જન્મેજય બોલ્યા-હે બ્રહ્મન,દ્રોણ કેવી રીતે જન્મ્યા?તેમને વિવિધ અસ્ત્રો કેવી રીતે મળ્યા? તે કુરુઓ પાસે
ક્યાંથી આવ્યા?તે કોના પુત્ર હતા? ને તેમના અશ્વસ્થામા નામના પુત્ર વિષે વિસ્તારથી કહો (32)
વૈશંપાયન બોલ્યા-ગંગાદ્વાર આગળ,ભરદ્વાજ નામે એક મહાન ઋષિ રહેતા હતા.એકવાર,સ્નાન કરવા તે
ગંગાજી પર ગયા હતા,ત્યારે તેમણે ધૃતાચી નામની અપ્સરાને નાહીને આવેલી,વસ્ત્રહીન દશામાં જોઈ.
ભારદ્વાજ તેની કામના કરવા લાગ્યા,ને તેમનું મન તેનામાં આસક્ત થયું,ને તેમનું વીર્ય સ્ખલન થયું,
કે જે વીર્યને ઋષિએ,દ્રૌણકલશ નામના પાત્રમાં રાખ્યું,કે જેમાં તેમને દ્રોણ નામનો પુત્ર થયો.
જે દ્રોણ,વેદો ને વેદાંગોને સંપૂર્ણ શીખી ગયો હતો.વળી,પ્રતાપી-અસ્ત્રવેત્તા પિતા ભારદ્વાજે,અગ્નિવેશ મુનિને
જે આગ્નેય અસ્ત્ર આપ્યું હતું,તે (અગ્નિથી જન્મેલા) અગ્નિવેશ મુનિએ પાછું દ્રોણને શીખવ્યું હતું(33-40)
તે ભરદ્વાજને પૃષત નામે એક રાજા મિત્ર હતો,કે જેને દ્રુપદ નામે પુત્ર હતો.આ દ્રુપદ નિત્ય ભરદ્વાજના આશ્રમે જઈ,
સમવયી દ્રોણ જોડે ક્રીડા ને અધ્યયન કરતો હતો.પૃષત અવસાન પામતા તે દ્રુપદ પાંચાલનો રાજા થયો.
ભરદ્વાજના સ્વર્ગે ગયા,ત્યારે દ્રોણ,ત્યાં આશ્રમમાં રહીને તપ કરતા હતા,ને પછી તેમણે શરદ્વાનની પુત્રી કૃપી
સાથે લગ્ન કર્યા.તે કૃપીને અશ્વસ્થામા નામનો પુત્ર થયો હતો.જન્મતાંની સાથે જ તેણે,ઉચ્ચૈશ્રવા અશ્વના જેવો હણહણાટ કર્યો હતો,તે સાંભળીને અંતરિક્ષમાં અદ્રશ્ય રહેલા ભૂતે કહ્યું કે-ગર્જના કરતા આ બાળકનો,
અશ્વના જેવો સ્થામ (શબ્દ) દિશાઓમાં પ્રસર્યો છે તેથી તેનું નામ અશ્વસ્થામા રહેશે.(41-49)
હે રાજન,એકવાર દ્રોણે સાંભળ્યું કે-જમદગ્નિ પુત્ર-પરશુરામ,બ્રાહ્મણોને સર્વ ધન વહેંચી રહ્યા છે,
પરશુરામની ધનુર્વેદની વિદ્યા અને તેમનાં દિવ્ય અસ્ત્રો વિષે,તેમણે સાંભળ્યું હતું,એટલે તે
અસ્ત્રો મેળવવા અને વિદ્યા શીખવાના મનવાળા,તે દ્રોણ,પોતાના શિષ્યો સાથે,મહેન્દ્રપર્વત ગયા.
પરશુરામને મળીને તેમણે પોતાનો પરિચય આપતાં કહ્યું કે-'ભરદ્વાજથી ઉત્પન્ન થયેલો અને
અયોનિજન્મા એવું હું દ્વિજોત્તમ દ્રોણ,ધનની ઇચ્છાએ અહીં આવ્યો છું (50-60)
પરશુરામ બોલ્યા-હે તપોધન,અહીં સુવર્ણ અને બીજું જે કાંઈ ધન હતું તે બધું મેં બ્રાહ્મણોને આપી દીધું છે.
વળી,સાગર સુધી વિસ્તરેલી,પૂરથવીનું દાન પણ મેં કશ્યપને અર્પણ કરી દીધી છે,હવે તો મારુ આ શરીર,
મહામૂલાં અસ્ત્રો ને વિવિધ શસ્ત્રો-એટલું જ બાકી રહ્યું છે,તમે પસંદગી કરી માગી લો
દ્રોણ બોલ્યા-'હે ભાર્ગવ (પરશુરામ) પ્રયોગ,ઉપસંહાર અને રહસ્યો સહિત,મને સમગ્ર અસ્ત્રો આપો'
એટલે ભાર્ગવે તેમને અસ્ત્રો આપ્યાં,ને નિયમપૂર્વકસમગ્ર ધનુર્વેદ શીખવ્યો.તે સર્વ સ્વીકારીને,અસ્ત્રવિદ્યામાં
કુશળ થવાથી પ્રસન્ન થયેલા દ્રોણ,ત્યાંથી,પોતાના મિત્ર દ્રુપદ પાસે જવા નીકળ્યા.(61-67)
અધ્યાય-130-સમાપ્ત