II वैशंपायन उवाच II ततः कुन्ति च राज च भीष्मश सहश्न्भुमि: I ददु:श्राद्धं तदा पाण्डोः स्वधामृतमयंतदा II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,કુંતી,ધૃતરાષ્ટ્ર ને ભીષ્મે,બંધુઓની સાથે મળીને,સ્વધાયુક્ત અમૃતમય શ્રાદ્ધ આપ્યું.
હજારો શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન આપ્યું તેમ જ રત્ન-ગામો-આદિનું દાન પણ આપ્યું.
શ્રાદ્ધ પૂરું થયા પછી સર્વ જનોને અને માતાને શોકાર્ત ને દુઃખી જોઈને,વ્યાસજી,માતાને કહેવા લાગ્યા કે-
'હે માતા,સુખના સમય હવે વહી ગયા છે,કપરો કાળ હવે આવી રહ્યો છે,એકમેકને આંટે એવા પાપી દિવસો
આવી રહ્યા છે,પૃથ્વી રસકસ વિનાની થઇ જશે,કપટથી ભરેલો,દોષોથી ભરપૂર ને ધર્મક્રિયાઓ ને આચરણના
લોપથી ભરપૂર ઘોર કાળ આવી રહ્યો છે.કુરુઓના દુરાચારથી પૃથ્વી ઉખડી જશે,માટે તું તપોવનમાં જા
અને ચિત્તવૃત્તિનો નિરોધ કરીને યોગપરાયણ થા.આ તારા કુળનો ભયંકર નાશ તું જોઇશ નહિ'
ત્યારે તે,માતા સત્યવતીએ 'ભલે એમ જ કરીશ' કહીને વ્યાસજીનું વચન સ્વીકાર્યું.અને પુત્રવધુ પાસે જઈને
તે બોલી-'હે અંબિકા,મેં સાંભળ્યું છે કે-તારા પૌત્રો(કૌરવો) ની દુર્મતિને કારણે,સગાંવ્હાલાંની સાથે,
સર્વ ભરતવંશીઓ તેમ જ નગરજનો નાશ પામશે તો જો તું માને તો,તને અને પુત્રશોકથી પીડાયેલી
કૌશલ્યા (અંબાલિકા) ને લઈને હું વનમાં જાઉં,તારું કલ્યાણ થાઓ' અંબિકાએ કહ્યું-'ભલે તેમ હો'
પછી,તે સત્યવતી,ભીષ્મની રજા લઈને,પોતાની બે પુત્રવધૂઓની સાથે વનમાં ગઈ,
ને ત્યાં તે દેવીઓએ ઘોર તપસ્યા કરીને દેહ છોડયા ને ઇષ્ટ ગતિને પામી.(1-13)
વૈશંપાયન બોલ્યા-હવે,વેદોના સંસ્કારોને પામતા તે પાંડવો,પિતાના ઘરમાં ભોગો ભોગવતા મોટા થવા લાગ્યા.
ધૃતરાષ્ટ્ર પુત્રો સાથે ખેલતા,તેઓ બાળકોની સર્વ રમતોમાં,પોતાના તેજ વડે જુદા તરી આવતા હતા.(15)
તે સર્વ પાંડવોમાં પણ,ભીમસેન સઘળા ધૃતરાષ્ટ્ર પુત્રોને ચીસ પડાવતો હતો,તેઓની સાથે સ્પર્ધા કરતો ને
(દ્વેષ મનથી નહિ પણ બાળબુદ્ધિથી) કૌરવોને રંજાડતો હતો.સામે,ભીમસેનનું અતિ પ્રસિદ્ધ બળ જોઈને,
દુર્યોધન,પોતાના દુષ્ટ ભાવો બતાવવા લાગ્યો હતો.તેની બુદ્ધિ પાપી થઇ ગઈ હતી.તે વિચારવા લાગ્યો કે-
'આ કુંતીપુત્ર વૃકોદર (ભીમ)બળવાનોમાં શ્રેષ્ઠ છે,તેને છળથી પકડવો પડશે.એ વૃકોદર એકલો,અમારા સર્વની
સાથે સ્પર્ધા કરે છે,તો તેને તે નગરના ઉદ્યાનમાં સૂતો હોય ત્યારે તેને ગંગામાં નાખી દઈએ ને પછી,અર્જુન અને
યુધિષ્ઠિરને કેદ કરી લઈને અમે પૃથ્વીનું શાસન કરીશું' આમ તે એવા લાગની રાહ જોવા લાગ્યો.(16-30)
ત્યાર બાદ તેણે નગર બહાર ગંગાકિનારે એક ક્રીડાગૃહ તૈયાર કરાવ્યું.ને પછી પાંડવોને ત્યાં જવાનું આમંત્રણ આપ્યું.પછી,કૌરવો ને પાંડવો,ત્યાં ગયા.દુર્યોધને ત્યાં ભાતભાતની વાનગીઓ તૈયાર કરાવી હતી,અને
ખાસ તો ભીમને મારી નાખવાની ઈચ્છાથી,તેણે કાલકૂટ વિષથી બનાવેલી વાનગી પણ બનાવડાવી હતી.
સર્વ લોકો જયારે જમવા બેઠા ત્યારે,હૃદયમાં અસ્ત્રા જેવો ને વાણીમાં અમૃત જેવો તે દુર્યોધન,જાતે ઉઠીને,
ભીમસેનને આગ્રહ કરીને ઝેર મેળવેલ વાનગીઓ ખવડાવવા લાગ્યો.ને ભીમે તે વાનગીઓ ખાધી,
તે દુર્યોધન મનમાં હસીને પોતાનો મનોરથ સફળ થયો છે એમ માનવા લાગ્યો ને પછી,સર્વ જળક્રીડા કરવા ગયા.
વિહાર કરીને સર્વ થાકી ગયા,એટલે સર્વેએ ત્યાં વિહારગૃહમાં જ રોકાવાનું નક્કી કર્યું.થાકેલા ભીમમાં,
પણ છેવટે ઝેરની અસર વર્તાવા લાગી ને ઉદ્યાનનો ઠંડો પવન લાગતાં જડ જેવો થઇ ગયો,
દુર્યોધનને લાગ્યું કે મરી ગયો છે એટલે તેણે ભીમને લતાઓની રસ્સી બનાવીને બાંધ્યો,
ને ભાઈઓની મદદ લઈને તે જ જગ્યાએથી,તે ભીમને જળમાં ગબડાવી દીધો.(31-54)
બેભાન ભીમ,જેવો જળને તળિયે પહોંચ્યો,કે તેની નીચે આવેલા અનેક નાગકુમારો છૂંદાઇ ગયા.
ત્યારે,ભયંકર વિષવાળા અનેક નાગોએ આવીને તેને ડંશ દીધા,એટલે તે સર્પોના વહેતા વિષથી,ભીમે
ખાધેલું કાલકૂટ વિષ ઉતરી ગયું અને તેથી તે ભીમ જાગી ગયો,ને તેણે સર્વ બંધનો તોડી નાખ્યા.
ને પછી આસપાસના સર્વ સર્પોને તે પકડીને પછાડવા લાગ્યો.મરતાં મરતાં બચેલા,કેટલાક નાગ,
વાસુકિ નાગ પાસે દોડી ગયા અને તેને સર્વ વાત કરી.એટલે,તે વાસુકિ નાગ ત્યાં પહોંચ્યો.
તે જ વખતે,કુંતીના માતામહ આર્યક નામના નાગરાજે પણ ભીમને ત્યાં જોયો,એટલે.પોતાના દોહિત્રના
દોહિત્રને જોતાં જ તેણે,ભીમને ગાઢ આલિંગન કર્યું.વાસુકિએ આ જોયું,અને આર્યકને કહેવા લાગ્યો કે-
'આનું (ભીમનું) શું પ્રિય કરાય?એને ધનના ઢગલા,રત્નો ને બીજા ધન આપીએ'(55-64)
ત્યારે આર્યકે ઉત્તર આપ્યો કે-હે નાગનાથ,તમે પ્રસન્ન જ થયા છો,તો તેને ધનને બદલે,કુંડામાં રાખવામાં
આવેલ અમૃતરસ આપો,કે જેનાથી હજાર હાથીનું બળ આવે છે.એ જેટલો પી શકે તેટલો તેને પીવા દો.
એટલે વાસુકિએ કહ્યું કે-'ભલે તેમ હો' પછી,ભીમ,તે અમૃતરસનાં આઠ કુંડાં ગટગટાવી ગયો.
ને તે બાદ,નાગોએ આપેલ દિવ્ય શયનગૃહમાં,સુખપૂર્વક સુઈ રહ્યો (65-72)
અધ્યાય-128-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE