અધ્યાય-૧૨૭-પાંડુ તથા માદ્રીની ઉત્તરક્રિયા
II धृतराष्ट्र उवाच II पाण्डोर्विदुर सर्वाणि प्रेतकार्याणि कारय I राजयद्राजसिन्हस्य माद्रयाश्वैव विशेषतः II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે વિદુર,રાજસિંહ પાંડુની તેમ જ માદ્રીની,સર્વ પ્રેતક્રિયાઓ,ખાસ રાજવિધિએ ઠરાવો.
ને આ નિમિત્તે,જેમને,જેટલાં જોઈએ તેટલાં પશુઓ,વસ્ત્રો,રત્નો ને વિવિધ ધનનું દાન કરો.વળી,
કુંતી કહે તે રીતે માદ્રીનો (માદ્રીના અવશેષોનો) એવો સત્કાર કરો કે-સુંદર ઓઢણ પામેલા
તે અવશેષોને વાયુ કે સૂર્ય પણ જોઈ શકે નહિ.નિર્દોષ પાંડુ,સ્તુતિપાત્ર છે,શોક કરવા યોગ્ય નથી,
કેમ કે તેને દેવના જેવા પાંચ વીર પુત્રો જન્મ્યા છે.(1-4)
વૈશંપાયન બોલ્યા-વિદુરે 'ભલે એમ કરીશું' કહીને,ભીષ્મની સાથે પવિત્ર સ્થાનમાં પાંડુનો સંસ્કાર કરવા માંડ્યો.
રાજપુરોહિતો,પાંડુના અવશેષોને નગરમાં લઇ આવ્યા ને તેને પુષ્પોથી સજાવેલી એક પાલખીમાં મુક્યા.
માદ્રીના અવશેષોને પણ આ જ રીતે પાલખીમાં મૂકીને,તે પાલખીઓને ઉપાડીને લોકોએ નગરયાત્રા કરી.
તે વખતે,ભીષ્મ,વિદુર,પાંડવો ને સર્વ નગરજનો શોકથી સંતાપ પામીને,તેની પાછળ ચાલવા માંડ્યું.
પાંડુની એ ઉત્તરક્રિયામાં,સેંકડો માણસો,અનેક રત્નો વસ્ત્રો આદિ લાવ્યા હતા ને યાચકોને આપતા હતા.
શ્વેત વસ્ત્રધારી યાજ્ઞિકો,અગ્નિમાં આહુતિ આપતા હતા ને પાંડુની આગળ ચાલતા હતા.(5-15)
ગંગા કાંઠાના પવિત્ર,રમણીય ને સમતલ ભાગમાં,બંને પાલખીઓને મુકવામાં આવી.દિવ્ય ચંદનથી લેપવામાં આવેલા તે દેહાવશેષોને,સુવર્ણના કલશોમાં લાવેલા જળથી સ્નાન કરાવવામાં આવ્યું,પછી,
સફેદ ચંદન અને કાલાગરુની મેળવણીવાળા તુંગરસથી તેને લેપ કરવામાં આવ્યો.ને પછી,સફેદ વસ્ત્રો
ઓઢાડવામાં આવ્યાં,પછી યાજકોએ પ્રેતક્રિયાની આજ્ઞા આપી,એટલે તેઓ,ઘી ચોપડીને સુવિભૂષિત કરેલા,
અવશેષોને,તુંગપદ્મના મેળવણવાળા સુગંધી ચંદનથી બાળવા લાગ્યા. (16-23)
કુંતી,કૌશલ્યા-આદિ સ્ત્રીઓના આર્તનાદોથી (રુદનથી) સર્વ મનુષ્યો પણ કલ્પાંત કરવા લાગ્યા.
પછી,ભીષ્મ,વિદુર,ધૃતરાષ્ટ્ર અને સર્વ કૌરવો ને પાંડવોએ સાથે રહીને દાહાંજલિ આપી,સર્વેએ રુદન કર્યું
ને પછી પાંડવોએ,પાંડુની જલક્રિયા કરી.શોકથી મગ્ન,ને રડતા તે પાંડવોને પ્રજાજનો છાના રાખવા લાગ્યા.
તે દિવસે સર્વે જમીન પર સુઈ રહ્યા.બાર દિવસ સુધી,આબાલવૃદ્ધ સઘળું નગર,પાંડવોની સાથે.
આનંદવિહોણું,અસ્વસ્થ અને હર્ષહીન રહ્યું (24-32)
અધ્યાય-127-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE