દ્રોણે,સર્વ કુમારોને તોમર,પ્રાસ,શક્તિ,ને સંકીર્ણ યુદ્ધ (એકી વખતે અનેક શસ્ત્રોથી અનેક સાથે યુદ્ધ) શીખવ્યું.
તેમની એ કુશળતા સાંભળીને હજારો રાજાઓને રાજપુત્રો ધનુર્વેદ શીખવા તેમની પાસે આવવા લાગ્યા.(29-31)
હે રાજન,ત્યારે નિષાદરાજ હિરણ્યધનુનો પુત્ર એકલવ્ય દ્રોણ પાસે વિદ્યા શીખવા આવ્યો.દ્રોણે,તે ભીલ છે,
એમ વિચારીને રાજકુમારોનો વિશેષ ખ્યાલ રાખીને તેને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યો નહિ.
ત્યારે તે એકલવ્યે,દ્રોણને વંદન કરીને,અરણ્યમાં જઈને દ્રોણની મૂર્તિ બનાવી,તેમાં આચાર્યની પરમ ભાવના કરીને.
એકચિત્તે-તત્પર રહીને ધનુર્વિદ્યા શીખવા માંડી,ને સમય ગયે શ્રદ્ધાને લીધે તે ધનુર્વિદ્યાની પરમ સિદ્ધિને પામ્યો.
કોઈ એકવાર કુમારો રથમાં બેસી મૃગયા માટે નીકળ્યા હતા,ત્યારે કોઈ માણસ,શિકારનું સાધન ને કૂતરો લઈને
તેમની પાછળ આવ્યો હતો.તે કૂતરો ભૂલો પડીને એકલવ્ય પાસે જઈ ચડ્યો ને ભસવા લાગ્યો.કે જેથી
એકલવ્યની સાધનામાં વિઘ્ન થયું,એટલે એકલવ્યે,તે ભસતા કૂતરાના મોમાં એકસામટાં સાત બાણો છોડીને,
તેને ભસતો બંધ કર્યો.પછી તે કૂતરો,બાણોથી ભરાયેલા મોં સાથે પાંડવો પાસે આવ્યો,ત્યારે તે પાંડવો,
તે કૂતરાને જોઈને આશ્ચર્ય પામ્યા,ને બાણ છોડનારની ચપળતા,ઉત્તમ શબ્દવેધીપણું જોઈને,
તેઓ મનમાં લજવાયા ને બધી રીતે તે બાણ છોડનારની પ્રશંસા કરવા લાગ્યા.(32-43)
પછી,પાંડવો,તે વનનિવાસીને શોધવા નીકળ્યા,તો તેમને તેને વનમાં સતત બાણ છોડતો જોયો.
તેઓ,બદલાઈ ગયેલા તેના રૂપને જોઈને તેને ઓળખી શક્યા નહિ,એટલે તેમણે,
એને પૂછ્યું કે-'તમે કોણ છો?કોના પુત્ર છો?ને તમે કોના શિષ્ય છો?'
એકલવ્ય બોલ્યો-'હું નિષાદરાજ હિરણ્યધનુનો પુત્ર એકલવ્ય છું,ને ગુરુ દ્રોણનો શિષ્ય છું'
તેને યથાર્થ ઓળખીને,પાંડવો પાછા હસ્તિનાપુર આવ્યા,ને ગુરુદ્રોણને,વનમાં બનેલું અદભુત વૃતાંત કહી સંભળાવ્યું,પછી,અર્જુન,ગુરુદ્રોણને એકાંતમાં લઇ જઈને કહેવા લાગ્યો કે-'તમે મને પહેલાં પ્રીતિપૂર્વક કહ્યું હતું કે-
'મારો કોઈ શિષ્ય તારાથી અધિક નહિ થાય' તો પછી તમારો આ શિષ્ય મારાથી વિશેષ કેમ થયો?'
ત્યારે,દ્રોણે,થોડીક વાર વિચાર કરીને,નિશ્ચય કર્યો ને અર્જુનને લઈને તે એકલવ્ય પાસે જવા નીકળ્યા.
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE