Apr 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-145

 
હિડિમ્બ વધ પર્વ 

અધ્યાય-૧૫૨-ભીમ અને હિડિમ્બાનો સંવાદ 

II वैशंपायन उवाच II तत्र तेपु शयानेपु हिडिम्बो नाम राक्षसः I अविदूरे वनात्तस्मा च्छालवृक्षं समाश्रितः II १ II

વૈશંપાયન બોલ્યા-પાંડવો જ્યાં સૂતા હતા,ત્યાંથી થોડે છેટે સાગના ઝાડ પર હિડિમ્બ નામે,નરમાંસભક્ષી,રાક્ષસ 

રહેતો હતો.તેનો વર્ણ શ્યામ હતો ને તેની આંખો પીળા રંગની હતી,ને આકારે તે મહાભયંકર હતો.તેનું મુખ વિકરાળ હતું,ને ભૂખથી પીડાયેલો તે માંસની આકાંક્ષા કરતો હતો.તેણે એકાએક પાંડુપુત્રોને જોયા.

તેમને વારંવાર જોઈને,પોતાના સૂકા વાળને ધુણાવવા લાગ્યો,ને નરમાંસ મળશે,તેવી આશાથી હર્ષ પામ્યો.

ને પોતાની બહેન (હિડિમ્બા)ને કહેવા લાગ્યો કે-'બહુ લાંબે ગાળે,મને પ્રિય ભક્ષ્ય હાથ લાગ્યો છે,મારી જીભ સળવળે છે,તીણી અણિયાળી મારી આઠ દાઢો કઠોર છે તે હું,ભરાઉ માંસવાળા દેહોમાં ભરાવી દઈશ,તેમના ગળાઉપર ચડી બેસીને હું તેમની ધમનીઓ કાપીને તાજું,ઉનું ને ફીણવાળું પુષ્કળ લોહી પીશ,તો તું જા,અને ખબર કાઢ કે વનમાં સુતેલા તે કોણ છે? તે માણસોની બળવાન ગંધ મારા નાકને સુખ આપી રહી છે.(1-12)

તે માણસોને મારીને,તું તેમને મારી પાસે લઇ આવ,તેઓ આપણા અધિકાર પ્રદેશમાં સુતા છે,એટલે તેમનો ભય રાખવાની તારે કોઈ જરૂર નથી.તે માણસોનું માણસ કાઢીકાઢીને આપણે બેઉ યચેચ્છ ભોજન કરીશું.

ને પછી,મનમાન્યુ ખાઈને આપણે બંને વિવિધ તાલ આપીને અનેક રીતે નૃત્ય કરીશું' (13-15)

 

ભાઈએ જયારે આમ કહ્યું ત્યારે,બહેન હિડિમ્બા,ભાઈના કહેવા મુજબ,પાંડવો તરફ ગઈ,કે જ્યાં તેણે પાંડવો ને માતા કુંતીને સૂતેલા જોયા પણ ભીમને જાગતો જોયો.પૃથ્વીમાં અજોડ રૂપવાળા તે ભીમને જોતાં જ તે રાક્ષસી તેની કામના કરવા લાગી.ને વિચારવા લાગી કે-'સિંહના જેવા ખભાવાળો,શંખના જેવી ડોકવાળો,કમળ જેવી આંખોવાળો અને મહાન તેજવાળો આ મહાબાહુ,મારો ભર્તા (પતિ) થવા જ યોગ્ય છે.આથી હું ભાઈના વચન મુજબ નહિ જ કરું,કેમ કે પતિ પ્રત્યેનો પ્રેમ બળવાન છે,નહિ કે ભાઈ સાથેનું સગપણ.આને મારવાથી કદાચ 

મારા ભાઈને ક્ષણભર તૃપ્તિ થશે પણ,એમને ન મારવાથી હું અનેક વર્ષો સુધી આનંદ ભોગવીશ' (16-21)


આથી,ઇચ્છારૂપ ધરનારી,તે હિડિમ્બાએ ઉત્તમ માનુષી રૂપ લીધું અને ધીરેધીરે ભીમ પાસે આવી.

દિવ્ય અલંકારોથી વિભૂષિત થયેલી તે લજ્જાશીલ લલનાએ પ્રથમ સ્મિત કર્યું અને પછી કહેવા લાગી કે-

'હે પુરુષસિંહ,તમે ક્યાંથી આવ્યા છો?તમે કોણ છો? દેવના જેવા રૂપાળા,આ કોણ અહીં સુઈ રહ્યા છે?

પ્રૌઢ વયની કોમળ અંગવાળી આ શ્યામા તમારે શું થાય છે? તમે શું એ જાણતા નથી કે-આ ગહન વન રાક્ષસોથી સેવાયલું છે? અહીં હિડિમ્બ નામે પાપાત્મા રાક્ષસ કે જે મારો ભાઈ છે,તેણે મને તમને મારવા અહીં મોકલી છે.


પણ,દેવબાળક્ના જેવી કાંતિવાળા તમને જોઈને,હું તમને મારા પતિ તરીકે ઈચ્છું છું.કામ ના વેગથી મારા અંગ ને ચિત્ત હણાઈ રહ્યાં છે,હું તમને ભજી રહી છું,તમે મારા પર કૃપા કરો.હું તમારું,તે નરભક્ષી રાક્ષસથી રક્ષણ કરીશ,

તમે મારા પતિ થાઓ,આપણે બંને ગિરિદુર્ગોમાં વાસ કરીશું,હું અંતરિક્ષમાં ઉડનારી છું,ને ઈચ્છા મુજબ વિચરું છું,

તમને ત્યાં લઇ જઈશું કે જેથી તમે મારી સાથે અતુલ પ્રીતિને પામશો'(22-31)


ભીમ બોલ્યો-હે રાક્ષસી.આ સુખેથી સુઈ રહેલા મારા ભાઈએ ને માતાને ત્યજીને,કામથી પીડાયેલા મનુષ્યની 

જેમ,(માત્ર પોતાનો વિચાર  કરી) તેમને રાક્ષસના ભોજનમાં આપીને હું કદાપિ નીકળી શકું નહિ.

હિડિમ્બા બોલી-તમને જે પ્રિય હશે તે હું કરીશ,ને હિડિમ્બથી તમને બચાવીશ,સર્વને જગાડો.

ભીમ બોલ્યો-રાક્ષસના ભયથી હું સર્વને નહિ જગાડું.ગંધર્વોને યક્ષો પણ મારા પરાક્રમને જીરવી શકતા નથી,તો 

તે રાક્ષસનું તો શું ગજું? તું જા,ઉભી રહે કે તારી ઈચ્છા મુજબ કર.પણ તું તારા ભાઈને અહીં મોકલ.(32-37)

અધ્યાય-152-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE