II वैशंपायन उवाच II दत्तेSवकाशे पुरुषैर्विस्मयोत्फ़ुल्ललोचनै:I विवेश रंगं विस्तीर्ण कर्णः परपुरंजयः II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,વિસ્મયથી વિકસી ઉઠેલાં નયનવાળા લોકોએ,માર્ગ આપ્યો,એટલે શત્રુજિત કર્ણ,
તે વિશાળ રંગમંડપમાં આવ્યો.જન્મથી જ સાથે આવેલા કવચ અને કુંડળથી તે શોભતો હતો.તેણે,
ધનુષ્ય-તલવાર બાંઘ્યા હતા,ને તે પગે ચાલતા પર્વત જેવો જણાતો હતો.વિશાળ લોચનવાળો,સૂર્યના અંશવાળો
તે કર્ણ,પૃથાને કન્યાવસ્થામાં થયેલો પુત્ર હતો,સિંહ અને ગજેન્દ્ર સમાન તેનાં બળ,વીર્ય ને પરાક્રમ હતા,તો સૂર્ય અને
અગ્નિ સમાન તે પ્રકાશમાન,કાંતિવાન ને તેજસ્વી જણાતો હતો.સ્વયં સૂર્યથી જન્મેલ તે યુવાન સુવર્ણના તાડ
જેવો ઊંચો હતો,સિંહના જેવો વજ્રઅંગ વાળો તે અસંખ્ય ગુણોથી સંપન્ન હતો.તે મહાબાહુએ રંગમંડપને
સર્વ બાજુએથી જોયું,અને દ્રોણાચાર્ય તથા કૃપાચાર્યને જાણે સાધારણ આદરથી પ્રણામ કર્યા.(1-6)
સભામાં બેઠેલા સર્વ કુતુહલતાથી તેને જોવા લાગ્યા,ત્યારે કર્ણે,અર્જુનને કહ્યું કે-હે પાર્થ,તેં જે કાર્ય કરી બતાવ્યું છે,
તેવું ને તેથી અધિક,હવે હું આ સર્વને દેખતાં વિશિષ્ટ રૂપે કરીશ.કર્ણના આ વાક્યથી દુર્યોધનને પ્રસન્નતા થઇ આવી,તો અર્જુનમાં જાણે ક્ષણવારમાં લજ્જા ને ક્રોધ વ્યાપી ગયાં,પછી,દ્રોણની અનુમતિ લઈને,કર્ણે,જે જે
ક્રિયાઓ અર્જુને કરી હતી,તે કરી બતાવી.ત્યારે દુર્યોધન આવીને કર્ણને ભેટ્યો ને કહેવા લાગ્યો કે-
'હે મહાબાહુ,મારુ રૂડું ભાગ્ય છે કે તું આજે અહીં આવ્યો છે,હું તારો છું,
ને આ કુરુરાજ્ય પણ તારું છે,એમ સમજ ને તું તેને યચેચ્છ ભોગવ'
કર્ણ બોલ્યો-'હું તો તમારી મિત્રતાની માંગણી કરું છું ને અર્જુનની સાથે દ્વંદ્વ યુદ્ધ કરવા માગું છું'
દુર્યોધન બોલ્યો-તું મારો મિત્ર છે,ને સહુ કૌરવોનો હિતકારી થા ને શત્રુઓના માથાં પર પગ મૂક' (7-16)
ત્યારે,પોતાને અપમાનિત થયેલા જેવો માનીને,અર્જુને,દુર્યોધન-આદિ ભાઈઓના વચ્ચે ઉભેલા કર્ણને કહ્યું કે-
'હે કર્ણ,વિના બોલાવ્યે આવનારા ને વિના બોલાવ્યે બોલનારા માણસોને જે લોક મળે છે,
તે જ તું આજે જ,અહીં હણાઇને મેળવશે'
કર્ણ બોલ્યો-આ રંગમંચ સર્વ માટે સામાન્ય છે,અહીં તારું એકલાનું તે શું છે? જો,ક્ષત્રિય ધર્મ બળને જ
અનુસરે છે,તો,દુર્બળના આક્ષેપોથી શું વળે?ગુરુની સમક્ષમાં જ હું બાણો વડે તારું શિર હરી ન લઉં,
ત્યાં સુધી તું મારી સામે બાણોથી જ વાત કર.(17-20)
વૈશંપાયન બોલ્યા-ત્યારે અર્જુન,દ્રોણની આજ્ઞા લઈને,યુદ્ધને માટે કર્ણની સામે ગયો.
કર્ણની બાજુએ કારુરવો આવીને ઉભા,તો અર્જુનની બાજુએ દ્રોણ,ભીષ્મ કૃપાચાર્ય આવીને ઉભા,
આમ રંગભવનના બે પક્ષ પડી ગયા,સ્ત્રીઓના પણ બે પક્ષ પડ્યા.'કર્ણ અને અર્જુન વચ્ચે હવે યુદ્ધ થશે'-એમ જાણીને કુંતી મૂર્છાવશ થઇ,ત્યારે વિદુરે આવી,તેને જળ આપી આશ્વાસન આપ્યું.ને તે ભાનમાં આવી ત્યારે,
પોતાના બેઉ પુત્રોને સામસામે લડવા ઉભેલા જોઈ તે અકળાઈ ગઈ ને તેને કશી સૂઝ રહી નહિ (21-29)
પછી,દ્વંદ્વયુદ્ધની રીતિમાં કુશળ કૃપાચાર્યે,કર્ણને કહ્યું કે-'પૃથાનો આ નાનો પુત્ર,કુરુવંશી,પાંડુનંદન અર્જુન.
તમારી સાથે યુદ્ધ કરશે,હે મહાબાહુ,હવે તમે જે રાજાના કુલતિલક હો તેમના કુળ વિષે કહો
તે જાણીને આ પાર્થ તમારી સાથે યુદ્ધ કરે,અથવા ન પણ કરે,કેમ કે રાજપુત્રો,હીન કુળવાળા ને
હીન આચારવાળા મનુષ્યો સાથે દ્વંદ્વ યુદ્ધ કરતા નથી'
કૃપાચાર્યના આવા વચનોથી,પોતે સૂતપુત્ર હોવાથી,કર્ણનું મોં લજ્જાથી નીચે થયું,ત્યારે દુર્યોધને આવીને કહ્યું કે-
હે આચાર્ય,શાસ્ત્ર પ્રમાણે રાજાઓના ત્રણ પ્રકાર છે-સત્કુલીન,શૂરવીર અને સોનાનાયક.જો આ યુદ્ધમાં અર્જુન,રાજા ન હોય તેવા સાથે યુદ્ધ ન ઈચ્છતો હોય તો હું હાલ જ કર્ણને અંગદેશના રાજા તરીકે અભિષિક્ત કરું છું.(30-36)
પછી,તે જ ક્ષણે,બ્રાહ્મણોને બોલાવી,સુવર્ણ સિંહાસન પાર બેસાડીને દુર્યોધને કર્ણનો રાજ્યાભિષેક કર્યો.
ત્યારે ગદગદિત થઈને કર્ણે દુર્યોધનને કહ્યું કે-'હું આના બદલામાં આપને શું આપું? તે આપ કહો'
ત્યારે દુર્યોધને કહ્યું કે-'હું તો તારી ગાઢ મૈત્રી જ ઈચ્છું છું' કરીને કહ્યું-'ભલે તેમ જ થશે'
પછી,બેઉ,એકમેકને હર્ષપૂર્વક ભેટયા ને પરમ આનંદ પામ્યા (39-41)
અધ્યાય-136-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE