અધ્યાય-૧૪૬-લાક્ષાગૃહમાં યુધિષ્ઠિર અને ભીમનો સંવાદ
II वैशंपायन उवाच II ततः सर्वा: प्रकृतयो नगराद्वारणावतात I सर्वमंगलसंयुक्ता यथाशास्त्रमतंद्रिता II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,પાંડવોને આવેલા સાંભળીને,વારણાવતના લોકો હજારોની સંખ્યામાં,મંગલ પદાર્થો લઈને,તેઓને મળવા આવ્યા.ને તેમને વીંટળાઈને ઉભા.ને નગરવાસીઓએ પાંડવોનો સત્કાર કર્યો,સામે,પાંડવોએ પણ તે નગરજનોને સત્કાર્યા,ને પછી પાંડવોએ વારણાવતમાં પ્રવેશ કર્યો.નગરમાં જઈને તેઓએ,પ્રથમ બ્રાહ્મણો ત્યાં ગયા ને પછી,નગરના અધિકારીઓ,રથીઓ,વૈશ્યો ને શુદ્રોને ઘેર પણ ગયા.ત્યાર બાદ,પુરોચનને આગળ કરીને તેઓ પોતાના ભવનમાં ગયા,પુરોચને તેમને ભોજન,આસન ને શુભ શૈય્યાઓ આપ્યાં.(1-9)
આ રીતે,પુરોચનથી સત્કાર પામેલા,વારણાવત નગરમાં સુખેથી રહેવા લાગ્યા.તેમને ત્યાં રહ્યે,દશ રાત્રિ પસાર થઇ ત્યારે પુરોચને કહ્યું કે-મેં તમારા માટે 'શિવ' નામનું ઘર તૈયાર કર્યું છે (ખરું જોતાં તો તે અશિવ-અકલ્યાણકારી હતું)
પણ પુરોચનના વચનથી તે પાંડવોએ,પોતાના વસ્ત્ર-આદિ સાથે તે ઘરમાં પ્રવેશ કર્યો.
તે ઘરને જોઈને,યુધિષ્ઠિરે ભીમને કહ્યું કે-'આ ઘરને સૂંઘતા,તેમાં ઘી,લાખની વાસ આવે છે,શણ,શળ,મુંજ,ઘાસ,વાંસ આદિને ઘીમાં બોળીને બનાવેલ આ ઘર તો સળગી ઉઠે તેવું છે,પુરોચને,વિશ્વાસુ શિલ્પીઓ દ્વારા કુશળતા પૂર્વક ઘર
તૈયાર કરાવ્યું લાગે છે,ને તે નક્કી આપણને વિશ્વાસમાં રાખીને બાળી મુકવા ઈચ્છે છે.દુર્યોધનના વશમાં રહેનારો,આ પુરોચન,આપણને વિશ્વાસમાં લેવા મુજબનું જ વર્તન કરે છે,પણ વિદુર આ વાત જાણી ગયા છે,
એ તેમણે મને અગાઉથી જ ચેતવી દીધો છે કે આ સર્વ દુર્યોધનનું જ કાવતરું છે.' (10-19)
ભીમ બોલ્યો-'તમે જો આમ માનતા હો,તો આપણે પાંચ પહેલાં જ્યાં રહેતા હતા ત્યાં ચાલ્યા જઈએ'
યુધિષ્ઠિર બોલ્યા-મને એમ થાય છે કે-આપણે,આપણો (આ વિશેનો) ભાવનું પ્રદર્શન કર્યા વિના,યત્નપૂર્વક અહીં
જ રહેવું અને સાવધાનીથી અહીંથી નીકળવાનો માર્ગ ખોળતા રહેવું જોઈએ,કેમ કે જો પુરોચન જો આપણો ભાવ કળી જશે તો તે એકાએક બળજોરી કરીને પણ આપણને બાળી નાખશે.કેમ કે તેને,આ લોકની,રાજ્યની કે ધર્મની ભીતિ નથી,તે તો દુર્યોધનના વશમાં રહીને ,તે જે કહે તે પ્રમાણે જ કરે છે.
જો,આ પ્રમાણે કાવતરાથી,ઘરમાં આગ લાગવાથી મારવામાં આવે તો પછી,ભીષ્મ પિતામહ ને બીજા,
ધર્મ સમજીને કોપ કરે તો પણ,તેમનાથી શું વળશે? ને જો આપણે,બળવાના ભયથી ભાગી જઈશું તો,
રાજ્યલોભી દુર્યોધન,બીજા માણસો મોકલીને,પણ આપણને મારી નાખવાનો પ્રયત્ન કરશે જ.
આપણે,રાજ્યની હદ બહાર છીએ,પક્ષ વિનાના ને ધન રહિત છીએ,એટલે પક્ષવાળો-ધનવાળો દુર્યોધન,
કોઈ પણ ઉપાયો વડે,નક્કી આપણો નાશ કરાવશે.તેથી,તે દુર્યોધન ને આ પાપાત્મા પુરોચનને ભોળવીને,
અહીંથી ભાગીને,ગુપ્ત વાસે.મૃગયાશીલ રહી આ પૃથ્વી પર વિચરતા રહીશું.તેઓ ભલે એમ માને કે
આપણે આ ઘરમાં બળી ગયા છીએ.(જીવતા રહેવાનો આ એકમાત્ર ઉપાય છે)
માટે,આજથી આપણે,કોઈ જાણે નહિ,તે રીતે,જમીનમાં સુરંગ બનાવવા મંડીએ,
કે જેથી અગ્નિ આપણને બાળી શકે નહિ,ને અહીં એવી સાવધાનીથી રહીએ કે
પુરોચન ને તેના સાગરીતો આપણું કાર્ય જાણી શકે નહિ (20-31)
અધ્યાય-146-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE