Apr 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-142

અધ્યાય-૧૪૭-લાક્ષાગૃહમાં સુરંગ ખોદાવી 

II वैशंपायन उवाच II विदुरस्य सुह्रत् कश्चित् खनकः कुशलो नरः I विविक्ते पाण्डवात्राजन्निदं वचनमब्रवीत II १ II

વૈશંપાયન બોલ્યા-હે રાજન,ત્યારે,વિદુરના જાણકાર,એક ખાણિયાએ,પાંડવોને એકાંતમાં કહ્યું કે-

'મને વિદુરે મોકલ્યો છે,હું ખોદકામમાં કુશળ છું,તેમણે મને કહ્યું છે કે-'મારે પાંડવોનું પ્રિય કરવું'

તો તમે કહો કે હું તમારું શું કામ કરું? અંધારિયાની ચૌદશની રાત્રે,પુરોચન તમારા ભવનના દ્વારે અગ્નિ મુકશે,

તમને માતા સાથે બાળી મુકવા-એવી દુર્યોધનની ગોઠવણ છે.હે પાંડવ,વિદુરે તમને મ્લેચ્છ વાણીમાં કંઇક કહ્યું હતું,ત્યારે તમે 'હું સમજી ગયો' એવો જવાબ આપ્યો હતો.આ મારા પર વિશ્વાસ મુકવાના કારણરૂપ છે (1-6)

યુધિષ્ઠિર બોલ્યા-હે સૌમ્ય,તમને હું વિદુરના પ્રિય અને મિત્ર તરીકે ઓળખું છું,તે વિદુરથી કશું અજાણ્યું નથી,

જેમ,તમે તેમના મિત્ર છો,તેમ,તમે અમારા પણ મિત્ર છો,તો તમે અમારું આ લાક્ષાગૃહથી રક્ષણ કરો.

દુષ્ટ પાપાત્મા,દુર્યોધન ધનવાળો ને સહાયકોવાળો છે ને અમને નિત્ય પીડા કરે છે.બહાર નીકળવાનો માર્ગ ન મળે,એટલે આ કિલ્લા પર તેને આ મહાન લાક્ષાગૃહ બાંધ્યું છે,જો કે,વિદુરે અમને પહેલેથી સાવધાન કર્યા હતા,

અને તેઓ જે આપત્તિને આગળથી જ પામી ગયા હતા,તે આપત્તિ હવે આવી ચડી છે,તો તે પુરોચનને 

ખબર ન પડે તેમ,અહીં સુરંગ બનાવી અમને ઉગારો,કે જેથી દુર્યોધન 'અમે બળી ગયા છીએ; એવા ભ્રમમાં રહેશે.


ત્યારે 'બહુ સારું' એમ કહીને તે ખાણિયાએ,ત્યાં સુરંગ ખોદવા માંડી.ભવનની મધ્યમાં ઢાંકણું રાખી ભૂમિ સમથળ રહે,તેવી એક મોટી સુરંગ તેણે તૈયાર કરી.પુરોચન,કે જે સદા બારણા આગળ ઉભો રહેતો હતો,તેના ભયથી તે ખાણિયાએ સુરંગનું મુખ વાસેલું રાખ્યું હતું.પાંડવો ત્યાં રાતે રહેતા ને દિવસે મૃગયા માટે વિચરતા.

આમ વિશ્વાસ છતાં અવિશ્વાસ રાખી અને અસંતોષ છતાં સંતોષ દેખાડી,તેઓ પુરોચનને ભોળવતા હતા.

વિદુરના મોકલેલ તે ખાણિયા સિવાય,બીજા કોઈને સુરંગ વિષે ખબર નહોતી.(7-21)

અધ્યાય-147-સમાપ્ત 


અધ્યાય-૧૪૮-લાક્ષાગૃહમાં આગ 


II वैशंपायन उवाच II तांस्तु द्रष्टा सुमनसः परिसंवत्सरोपितान् I विश्वस्तानिव संलक्ष्य हर्ष चक्रे पुरोचनः II १ II

વૈશંપાયન બોલ્યા-એક વર્ષ સુધી,પાંડવોને પ્રસન્ન મનથી અને વિશ્વાસપૂર્વક વસેલા જોઈને પુરોચન આનંદિત થયો;

ને તેને આમ હર્ષિત થયેલો જોઈને,યુધિષ્ઠિરે પોતાના બાંધવોને કહ્યું કે-'પાપી પુરોચન,આપણને,

તેના વિશ્વાસે રહેલા જાણે છે,હવે મને લાગે છે કે-ભાગી જવાનો આ વખત છે.પુરોચનને જ બાળીને,

અહીં છ માણસો રાખીને બીજા કોઈને એ ખબર ન પડે તમે અહીંથી નાસી જઈએ' (1-4)


તે રાતે,કુંતીએ દાન આપવાના નિમિત્તે બ્રાહ્મણ ભોજન રાખ્યું હતું.બ્રાહ્મણો ભોજન કરીને ચાલ્યા ગયા ત્યારે,

દૈવેચ્છાથી,પાંચ પુત્રવાળી એક ભીલડી,અન્નની આશાથી ત્યાં આવી પહોંચી.તે સ્ત્રીએ પુત્રો સાથે મદિરા પીધી હતી,તેથી ઉન્મત્ત ને ભાન વિનાની મુડદા જેવી થઇ હતી,એટલે ભોજન પછી તે લોકો ભવનમાં જ સુઈ ગયા.


પછી,રાતે ભારે પવન ફૂંકાવા લાગ્યો,ત્યારે ભીમે ધીરે રહીને પુરોચન જ્યાં સુઈ રહ્યો હતો ત્યાં જ આગ મૂકી ને પછી બારણું સળગાવ્યું,ને પોતે,માતા ને ભાઈઓ સાથે,સુરંગમાં પેસી ગયો.લાક્ષાગૃહમાં અગ્નિના ભડકા થયેલા જોઈને 

નગરવાસીઓ જાગી ઉઠ્યા ને તે ઘરને બળતું જોઈને તેઓનાં મુખ શોકથી ઉતરી ગયાં.(5-13)


નગરજનો બોલ્યા-'દુર્યોધને રોકેલા તે પાપી પુરોચને,પાંડવોના વિનાશના માટે આ ઘર કરાવ્યું ને સળગાવી મૂક્યું છે.ધિક્કાર હો તે ધૃતરાષ્ટ્રને કે જેણે અસમાન ભાવ રાખીને પાંડુના પુત્રોને શત્રુની જેમ સળગાવી મુક્યા.

પોતાના વિશ્વાસમાં લઈને નિર્દોષ પાંડવોને બાળી મુકનાર પુરોચન પણ તેમાં જ બળી ગયો તે સારું થયું'


વૈશંપાયન બોલ્યા-નગરજનો,આખી રાત,તે ઘરને વીંટાઇને ઉભા રહ્યા હતા,ત્યારે,પાંડવો માતા સાથે સુરંગમાંથી નીકળી ગયા.થાકેલા તે સર્વે ઝડપથી ચાલી શકતા નહોતા,ત્યારે ભીમે,માતાને ખભે બેસાડી,નકુલ સહદેવને કેડે બેસાડી,

ને બે પૃથાપુત્રોને હાથ પર બેસાડીને ઝડપભેર ચાલવા માંડ્યું.(14-22)

અધ્યાય-148-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE