Apr 11, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-148

 
અધ્યાય-૧૫૫-ઘટોત્કચનો જન્મ 

II भीमसेन उवाच II स्मरंति वैरं रक्षांसि मायमाश्रित्य मोहिनीं I हिडिम्बे व्रज पन्थानं स्वमिमं भ्रातृसैवितम् II १ II

ભીમ બોલ્યો-'હે હિડિમ્બા,રાક્ષસો મોહિની માયાનો આશ્રય કરીને પોતાના વેરોને સંભારી રાખે છે,

તો તું પણ તારા ભાઈએ સેવેલા (રાક્ષસી)રસ્તે પડ.'

યુધિષ્ઠિર બોલ્યા-'હે ભીમ,તું ક્રોધમાં સ્ત્રીનો વધ કરીશ નહિ,શરીરના રક્ષણ કરતાં ય તું ધર્મનું અધિક રક્ષણ કર,

વધની ઈચ્છાએ આવેલા તે હિડિમ્બને તે માર્યો છે,તો તે રાક્ષસની બહેન ક્રોધે ભરાઈને આપણને શું કરી શકશે?'

વૈશંપાયન બોલ્યા-પછી,કુંતીને પ્રણામ કરી હિડિમ્બા બોલી-'હે આર્યા,સ્ત્રીઓને કામને કારણે જે પીડા થાય છે,

તે તમે જાણો છો.ભીમસેનને જોઈને મને અનંગપીડા થઇ છે.યોગ્ય સમયની વાટ જોઈ,મેં તે દુઃખને સહન કર્યું છે.

પણ,હવે સુખોદય કરનારો સમય હવે આવ્યો છે.સ્વધર્મ ને ભાઈને છોડીને,હું તમારા પુત્રને પતિ તરીકે મનથી 

વરી ચુકી છું,તમે મારી વાત નહિ સાંભળો તો હું જીવીશ જ નહિ,હું તમને આ સાચું કહું છું.


મને મૂઢ સમજીને અથવા મને ભક્ત કે દાસી સમજીને તમે મારા પર કૃપા કરો.તમારા આ પુત્ર સાથે,મારા સ્વામી સાથે મારો મેળાપ કરવો,હું તેને લઈને યચેચ્છ વિચરીશ,પછી,તેમને હું પાછા લઇ આવીશ,તમે મારામાં વિશ્વાસ રાખો.મારુ મનથી પણ સમરણ કરવામાં આવશે એટલે હું તમને,ઇષ્ટ સ્થાને લઇ જઈ,દુઃખમાંથી તારીશ.

તમે વેગે જવા ઇચ્છતા હશો તો હું તમને પીઠ પર બેસાડીને લઇ જઈશ.પણ ભીમસેન મને ભજે તેમ કરો'


યુધિષ્ઠિર બોલ્યા-હે હિડિમ્બા,તું કહે છે તેમ જ છે,એમાં સંશય નથી,એટલે હું કહું તે પ્રમાણે તારે વર્તવું પડશે.

ભીમસેન નાહીને નિત્યકર્મ આટોપીને પરવારી જાય,પછી તું એને સૂર્યાસ્તના આગલા વખત સુધી ભજજે,

દિવસે તું એની સાથે યચેચ્છ વિહરજે પણ રાત્રે તારે ભીમસેનને અહીં લાવી દેવો જ જોઈએ (1-18)


વૈશંપાયન બોલ્યા-પછી ભીમસેને પણ આમાં સંમતિ આપી ને બોલ્યો-'હે હિડિમ્બા,હું તને સત્યપૂર્વક 

મર્યાદા કહું છું તે તું સાંભળ,તને પુત્રોત્પત્તિ નહિ થાય ત્યાં સુધી જ હું તારી સાથે રહીશ'

ત્યારે રાક્ષસી હિડિમ્બાએ 'બહુ સારું' આમ કહીને,ભીમસેનને લઈને આકાશમાર્ગે ચાલતી થઇ.

પછી,પૃથ્વીનાં અનેક રમણીય સ્થળે,પોતે અનુપમ રૂપ ધારણ કરીને,ભીમને આનંદક્રીડા કરાવતી રહી.

ને સમય થયે,તેણે એક મહાબળવાન પુત્રને જન્મ આપ્યો.(19-30)


મોટા મુખવાળો,વિરૂપ આંખોવાળો,શંકુના જેવા કાનવાળો,ભયાનક દેખાવવાળો,ભયંકર નાદવાળો,

લાલ ઓઠવાળો,તીણી દાઢવાળો,લાંબા નાકવાળો,વિશાલ છાતીવાળો,તે પુત્ર,બાળક છતાં યૌવન સંપન્ન જણાતો હતો,કેમ કે રાક્ષસીઓ ગર્ભ ધારણ કરીને તરત જ પ્રસવ કરે છે.તે બોડકા માથાવાળા બાળકે,માતા પિતાને વંદન કર્યા,ત્યારે માતા હિડિમ્બાએ કહ્યું કે-'અહા,આ તો ઘટ (ઘડા)ની જેમ ઉત્કચ વાળ વિનાનો) છે.'

ત્યારે ભીમે કહ્યું કે-'તો તેનું નામ ઘટોત્કચ હો' (31-38)


તે ઘટોત્કચ,પાંડવો પ્રત્યે પ્રીતિવાળો ને તેમને વશ રહેતો હતો.પછી,ભીમસેનની શરત મુજબ,ભીમ સાથે રહેવાની

અવધ પુરી થઇ,એટલે અમુક ઠરાવ કરીને હિડિમ્બા ત્યાંથી જવા નીકળી.ઘટોત્કચે પણ પાંડવોને વંદન કર્યા,

ને કહ્યું કે-'હું આપ સર્વેનું શું ભલું કરું?' ત્યારે કુંતીએ કહ્યું કે-'તું જોઈએ ત્યારે પાંડવોને મદદ કરજે'

ઘટોત્કચ બોલ્યો-હું,આ લોકમાં,પરાક્રમમાં,રાવણ ને ઇંદ્રજીતના જેવો (સમોવડીયો) છું,

ને,જયારે,મારા પિતા ને કાકાઓને જરૂર પડશે ત્યારે હું તેમની પાસે આવીને ઉભો રહીશ.'

આમ કહી,સર્વેની રાજા લઈને,ઘટોત્કચે ઉત્તર દિશામાં ચાલવા માંડ્યું.

ભવિષ્યમાં કર્ણની સામે લડવા ને તેની શક્તિને નિષ્ફળ કરવાના હેતુથી ઇન્દ્રે આ મહારથીને સર્જ્યો હતો.(39-47)

અધ્યાય-155-સમાપ્ત 


અધ્યાય-૧૫૬-વ્યાસનાં દર્શન અને એકચક્રા નગરમાં નિવાસ 


II वैशंपायन उवाच II ते वनेन वनं गत्वा घ्रन्तो मृगगणान बहुन I अपक्रम्य ययूराजंस्त्वरमाणा महारथाः II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,પાંડવો,એક વનમાંથી બીજા વનમાં જઈ,અનેક મૃગોનો શિકાર કરતા,વેગપૂર્વક આગળ ચાલવા લાગ્યા.મત્સ્ય,ટ્રિગરત,પાંચાલ,કીચક આદિ દેશોને વટાવીને તેઓ રમણીય વન ને સરોવરો જોતા આગળ વધ્યા.તેમણે સૌએ જટાઓ વધારી હતી,તથા મૃગચર્મનાં વલ્કલ પહેર્યા હતાં,ને તપસ્વીનો વેશ ધારણ કર્યો હતો.

રસ્તે જતા,એકવાર,તેઓ વેદાંગો ને નીતિશાસ્ત્ર ભણી રહ્યા હતા,તેવામાં તેમને વ્યાસજીને જોયા.

ત્યારે માતા ને પાંડવો તેમને નમન કરીને હાથ જોડી ઉભા રહ્યા. (1-6)


વ્યાસ બોલ્યા-હે ભરતસિંહો,અધર્મી ધૃતરાષ્ટ્રપુત્રોએ તમને આમ કાઢી મૂકીને,જે સંકટ ઉભું કર્યું છે,તેની મને 

પહેલેથી જ ખબર પડી ગઈ હતી,ને હવે તમારું પરમહિત કરવાની ઇચ્છાએ હું આવ્યો છું.તમારે આનો ખેદ કરવો નહિ,

આ બધું તમારા સુખ માટે જ છે.મારે મન તો તમે સૌ કુરુઓ સમાન જ છો,પણ દીન બનેલા એવા તમારા પ્રત્યે મને

વિશેષ સ્નેહ પેદા થયો છે,એટલે તમારા હિત માટે હું સ્નેહપૂર્વક જે કહેવા ઈચ્છું છું તે તમે સાંભળો.

અહીં પાસે રમ્ય ને નિરુપદ્રવી નગર છે,ત્યાં તમે ગુપ્તવેશે રહો ને પછી ફરી મારા આવવાની રાહ જોજો.(7-11)


વ્યાસજી તેમને એકચક્રા નગરમાં લઇ ગયા,ને પછી કુંતીને કહેવા લાગ્યા કે-તારા આ પુત્રો,ધર્મપૂર્વક,પૃથ્વીને જીતી,

પૃથ્વીના સર્વ રાજાઓ ઉપર આણ વર્તાવશે,ને ભોગ ભોગવશે એમાં સંશય નથી.તેઓ રાજસૂય ને અશ્વમેઘ યજ્ઞો 

કરશે,સ્નેહીઓને કૃપાપૂર્વક ભોગો આપશે ને બાપદાદાના રાજ્યને ભોગવશે.(12-17)

વ્યાસજીએ આમ કહીને એક બ્રાહ્મણના ઘરમાં નિવાસ અપાવ્યો ને પછી યુધિષ્ઠિરને કહ્યું કે-'અહીં,એક માસ સુધી

મારી રાહ જોજો,ને આ દેશ તથા કાળને જોઈ પરમ આનંદ પામજો;આમ કહી વ્યાસજી ત્યાંથી ગયા.(18-20)

અધ્યાય-156-સમાપ્ત 

હિડિમ્બ વધ પર્વ સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE