અધ્યાય-૧૫૧-હિડિમ્બ વનમાં ભીમ પાણી લાવે છે
II वैशंपायन उवाच II तेन विक्रममाणेन ऊरुवेगसमीरितं I वनं सवुक्षविटपं व्याधुणिंतमिवाभवत II १ II
વૈશંપાયન બોલ્યા-તે વિક્રમી,ભીમસેને પોતાના સાથળના વેગથી ઘુમીને,તે ઝાડપાલોથી ભરેલા આખા વનને
જાણે ડોલાવી મૂક્યું.તેની જાંઘના ઝપાટાથી,જાણે જેઠ-અષાડનો પવન વાવા લાગ્યો હોય તેમ લાગતું હતું,
તે મહાબળવાન,આમ,વેલાઓ ને વૃક્ષોને ઢાળીને માર્ગ કરતો આગળ ચાલતો હતો.જાણે,કોઈ મદઝરતા,પરાક્રમી ગજરાજની જેમ,તે વનમાં મહાવૃક્ષીને કચડતો ચાલી રહ્યો હતો.તેમ જણાતું હતું.ગરુડના જેવી અને પવનની ગતિએ જતા એ ભીમના વેગને લીધે.પાંડુપુત્રોને જાણે મૂર્છા આવી ગઈ.(1-5)
સાંજના સમયે તે,ઘોર વનના એક ભાગમાં પહોંચ્યો કે જે પાણીની અછતવાળો હતો,ને પશુઓના અવાજોથી બિહામણો લાગતો હતો.ત્યારે સર્વ પાંડવો થાક ને તરસથી પીડાતા હતા,ને ત્યાં જ બેસી ગયા.
કુંતીએ કહ્યું કે-'હું પાંચ પાંડવોની માતા હોવા છતાં,હું તરસે મરી રહી છું' માતાની આવી વાતથી
ભીમનું મન કરુણાથી વ્યાપ્ત થયું ને તેણે આગળ ચાલવા માંડ્યું.(6-14)
ઘાંચોર ને નિર્જન વનમાં આગળ જતાં.ભીમે એક વિશાળ વડને જોયો,એટલે ભીમે સહુને ત્યાં ઉતાર્યા ને કહ્યું-
'તમે સહુ અહીં વિશ્રામ કરો હું પાણી શોધીને લઇ આવું છું.અહીં જળચળ સારસોની કૂંજ સંભળાય છે,
એટલે મને લાગે છે કે જળાશય હોવું જોઈએ' યુધિષ્ઠિરની આજ્ઞા લઈને તે ગયો.બે કોશ દૂર તેણે જળાશય જોયું,ત્યારે પોતે પાણી પીને,પોતાના ભાઈ ને માતા માટે ઉપરણામાં પાણી લઈને તે વેગપૂર્વક પાછો આવ્યો.
માતા અને ભાઈઓને ધરતી પર સૂતેલાં જોઈને,ભીમ અત્યંત શોકથી ઘેરાઈ ગયો ને વિલાપ કરવા લાગ્યો,
'આથી વિશેષ કષ્ટદાયી શું હોઈ શકે? પૂર્વે મહામૂલાં શયનોમાં સૂનારા મારા ભાઈઓ આજે ધરતી પર સુતા છે.
શત્રુઓના સમૂહને મરડી નાખનારા વસુદેવ (શ્રીકૃષ્ણ) ની બહેન,કુંતીરાજની પુત્રી,પાંડુની પત્ની ને અમારી માતા,
કે જે કમળગર્ભના જેવી પ્રભાવતી છે,ને અત્યંત સુકોમળ છે,તે આજે ધરતીની પથારી પર પોઢી છે.
આથી વિશેષ દુઃખદાયી બીજું શું મારે જોવાનું હોઈ શકે?
અરે,જેઓ,બળવાન,અર્થસંપન્ન,ને મિત્રો તથા સંબંધીઓને આનંદ આપનારા છે,તેઓ સુદ્ધાં,વનમાં રહેલ વૃક્ષોની જેમ,એકમેકને વળગીને સુખથી જીવે છે,પણ,પોતાના પુત્રોને સાથ આપીને દુરાત્મા ધૃતરાષ્ટ્રે,તો અમને
ખદેડી નાખ્યા,જોકે એટલું સદ્ભાગ્ય છે કે અમે બળી ગયા નથી,તે આગથી બચી અમે આ વૃક્ષના આશરે આવ્યા છીએ,હવે અમારે કઈ દિશામાં જવું? હે દુર્મતિ દુર્યોધન,તારી ઈચ્છા સફળ થાઓ,દેવો તારા પર પ્રસન્ન છે,કેમ કે, યુધિષ્ઠિર મને તારો વધ કરવાની આજ્ઞા આપતા નથી,તેથી જ તું જીવી રહ્યો છે.હું ધારું તો આજે જ તને,તારા
કુટુંબ ને,તારા પ્રધાનોને,કર્ણને,શકુનિને ને તારા નાના ભાઈઓને યમદ્વારે મોકલી દઉં.પણ,શું કરું?
પાંડવોમાં શ્રેષ્ઠ,મોટાભાઈ ધર્માત્મા યુધિષ્ઠિર તારા પર કોપાયમાન થતા નથી'
આમ વિચારતો તે ભીમ,'આ લોકો સૂઈને ઉઠીને પાણી પીશે' એમ વિચારીને જાગતો બેસી રહ્યો (15-45)
અધ્યાય-151-સમાપ્ત
જતુગૃહ પર્વ સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE