થશે? આમ,વિદ્વાનોએ,ઘરનાં લોકોના ત્યાગને નિષ્ઠુર કહીને નિંદનીય ગણ્યો છે,તો તમને હું ત્યાગી ન શકું અને જો હું મારી જાતનો ત્યાગ કરું તો બધા મારા વિના મરી જશે.
આ રીતે,હું મહાઆપત્તિમાં આવી પડ્યો છું,ધિક્કાર હો મને,હું સપરિવાર કયે માર્ગે જાઉં?
બધાં એ સાથે મરવું જ કલ્યાણકારી છે,હું એ જીવતો રહું,તે યોગ્ય નથી.(37-42)
અધ્યાય-157-સમાપ્ત