અધ્યાય-૧૩૭-કર્ણ પર આક્ષેપ
II वैशंपायन उवाच II ततः स्त्रस्तोत्तरपटः सप्रस्वेद: सवेपथुः I विवेशाधिरथो रंगं यष्टिप्राणोह्ययग्रिव II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,જેનું ઉપરણું ખસી ગયું છે,જે પરસેવે નાહી રહ્યો છે,અને જે કંપી રહ્યો છે,એવો
અધિરથ (કર્ણનો સારથી પાલક પિતા) ત્યાં કર્ણને હાક દેતો લાકડીના ટેકે રંગભૂમિમાં પ્રવેશ્યો.
ત્યારે કર્ણે,ધનુષ્ય બાજુ મૂકીને,તેને શિર નમાવી વંદન કર્યું.ને પિતાને સ્નેહથી ભેટ્યો,અધિરથ પણ,
અભિષેકથી ભીના થયેલા કર્ણના માથાને,ફરીથી આંસુઓથી ભીંજવવા લાગ્યો (1-4)
તે સારથિને જોઈને,ભીમસેન હાસ્ય કરતો હોય તેમ કહેવા લાગ્યો કે-'હે સૂતપુત્ર,તું રણમાં અર્જુનના હાથે વધ
પામવા યોગ્ય નથી,તું તો તારા કુળને યોગ્ય ચાબૂકને જ પકડી લે,જેમ,કૂતરો.યજ્ઞમાં અગ્નિ સમીપ રહેલા
પુરોડાશને ભોગવવા યોગ્ય નથી,તેમ તું અંગરાજયને ભોગવવા યોગ્ય નથી'
ભીમે આમ કહ્યું એટલે,ક્રોધથી કર્ણનો નીચલો હોઠ જરા ફફડયો ને તે નિશ્વાસ નાખીને,ગગનમાં રહેલા
સૂર્યદેવને જોવા લાગ્યો.ત્યારે દુર્યોધન એકદમ વચ્ચે કૂદી પડ્યો ને ભીમસેનને કહેવા લાગ્યો કે-
'હે વૃકોદર,આવું વચન કહેવું તને છાજતું નથી,ક્ષત્રિયોમાં તો બળ જ શ્રેષ્ઠ છે,અધમ સાથે પણ યુદ્ધ કરી શકાય છે.કહ્યું છે કે-શૂરાઓ ને નદીઓનાં જન્મસ્થાન કંઇ સહજતાથી જાણી શકાતાં નથી.ચર ને અચરને વ્યાપી રહેલો અગ્નિ પાણીમાંથી નીપજ્યો છે,દાનવોનો સંહાર કરનારું વજ્ર દધીચિના હાડકાંમાંથી બન્યું છે.વળી,
રહસ્યોંભર્યા કાર્તિકદેવ પણ ગૂઢજન્મા છે,અગ્નિપુત્ર,રુદ્રપુત્ર ને ગંગાપુત્ર પણ ગુહ્યજન્મા કહેવાય છે.(5-13)
વિશ્વામિત્ર જન્મે ક્ષત્રિય હોવા છતાં બ્રહ્મર્ષિ બનીને બ્રહ્મપદ પામેલા છે.આચાર્ય દ્રોણ કળશમાં જન્મ્યા છે,
કૃપાચાર્ય,શરના ગુચ્છમાં ઉત્પન્ન થયા છે,ને તમારા જન્મ કેમ થયા છે તે પણ હું જાણું છું,
કુંડળ ને કવચ સાથે જન્મેલા,સર્વ લક્ષણોથી સંપન્ન ને સૂર્ય જેવા તેજસ્વી આ પુરુષ-વ્યાઘ્ર,કર્ણને
કોઈ હરિણી તો કેમ કરીને જન્મ આપવાની હતી? આ કર્ણના ભુજબળના પ્રતાપે તો,તેને માત્ર
એક અંગદેશનું જ નહિ,પણ સમસ્ત પૃથ્વીનું રાજ્ય ઘટે છે,માટે જે મનુષ્યથી મારું
આ કાર્ય સહન થતું ન હોય,તે રથે ચડીને બે પગો વડે પોતાનું ધનુષ્ય નમાવે (14-18)
તે વખતે,રંગમંડપમાં ચારે બાજુ હાહાકાર થઇ રહ્યો,અને સૂર્ય પણ અસ્ત પામ્યો હતો,
તેથી દુર્યોધન કર્ણનો હાથ પકડીને,મશાલના અજવાળે રંગમંડપમાંથી બહાર નીકળી ગયો.
પાંડવો,દ્રોણ,કૃપાચાર્ય ને ભીષ્મ આદિ સર્વ પોતપોતાને ભવને પાછા ગયા.
બાકીના સર્વ પ્રજાજનો, કોઈ અર્જુનને,તો કોઈ દુર્યોધનને વખાણતા,ત્યાંથી ચાલી નીકળ્યા.
કુંતીએ પોતાના દિવ્ય લક્ષણવાળા પુત્રને ઓળખ્યો અને તેને અંગદેશનો રાજા થયેલો જાણીને સ્નેહને લીધે,
ગુપ્તભાવથી પ્રસન્નતા પામી.કર્ણ મળવાથી,દુર્યોધનને પણ અર્જુન સંબંધી ભય તત્ક્ષણ અલોપ થયો.
કર્ણ પણ,દુર્યોધનને સાંત્વનાથી પ્રસન્ન કરવા લાગ્યો.યુધિષ્ઠર પણ ઘડીભર એમ માનવા લાગ્યા કે-
પૃથ્વીમાં કર્ણની તોલે આવે તેવો કોઈ ધનુર્ધારી નથી,(20-25)
અધ્યાય-137-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE