Apr 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-146

અધ્યાય-૧૫૩-ભીમ અને હિડિમ્બનું યુદ્ધ 

II वैशंपायन उवाच II तां विदित्वा चिरगतां हिडिम्बो राक्षसेश्वरः I अवतीर्य द्रुमात्तस्मादाजगामाशु पाण्डवान II १ II

વૈશંપાયન બોલ્યા-તે હિડિમ્બાને પાછા આવતાં બહુ વાર થઇ,એટલે તે ભયંકર રાક્ષસનાથ હિડિમ્બ,ઝાડ પરથી નીચે ઉતર્યો ને ઝડપથી પાંડવો તરફ ચાલવા લાગ્યો.હિડિમ્બને આવતો જોઈને હિડિમ્બા ગભરાઈ ને ભીમને કહેવા લાગી કે-'આ તે નરભક્ષી દુરાત્મા ક્રોધ કરીને છલાંગ મારતો આવે છે તો તમે ભાઈઓ સાથે,હું કહું તેમ કરો,

હે વીર,હું ઇચ્છામાં આવે તેમ ગગનમાં વિચરી શકું છું,મારામાં રાક્ષસનું બળ છે,તમે તમારા ભાઈઓ ને

માતાને જગાડો,હું તમને સર્વેને,ઉપાડીને આકાશમાર્ગે લઇ જઈશ.(1-6)

ભીમ બોલ્યો-હે શોભના,તું ભય ન પામ,મારી આગળ તે શી વિસાતમાં છે? એ રાક્ષસ મને મારી નહિ શકે.

એવો મારો દૃઢ અભિપ્રાય છે.તારા દેખતાં જ હું તેને હણી નાખીશ.એ રાક્ષસ મારી બરાબરીમાં આવે તેવો 

બળિયો નથી,અરે,સર્વ રાક્ષસો ભેગા મળીને આવે તો પણ યુદ્ધમાં મારા ઝાટકા તે ઝીલી શકે તેમ નથી.

જો,મારા આ બે હાથ,હાથીની સૂંઢ જેવા સુગઠિત છે,મારી છાતી વિશાલ ને કઠણ છે,તું આજે 

મારુ ઇન્દ્રના જેવું પરાક્રમ જો,મને મનુષ્ય જાણીને તું મારી અવગણના કરીશ નહિ (7-10)


હિડિમ્બા બોલી-'હે નરસિંહ,દેવરૂપ જેવા તમને હું તુચ્છ ગણતી જ નથી,

પણ મનુષ્ય પર રાક્ષસોનો પ્રભાવ મેં જોયો છે.'


વૈશંપાયન બોલ્યા-ભીમનાં વચનો તે રાક્ષસે સાંભળ્યાં,ને તે ક્રોધે ભરાયો.વળી,હિડિમ્બાએ લીધેલું,

મનોહર મનુષ્યરૂપ જોઈને,રાક્ષસે વિચાર્યું કે -'તે પુરુષકામી થઇ છે' ને તેવી શંકાને લીધે તે હિડિમ્બા પર 

પણ ક્રોધે ભરાયો,ને તેણે કહ્યું કે-અરે,મારે ભક્ષ્ય જોઈએ છે,તો કોણ એમાં વિઘ્ન નાખે છે?ઓ હિડિમ્બા,

તું મોહિત થઇ છે,મારા કોપની તને શું બીક લગતી નથી? હે કુલટા,મારુ અપ્રિય કરનારી,તને ધિક્કાર હો,

આમનો આશ્રય કરીને તેં મારુ ભારે ભૂંડું કર્યું છે,તો આજે સૌની સાથે તને પણ હું મારી નાખીશ (11-19)


પોતાની બહેન પર અત્યંત ખીજાયેલો તે હિડિમ્બ,સૌને મારવા ઉછળ્યો,ત્યારે ભીમસેને હસતો હોય તેમ કહ્યું કે-

'ઉભો રહે જરા થોભ,તું સુખે સુતેલા આ સર્વને શું કામ જગાડે છે? તું મને જ યુદ્ધ આપ,ને મારા પર પ્રહાર કર.


વળી,તું એક સ્ત્રીને મારવા ઈચ્છે છે,એ બરાબર નથી,આ બાળા,કંઇ જાતે જ સ્વાધીન થઈને મારી કામના કરતી નથી,પણ તેના અંગેઅંગમાં વ્યાપેલા કામદેવ જ તેને એમ કરવા પ્રેરી રહ્યા છે.માટે તું એની નિંદા કરે તે યોગ્ય નથી,

હું ઉભો હોઉં ને તું એક સ્ત્રી પર હાથ ઉપાડે -તે નહિ બને.'(20-28)


'હે નરભક્ષી,તું એકલો મારી સામે આવી જા,ને હું એકલો જ તને યમને દ્વારે પહોંચાડી દઈશ.મારા પગ નીચે તારા મસ્તકના ચૂરેચૂરા થઇ જશે,એટલે તારા શરીરને કાગડા,બાજ,ગીધ આનંદમાં આવીને ખાશે.પૂર્વે,માણસોને ખાઈને તેં આ વનને દુષિત કર્યું છે પણ આજે હું આ વનને એક ક્ષણમાં રાક્ષસરહિત કરીશ.પછી,વનવિહારી પુરુષો,નિર્ભય થઈને આ વનમાં વિચરશે,આજે હું તને મારીશ તે આ તારી બહેન તે જોશે.'(29-34)


હિડિમ્બ બોલ્યો-હે માનવ,તું શા માટે ફોગટ ફૂંફાડા મારે છે? ને ખોટી લવારી કરે છે? તારા હાથનું બળ બતાવ,

તું તારી જાતને બળવાન ને પરાક્રમી માને છે,પણ આજે મારી સાથે બાથ ભીડતાં જ તને ખબર પડી જશે કે તારામાં કેટલું બળ છે? આ સૂતેલાઓને હમણાં સૂવા  દે,હું પહેલાં તને મારી,તારું લોહી પીશ ને પછી,

આ સૂતેલાંઓને મારીશ ને છેવટે મારુ ભૂંડું કરનારી આ હિડિમ્બાને હણીશ.(35-38)


વૈશંપાયન બોલ્યા-આમ કહી તે હિડિમ્બ,પોતાનો હાથ ઉગામીને ભીમ તરફ ધસ્યો,ત્યારે ભીમે તેના ઉગામેલા હાથને ઝડપથી પકડી લીધો,ને પછી,જેમ,સિંહ એક હરણને ફગાવી દે,તેમ આઠ ધનુષ્ય (બત્રીસ હાથ) જેટલે અંતરે ફેંકી દીધો.સુતેલા ભાઈઓ જાગી ન જાય,એટલે ભીમે તેને ફરીથી બળપૂર્વક પકડ્યો,ને ત્યારે ક્રોધ ને મદમાં ઉન્મત્ત બે હાથીઓ લડે તેમ,તેઓ લડવા લાગ્યા,ત્યારે કેટલાંયે વૃક્ષોનો કચ્ચરઘાણ નીકળી ગયો.તેમના મહાશોરથી પાંડવો ને માતા જાગી ગયા ત્યારે તેમણે સામે હિડિમ્બાને ઉભેલી જોઈ (39-43)

અધ્યાય-153-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE