Apr 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-140

 
અધ્યાય-૧૪૫-વારણાવતમાં પાંડવોનું આગમન 

II वैशंपायन उवाच II पाण्डवास्तु रथान युक्त्वा सद्श्वैरनिलोपमैः I आरोहमाणा भीष्मस्य पादौ जगृहुरार्त्तवत् II १ II

વૈશંપાયન બોલ્યા-તે પછી,પાંડવોએ રથોને સરસ અને પવનવેગી ઘોડાઓ જોડાવ્યા,ને તેમાં બેસતી વખતે,તેઓ,

ભીષ્મ,ધૃતરાષ્ટ્ર,દ્રોણ,કૃપ તેમજ વિદુર આદિને દીનતાપૂર્વક પગે લાગ્યા.ને આમ સર્વ કુરુવૃદ્ધોને પ્રણામ કરીને,

સમોવડિયાઓને આલિંગન આપીને,સર્વ માતાઓની પ્રદિક્ષણા કરીને,તેમની આજ્ઞા લઈને,

તે નિયમવ્રતી પાંડવો,માતા સાથે વારણાવત જવા નીકળ્યા.(1-4)

વિદુર અને અન્ય કુરુશ્રેષ્ઠો,પાંડવોની પાછળ ચાલવા લાગ્યા.કેટલાક નિર્ભય બ્રાહ્મણો,પાંડુપુત્રોને દીન અને દુઃખવશ થયેલા જોઈને,પોતે પણ અતિદુઃખી થઈને બોલ્યા-'આ મંદબુદ્ધિ વાળા ધૃતરાષ્ટ્રને,ધર્મ સૂઝતો જ નથી,પણ પક્ષપાત જ સૂઝે છે.પાંડુપુત્રો તો વિદ્રોહ કરીને પાપમાં પાડવા કરતાં ચૂપ જ રહેશે.ખરે તો તેમને જ રાજ્ય મળે,

પણ ધૃતરાષ્ટ્ર તે સાંખી શકતો નથી.ને અયોગ્ય રીતે તેમને નાગરથી બહાર કઢાવી મૂકે છે,જે અધર્મ છે.

અરે,ભીષ્મ,આની સાથે કેમ સંમત થયા હશે?પાંડુના દેવલોક થયા પછી,ધૃતરાષ્ટ્ર પાંડવોને સહી શકતો નથી.

ખરેખર,તો આપણે આવું થવું ઇચ્છતા નથી,એટલે આપણે પણ તેમની સાથે જઈએ.(5-13)


દુઃખી નગરજનોને પાછળ આવતા જોઈ,યુધિષ્ઠિરે વિચાર કરીને કહ્યું કે-'ધૃતરાષ્ટ્ર અમારા પિતા છે,ને તે 

જે કહે તે અમારે શંકા વગર કરવું જોઈએ,એ અમારું વ્રત છે.તમે અમને આશીર્વાદ આપી પાછા વળો,

ને ભવિષ્યમાં અમારે તમારું કામ પડે ત્યારે અમારું હિત કરજો' યુધિષ્ઠિરે આમ કહ્યું,

એટલે નગરજનો,તેમની પ્રદિક્ષણા કરી આશિષોથી અભિનંદન આપીને પોતપોતાના ઘેર પાછા ગયા.(14-18)


પછી,ધર્મવેત્તા વિદુરે,યુધિષ્ઠિર કે જે મ્લેચ્છ ભાષા જનતા હતા તેમને સાવધાન કરવા મ્લેચ્છ ભાષામાં કહ્યું કે-

'કણિકના નીતિશાસ્ત્રને અનુસરતી શત્રુની વિચારણાને જે જાને છે,તેને તે જાણીને એવું કરવું કે જેથી શત્રુએ નિર્મેલી આપત્તિ ટળી જાય.લોઢાનું ન હોવા છતાં,જે તીક્ષણ શસ્ત્ર,શરીરને ચીરી નાખે છે,તેનો સામે જે ઉપાય જાણે છે,તેને શત્રુઓ હણી શકતા નથી.(એટલે કે ધ્યાનમાં રાખજો કે તમને બાળી નાખવા રૂપાળું લાક્ષાગૃહ યોજાયું છે)

તૃણ કે હિમ નાશી વસ્તુ પણ,વનમાં દર કરીને રહેલા જીવને બાળી શકતી નથી,એ સમજી જે જીવ પોતાનું રક્ષણ કરે છે તે જીવતો રહે છે (લાક્ષાગૃહની અંદર સુરંગ બનાવી છે તેનાથી તમે ઉગરી શકશો)


આંખ નથી તેને રસ્તાની કે દિશાની સૂઝ પડતી નથી,ધૃતિ નથી તેને વિવેકબુદ્ધિ સાંપડતી નથી.એથી જાગતા રહીને,આ બરાબર જાણી લેવું.(બધા રસ્તાઓ ને સુરંગ ને જાણી લઈને બુદ્ધિ વાપરી સુરંગ વાટે નાસી છૂટવું)

લોઢાનું નહિ,એવું શત્રુઓએ આપેલું શસ્ત્ર (અગ્નિ) જે માણસ સ્વીકારે,તે શાહુડીના જેવું ઘર કરી અગ્નિથી નાસી છૂટે છે.(લાક્ષાગૃહમાં સુખેથી રહી,આગ લાગતા સુરંગ દ્વારા બચી જવું) ચાલતાં ચાલતાં રસ્તા જડે છે,ને તારાઓથી દિશા પમાય છે,જે પંચેન્દ્રિયોને વશમાં રાખે તે કદી પીડા પામતો નથી' (19-26)


વિદુરે આમ કહ્યું ત્યારે યુધિષ્ઠિરે કહ્યું 'હું સમજી ગયો છું' ત્યારે વિદુર તેમની વિદાઈ લઈને પોતાને ઘેર ગયા.

સર્વે લોકો ગયા એટલે કુંતીએ યુધિષ્ઠિરને પૂછ્યું-'વિદુરે જે કહ્યું ને તેં જે 'સમજી ગયો' એમ કહ્યું તે અમે સમજ્યા નથી,

તે જો અમે જાણી શકીએ તેમ હોય તો તે હું સાંભળવા ઈચ્છું છું,તે મને કહે'


યુધિષ્ઠિરે કહ્યું કે-'ધર્મબુદ્ધિવાળા વિદુરે કહ્યું કે ઘરમાંના અગ્નિથી ચેતતા રહેજો,કોઈ રસ્તો તમને અજાણ્યો નથી,

જિતેન્દ્રિય મનુષ્ય આ પૃથ્વીનો સ્વામી બને છે,ત્યારે મેં તેમને કહ્યું કે હું સમજી ગયો છું''

વૈશંપાયન બોલ્યા-'આમ,ફાગણ માસની આઠમે,રોહિણી નક્ષત્રમાં પાંડવો નીકળીને વારણાવત પહોંચ્યા'(27-34)

અધ્યાય-145-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE