Apr 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-147

અધ્યાય-૧૫૪-હિડિમ્બનો વધ 

II वैशंपायन उवाच II प्रबुद्वास्ते हिडिम्बाय रूपं द्रष्टात्तिमानुपम् I विस्मिताः पुरुषव्याघ्रा वभूवुः पृथया सह II १ II

વૈશંપાયન બોલ્યા-જાગરાત થયેલા તે પુરુષસિંહો (પાંડવો) અને કુંતી(પૃથા) તે હિડિમ્બાનું માનવરૂપ જોઈ વિસ્મિત થયાં.પછી કુંતીએ તેને કહ્યું કે-'હે દેવકન્યા જેવી ઉત્તમાંગી,તું કોણ છે?કોની પુત્રી છે? શા માટે  ને ક્યાંથી તારું અહીં આવવું થયું છે?તું વનદેવી છે કે અપ્સરા છે? તું અહીં કેમ ઉભી છે? તે તું મને કહે.(1-4)

હિડિમ્બા બોલી-'હે કલ્યાણી,આ મહાવન,હિડિમ્બ રાક્ષસનું નિવાસસ્થાન છે,હું તેની બહેન હિડિમ્બા છું.

તમને,તમારા પુત્રો સાથે મારી નાખવાની ઈચ્છાએ  મને અહીં મોકલી હતી,પણ અહીં આવીને મેં નવસુવર્ણની કાંતિવાળા તમારા મહાબળવાન પુત્રને જોઈ,કામદેવથી પ્રેરાઈને હું તેને આધીન થઇ છું,ને તેને જ મારા પતિ માનવા લાગી છું,

મેં તેમને અને તમે સર્વેને,અહીંથી દૂર લઇ જવા પ્રયત્ન કર્યો પણ તેમાં હું ફાવી નથી,

મને અહીં વાર થઇ,એટલે તે હિડિમ્બ,પોતે જ સર્વેને મારવા અહીં આવ્યો છે,ત્યારે તમારે પુત્રે તેને બળપૂર્વક

ભીંસીને દૂર ઢસરડી દીધો છે.ને હવે તેઓ આપસમાં ગર્જનાઓ કરતા લડી રહ્યા છે' (5-12)


હિડિમ્બાનાં વચન સાંભળીને,તરત જ ભાઈઓ યુદ્ધસ્થાને પહોંચ્યા.તો ત્યાં તેમણે,ભીમ અને હિડિમ્બને,

એકબીજા પાર વિજયા મેળવવા માટે ધમાસાણ યુદ્ધ કરતા જોયા.તે જોઈ,અર્જુને કહ્યું કે-'હે ભીમ,તમે ભય પામશો નહિ,તમે રાક્ષસ સાથે લડી રહ્યા છો તેની જાણ અમને થઇ નહોતી,પણ હવે હું તમારી પડખે છું' (13-19)

ભીમે કહ્યું-'તું ઉભો ઉભો જોયા કર,ગભરાઈશ નહિ,મારા હાથમાં આવેલ આ રાક્ષસ જીવતો નહિ જ જાય'


અર્જુન બોલ્યો-'હે ભીમ,આ પાપી રાક્ષસને શા માટે હજુ વધારે જીવતો રહેવા દે છે? ઝટ કર ને રમત ન કર,

કેમ કે સંધ્યાનો સમય આવશે,તો તે તેની માયા ફેલાવશે,માટે તે પહેલા જ તેને મારી નાખો'

અર્જુને આમ કહ્યું એટલે,ભીમ રોષથી સળગી ઉઠ્યો અને જગતના પ્રલાયકાળના વાયુનું બળ ધારણ કરીને,

પછી તેણે તે રાક્ષસના શરીરને રોષપૂર્વક ઉછાળીને તેને સેંકડો વાર ઘુમાવીને તે બોલ્યો કે-


'ફોગટનું માંસ ખાઈને તું ફાલ્યો છે,તું વ્યર્થ વધ્યો છે ને તારી બુદ્ધિ પણ વ્યર્થ છે,માટે તેને મિથ્યા મરણ જ ઘટે છે.

જે બાહુયુદ્ધમાં સ્વર્ગ મળતું નથી,તેને જ તું યોગ્ય છે,તું હવે ફરી કોઈ મનુષ્યને મારીને ખાઈ શકીશ નહિ'

ત્યારે અર્જુન બોલ્યો-હે ભીમ,યુદ્ધમાં તમને આ રાક્ષસ જો ભારે પડતો હોય,તો હું તમારી મદદે આવું,તમે એને 

ઝટ પાડીને હણી નાખો કે પછી હું એને હણી નાખું,તમે થાક્યા હશો તો જરા વિસામો લો'


અર્જુનનું આવું વચન સાંભળીને,ભીમસેન અતિ આવેશમાં આવી ગયો ને તે રાક્ષસને બળપૂર્વક પૃથ્વી પર પટકી નાખ્યો

ને પછી પશુની જેમ માર માર્યો.રાક્ષસના નિઃશ્વાસોથી જંગલ ગુંજી રહ્યું,પછી ભીમે,હિડિમ્બને,બે હાથેથી પકડીને,

પગ વડે છાતી ભાગીને,મારી નાખ્યો.સર્વ ભાઈઓ આનંદમાં આવી ગયા ને ભીમની પ્રશંસા કરવા લાગ્યા.

અર્જુને કહ્યું-'હે સમર્થ,મને લાગે છે કે આ વનથી નગર બહુ દૂર નથી,તો,દુર્યોધન ન જાણે તેમ આપણે અહીંથી ચાલી નીકળીએ' ભીમે કહ્યું કે-'ભલે તેમ કરીએ' ત્યાર બાદ,સર્વે પાંડવો માતાની સાથે નગર તરફ જવા ચાલી નીકળ્યા,

ત્યારે રાક્ષસી હિડિમ્બા પણ તેઓની સાથે ચાલવા લાગી (20-36)

અધ્યાય-154-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE