Apr 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-143

અધ્યાય-૧૪૯-પાંડવોએ ગંગા પર કરી 

II वैशंपायन उवाच II एतस्मिन्नेव काले तु यथा संप्रत्ययं कविः I विदुरः प्रेषयामास तद्वनं पुरुषं शुचिम् II १ II

વૈશંપાયન બોલ્યા-તે વખતે,કવિ વિદુરે,મોકલેલો વિશ્વાસપાત્ર માણસ ત્યાં વનમાં આવ્યો,ને તેણે,પાંડવોને,માતા સાથે નદીના જળનું માપ કાઢતા જોયા.તેણે પાંડવોને એક નાવ બતાવી,કે જે મન અને પવનની ગતિએ જનાર હતી,સર્વ વાયુઓ (પવન) સામે ટક્કર ઝીલે તેવી હતી,ને યંત્ર તથા ઝંડાથી સજેલી હતી.

અને તે નાવને ખાતરીલાયક વિશ્વાસુ માણસોએ ગંગાતટે જ બનાવી હતી (1-5)

હોડી બતાવી તે વિશ્વાસુ માણસે કહ્યું કે-હે યુધિષ્ઠિર,કવિ વિદુરે અગાઉ જે આ વચન સંજ્ઞામાં કહ્યું હતું તે સાંભળો,

(કે જેથી તમને મારા પર વિશ્વાસ આવશે) કવિએ તમને કહ્યું હતું કે-'તૃણનાશી ને હિમનાશી વસ્તુ પણ,મહાવનમાં દરનું ઘર કરી રહેલા જીવને બાળી શક્તિ નથી,આમ સમજી જે પોતાનું રક્ષણ કરે તે જીવતો રહે છે.આ સંજ્ઞાથી તમે મારામાં વિશ્વાસ રાખી શકશો.વળી,વિદુરે કહ્યું હતું કે-તમે દુર્યોધન,શકુનિ,કર્ણ આદિને રણમાં જીતશો જ-

તે વિશે સંશય નથી.આ નાવ તમને સુખેથી લઇ જશે ને સૌને આ સ્થાનથી નિઃસંશય બચાવશે.

તમે જરાયે ગભરાયા વિના આ વિકટ માર્ગને વટાવી જજો'


આમ કહીને,વિદુરે મોકલેલા તે પુરુષે,સર્વને નાવમાં બેસાડ્યા,ને ગંગા પાર કરવા નાવ ચલાવી.

ગંગાના પેલા પારે ઉતરી,સર્વને આશિષ આપીને તે જેમ આવ્યો હતો તેમ પાછો ચાલ્યો ગયો.

પાંડવોએ,તેની સાથે વળતો સંદેશો મોકલાવ્યો,ને કોઈ ન જાણે તેમ વેગપૂર્વક વનમાં ચાલવા લાગ્યા.(6-15)

અધ્યાય-149-સમાપ્ત 


અધ્યાય-૧૫૦-પાંડવોનું વનમાં જવું 


II वैशंपायन उवाच II अथ रात्र्यां व्यतीतायामशेषो नागरो जनः I तत्राजगां त्वरितो दिदक्षुः पाण्डुनन्दनाम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,રાત વીતી ગઈ,ત્યારે વારણાવત નગરના સર્વ લોકો,પાંડુપુત્રોને જોવાની ઇચ્છાએ ત્યાં આવ્યા.આગને બુઝાવતા તે લોકોએ જ્યારે,મંત્રી પુરોચનને બળી ગયેલો જોયો,ત્યારે તેઓ ચીસ પાડી ઉઠયા.

'નક્કી,પાપી દુર્યોધને જ પાંડવોના વિનાશ માટે આ કાવતરું યોજ્યું હતું એમ સંશય નથી,ધૃતરાષ્ટ્ર આ જાણતો જ હશે તો તેણે શા માટે તેને રોક્યો નહિ,ને આ કાવતરામાં સામેલ થયો હશે? અરે,શું ભીષ્મ,દ્રોણ,વિદુર,કૃપાચાર્ય ને બીજા કુરુઓ પણ શા માટે ધર્મને અનુસરતા નથી? આપણે (ખાતરી કરી) ધૃતરાષ્ટ્રને કહેવડાવીએ કે-

'તમારો મનોરથ સફળ થયો છે ને પાંડવો બળી ગયા છે.'(1-6)


પછી,પાંડવોને શોધવા તેઓ આગ હોલવાતા હતા,ત્યારે,તેઓએ,પાંચ પુત્રોંવાળી નિર્દોષ ભીલડીને,બળી ગયેલી જોઈ,ત્યારે તેમને નક્કી ખાતરી થઇ ગઈ કે પાંડવો બળી ગયા છે.જો કે,પેલા ખાણિયાએ ઘર સાફ કરવાના બહાને સુરંગના મુખને ઢાંકી દીધું હતું,તેથી તે લોકો સુરંગને જોવા પામ્યા નહિ.(6-8)

પછી,ખાતરી થવાથી,નગરજનોએ ધૃતરાષ્ટ્રને ખબર મોકલાવી કે 'પાંડવો ને પુરોચન આગથી બળી ગયા છે'

ધૃતરાષ્ટ્ર આ ખબર સાંભળીને અત્યંત દુઃખી થઇ વિલાપ કરવા લાગ્યોને કહેવા લાગ્યો કે-'તે વીરો માતા સાથે બળી ગયા છે,તેથી આજે મારો ભાઈ પાંડુ વિશેષે મરી ગયો છે,હે પુરુષો,તમે જલ્દી વારણાવત જાઓ ને તેમનો અંતિમ સંસ્કાર કરો,કુળને યોગ્ય કાર્યો કરો,ને આ નિમિત્તે કુંતીનું જે હિત મારાથી થઇ શકે તે તમે ધનની મદદે કરો'

ધૃતરાષ્ટ્રને વીંટળાઈને ઊભેલાં સર્વેએ પાંડુપુત્રોની ઉદકક્રિયા કરી,સૌ શોક પરાયણ થયા.


સૌ લોકોએ શોક કરીને જલાંજલિ આપી,માત્ર વિદુરે શોક કર્યો નહિ,કેમ કે તે સત્ય વાત જાણતા હતા.(9-18)

બીજી બાજુ,પાંડવોએ નાવને છોડીને,તારોના સમૂહથી સૂચવાયેલ માર્ગને જાણીને દક્ષિણ દિશાએ ચાલવા લાગ્યા.

એમ કરતાં,તેઓ એક ગહન વનમાં આવી ચડ્યા,તે વખતે સર્વે ભૂખતરસથી થાક્યા હતા ને ઊંઘને લીધે આંધળા જેવા થઇ ગયા હતા.ત્યારે યુધિષ્ઠિરે વીર ભીમસેનને કહ્યું કે-'અમારાથી ચલાતું નથી ને આ ગાઢ વનમાં દિશા સૂઝતી નથી,આપણા સર્વમાં તું જ એક બળવાન ને પવન જેવો વેગવાન છે' યુધિષ્ટિરના આમ કહેવાથી,

તે ભીમે.સર્વને,ફરી એકવાર ઊંચકી લીધા ને ઝડપથી ચાલવા લાગ્યો.(19-26)

અધ્યાય-150-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE