વનમાં,તેઓએ,મેલથી લસોટાયેલા અંગવાળા,જટાવાળા ને ચીરધારી એકલવ્યને સતત બાણ છોડતો જોયો.
એકલવ્યે પણ,ગુરુદ્રોણને જોયા,એટલે દોડતો જઈને પૃથ્વી પર શિર ઢાળીને તેમના ચરણમાં વંદન કર્યા.
ને પછી,પોતાને તેમના શિષ્ય તરીકે ઓળખાવીને બે હાથ જોડીને તેમની સામે ઉભો રહ્યો.
ત્યારે દ્રોણે કહ્યું કે-'હે વીર,જો તું મારો શિષ્ય હો,તો મને મારી ગુરુદક્ષિણા આપ'
તે સાંભળી,એકલવ્ય અતિ પ્રસન્ન થઈને બોલ્યો-'આપને હું શું આપું? આપ ગુરુજી મને આજ્ઞા કરો'
દ્રોણ બોલ્યા-'તારો જમણો અંગુઠો,મને આપ' ત્યારે,તે એકલવ્યે,પોતાની પ્રતિજ્ઞાને પાળવા,પ્રસન્ન મુખે,
ઉદાર ચિત્તથી,તરત જ પોતાનો અંગુઠો કાપીને દ્રોણને અર્પણ કર્યો.ત્યાર બાદ તે એકલવ્ય,
આંગળીઓથી બાણ ચલાવવા લાગ્યો,પણ તે પહેલાંના જેવો ચપળ રહ્યો નહિ.તેથી અર્જુન ચિંતામુક્ત થયો.
ને 'બીજો કોઈ શિષ્ય અર્જુનથી અધિક નહિ થાય' એ દ્રોણની વાણી સાચી ઠરી.(44-61)
દુર્યોધન ને ભીમ,ગદાયુદ્ધમાં શ્રેષ્ઠ થયા,અશ્વસ્થામા સર્વ વિદ્યાના ગુપ્તજ્ઞાનમાં શ્રેષ્ઠ થયો,નકુલ ને સહદેવ,
ખડગવિદ્યામાં શ્રેષ્ઠ થયા,યુધિષ્ઠિર રથીઓમાં શ્રેષ્ઠ થયા,તો અર્જુન બધાયમાં ઉત્તમ થયો.
અર્જુન,બુદ્ધિ,ઉપાય,બળ અને ઉત્સાહ વડે સર્વ અસ્ત્રોમાં સિદ્ધ થયો હતો,ને અસ્ત્રવિદ્યા તથા ગુરુભક્તિમાં સહુ કરતાં અનન્ય બન્યો હતો.અસ્ત્રવિદ્યાના ઉપદેશ સહુને સમાન આપવામાં આવતા હતા,પણ એક અર્જુન જ સર્વ કુમારોમાં અતિરથી થયો.જો કે-અર્જુન ને બળવાન ભીમ પ્રત્યે,ધૃતરાષ્ટ્રપુત્રો,પરસ્પરમાં ઝેર રાખતા હતા.(62-67)
એક વખત,દ્રોણને,તે સર્વ કુમારોની વેધશક્તિ જાણવાની ઈચ્છા થઇ,એટલે તેમણે સર્વ કુમારોને
એકઠા કર્યા.તેમણે,શિલ્પીઓ પાસે એક ભાસપક્ષી બનાવડાવ્યું હતું,ને કુમારો ન જાણે તેમ એક
ઝાડની ટોચ પર મુકાવ્યું હતું,ગુરુ દ્રોણે તે ભાસપક્ષીને લક્ષ્ય તરીકે ઓળખાવ્યું ને કહ્યું કે-
તમે સર્વ,લક્ષ્યને તાકીને ઉભા રહો,હું એકેકને આજ્ઞા કરીશ,
ત્યારે મારો બોલ પૂરો થતા જ તેનું માથું કાપી તેને તમે નીચે પાડો.
પછી,દ્રોણે સહુ પ્રથમ યુધિષ્ઠિરને કહ્યું કે-'તું બાણ સાધ ને હું કહું એટલે તું બાણ છોડ.પહેલાં તો
તું ઝાડ પર રહેલા,ભાસ પક્ષીને જો' યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે-'હું તેને જોઉં જ છું'
દ્રોણે કહ્યું-'તે ભાસપક્ષી સિવાય તું બીજું શું શું જુએ છે?'
યુધિષ્ઠિરે કહ્યું-'હું એ ઝાડને,આપને,તેમ જ આ મારા ભાઈઓને પણ જોઉં છું'
યુધિષ્ઠિરના આવા જવાબથી દ્રોણ,અપ્રસન્ન થયા ને ઠપકો આપી બોલ્યા-
'તું અહીંથી ખસી જા,તારાથી એ નિશાન વીંધાય એમ નથી'
પછી,દ્રોણે,દુર્યોધન,ભીમ આદિ સર્વ શિષ્યોને,ઉપરના ક્રમથી જ જિજ્ઞાસાથી પૂછ્યું,ત્યારે સર્વેએ
'અમે તો બધું જોઈએ છીએ' એમ કહ્યું ત્યારે આચાર્યે તે સર્વને તુચ્છકારી નાખ્યા.(68-78)
અધ્યાય-132-સમાપ્ત