II वैशंपायन उवाच II श्रुत्वा पाण्डुसुतान् वीरान बलोद्रिक्तान महौजसः I धृतराष्ट्रो महिपालश्चिताम गमदातुर:II १ II
વૈશંપાયન બોલ્યા-પાંડુપુત્રોને વીર,બળસંપન્ન ને મહાઓજસ્વી થયેલા સાંભળીને ધૃતરાષ્ટ્ર ચિંતા કરવા લાગ્યો,
પછી,મંત્રવેત્તા,રાજશાસ્ત્રના રહસ્યના પાર્મવિદ્વાન અને મંત્રીઓમાં શ્રેષ્ઠ એવા કણિકને બોલાવી,
ધૃતરાષ્ટ્ર તેને કહેવા લાગ્યો કે-પાંડવોના ઉત્કર્ષથી મને,તેમના પ્રત્યે અદેખાઈ થાય છે,તો હે કણિક,
મારે તેમની સાથે સંધિ રાખવી કે વિગ્રહ કરવો,તે તું મને નિશ્ચિત રીતે કહે,હું તેમ કરીશ (1-3)
કણિક બોલ્યો-હે રાજન,એ સંબંધમાં હું તમને જે વચન કહું છું તે સાંભળીને તમારે મારી પર રોષ કરવો નહિ.
રાજાએ હંમેશાં દંડને ઉગામેલો રાખવો અને સદૈવ પોતાના પરાક્રમને પ્રકાશિત રાખવું.જાતે છિદ્ર વિનાના રહીને,
સામાના છિદ્રોને પકડી પાડીને તેનો પીછો પકડવો.નિત્ય દંડથી સજ્જ રહેનાર રાજાથી જ લોકો અત્યંત ડરે છે,
તેથી તેણે સર્વ કર્યો,દંડથી જ સિદ્ધ કરવાં.રાજા પારકાનું છિદ્ર શોધી કાઢી તેનો પીછો પકડે પણ પોતાનું જો કોઈ છિદ્ર હોય તો તે છિદ્ર કોઈ જોઈ ન જાય તેમ તેને વર્તવું.જેમ,કાચબો,પોતાના અંગોને સંકોરીને રક્ષે છે,
તેમ,રાજાએ પણ પોતાનાં કાર્યો(છિદ્રો),છૂપાં રાખીને તેને રક્ષવાં.(4-8)
આરંભ્યા પછી,કોઈ કામ ક્યારેય અટકાવવું નહિ,કેમ કે થોડો પણ કાપ્યા વિનાનો રહી ગયેલ કાંટો,પણ માણસને લાંબી પીડા કરાવે છે.અપકારી શત્રુઓનો વધ કરવો-એમ વિદ્વાનો કહે છે.આપત્તિમાં આવેલા,દુઃશ્મન પરાક્રમી મહાયોદ્ધાનો,બહુ લાંબો વિચાર કર્યા વગર,તેનો વધ કરવો કે તેને ભગાડી મૂકવો.તે જ રીતે દુઃશ્મન જો દુર્બળ હોય તો પણ તેની ક્યારેય અવજ્ઞા કરવી નહિ,કેમ કે નાની ચિનગારી પણ આખા વનને ફૂંકી નાખે છે.(9-12)
જરૂર પડે ને જો આંધળા (આંખ બંધ રાખવી પડે તેમ હોય) થવાનું હોય તો આંધળા થવું,
બહેરા થવાનું (કોઈ વાત સાંભળવાની ન હોય) હોય તો બહેરા થવું.ત્યારે શાનુષ્યને તણખલાની તોલે ગણવું,
ને મૃગની જેમ નિંદ્રા પણ લેવી.સાંત્વન આદિ ઉપાયોથી વશ થયેલા શત્રુ પર તે શરણે આવ્યો છે -એમ માનીને તેના પર દયા ન કરતાં તેને હણી નાખવો,કારણકે શત્રુ હણાતાં રાજાને નિરાંત વળે છે ને પછી કશો ભય રહેતો નથી.આ જ રીતે,પૂર્વના અપકારીને તથા શત્રુને પણ દાન-આદિ ઉપાયોથી હણવો (13-15)
ત્રણ (ઐશ્વર્ય-મંત્ર-ઉત્સાહ),પાંચ (મંત્રી-રાજ્ય-દુર્ગ-ભંડાર-સૈન્ય) સાત (સામ-દામ-દંડ-ભેદ-ઉદબંધન-વિષ-વહનિ)
એ ઉપાયોથી,શત્રુનો સર્વાંગે નાશ કરવો ને શત્રુ પક્ષને જડથી ઉખેડી નાખવો.પછી,તેમના સહાયકો ને સર્વ પક્ષકારોનો નાશ કરવો,કેમ કે આધાર-રૂપ મૂળ કપાઈ જાય ત્યારે તને આશરે જીવનારા સૌ મરી જ જાય છે.
પોતે ગુપ્ત રહી,નિત્ય શત્રુ પર એકાગ્રતાથી તત્પર થઇ,તેમનાં છિદ્રો જોયા કરવાં,ને ભગવાં,જટા,મૃગચર્મ આદિ ધારણ કરીને શત્રુઓમાં વિશ્વાસ પેદા કરીને પછી,તેમના પર વરુની જેમ તૂટી પડવું. કહ્યું છે કે-
પોતાના અર્થોની સિદ્ધિ માટે,પવિત્રતાનો આવો ડોળ -એ એક શુદ્ધ ઉપાય છે.(16-20)
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE