Mar 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-115

 
અધ્યાય-૧૨૬-પાંડવો હસ્તિનાપુરમાં 

II वैशंपायन उवाच II पाण्डोरूपमं द्रष्ट्वा देवकल्पा महर्षयः I ततो मंत्रविदः सर्वे मन्त्रायाश्चक्रिरे प्रिथः II १ II

વૈશંપાયન બોલ્યા-પાંડુનું મૃત્યુ થયેલું જોઈને દેવ જેવા મંત્રવેત્તા મહર્ષિઓએ અંદરઅંદર મંત્રણા કરી કે-

'આ મહાયશસ્વી મહાત્મા પાંડુ,રાજ્ય ને રાષ્ટ્ર છોડીને,અહીં શરણ પામ્યા હતા.ને હવે,તે પોતાની પત્ની 

અને પુત્રોને અહીં,થાપણ તરીકે સોંપીને સ્વર્ગે ગયા છે,માટે એ મહાત્માના પુત્રો,પત્ની અને 

તેમના દેહાવશેષને,તેમના રાજ્યમાં પહોંચાડવા એ જ આપણો ધર્મ છે.(1-4)

દેવ જેવા તે મહર્ષિઓએ,આવો નિર્ણય લીધો ને પછી,કુંતી,પાંડવો ને પાંડુ-માદ્રીના દેહશેષો (અસ્થિ) લઈને,

હસ્તિનાપુર જવા નીકળ્યા.કુંતીને,હવે જિંદગીનો લાંબો રસ્તો કાપવાનો સામે આવ્યો,તો પણ એણે,તેને ટૂંકો માનીને,તે કુરુજાંગલ દેશમાં આવી પહોંચીં અને રાજધાનીના મુખ્ય દરવાજે આવી ઉભી રહી.(5-9)


તપસ્વીઓએ દ્વારપાલને કહ્યું કે-'પાંડુપુત્રો,કુંતી અને અમે આવ્યા છીએ,તેની રાજાને ખબર કરો'

એટલે તેમણે તરત જ જઈને રાજાને ખબર કરી.સહુ નગરવાસીઓ તેમને જોવા માટે ટોળે વળ્યા.

પછી,ભીષ્મ,ધૃતરાષ્ટ્ર,ગાંધારી,દુર્યોધન અને તેના ભાઈઓ,પુરોહિતો સહિત ત્યાં પધાર્યા.

મહર્ષિઓને જોઈને,સર્વેએ તેમને વંદન કર્યા ને પછી,સર્વ લોકો તેમની પાસે આવીને બેઠા.(10-19)


ભીષ્મે,તે મહર્ષિઓનું અર્ધ્ય તથા પાદ્યથી,યથા ન્યાય પૂજન કર્યું,પછી,તે મહર્ષિઓમાં સહુથી વૃદ્ધ એવા,

મહર્ષિએ ઉભા થઈને કહ્યું કે-'કૌરવોના વંશજ,પાંડુ,કામભોગ ત્યજીને શતશૃંગ પર્વત પર અમારે ત્યાં આવ્યા હતા,તેમને દિવ્ય મંત્ર વડે,સાક્ષાત ધર્મરાજથી આ યુધિષ્ઠિર,વાયુદેવથી ભીમ,અને ઈન્દ્રથી અર્જુન નામના પુત્રો 

આ કુંતીમાં થયા છે.ને અશ્વિનીકુમારોથી માદ્રીમાં નકુલ ને સહદેવ જેવા નરશ્રેષ્ઠોનો જન્મ થયો છે.

સદા ધર્મપરાયણ ને વનવાસ આચરતા પાંડુએ આમ,વંશનો ઉદ્ધાર કર્યો છે,

આ પાંડુપુત્રોના જન્મ,તેમની વૃદ્ધિ ને તેમના વેદાધ્યયન જોઈને તમે પરમ પ્રીતિ પામશો.(20-29)


સંતોની વૃત્તિમાં રહેતા,ને પુત્રલાભને પામેલા,પાંડુરાજા,આજથી સત્તરમા દિવસ પહેલાં સ્વર્ગે ગયા છે,

ને તેમની પાછળ,માદ્રીએ પોતાના જીવનનો ત્યાગ કરીને યાવક(અગ્નિ)પ્રવેશ કરી સ્વર્ગે ગઈ છે.

તે બંનેના આ દેહાવશેષો છે,તેમની જે ઉત્તરક્રિયા કરવી યોગ્ય હોય તે તમે કરો.

પ્રેતકાર્ય પૂરું થતાં,મહાયશસ્વી પાંડુ માટે પિતૃયજ્ઞ પણ જરૂર કરજો'


વૈશંપાયન બોલ્યા-કુરુઓને આમ કહીને તે સર્વ તપસ્વીઓ,તેમના દેખતાં જ તે ક્ષણે અંતર્ધાન થયા.

આમ,ઋષિઓને આવેલા ને અંતર્ધાન થયેલા જોઈ,સર્વ પરમ વિસ્મય પામ્યા (30-36)

અધ્યાય-126-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE