II वैशंपायन उवाच II दर्शनीयांस्ततः पुत्रान् पाण्डुः पश्च महावने I तानु पश्यन् पर्वते रम्ये स्वबाहुबलमाश्रितः II १ II
વૈશંપાયન બોલ્યા-પોતાના પાંચ દર્શનીય પુત્રોને જોતા,પાંડુરાજા,પોતાના બાહુબલને આશ્રિત રહીને,
તે રમ્ય પર્વતના મહાવનમાં રહેતા હતા.એક વાર,વસંત કાળમાં તે પોતાની પત્ની માદ્રી સાથે તે વનમાં ફરી
રહ્યા હતા.પુષ્પો,વૃક્ષો,જળાશયો તેમ જ પદ્મિણીઓ આદિથી શોભી રહેલા,વનને જોઈને,પાંડુમાં કામવિકાર
થયો.ને ત્યારે પ્રસન્ન મનથી પોતાને અનુસરી રહેલી,ને શુભ,સૂક્ષ્મ વસ્ત્રથી ઝગી રહેલી,માદ્રીને જોતાં,
જેમ,ગહન વનમાં દવ ફાટી નીકળે તેમ,રાજાનો કામ ભભૂકી ઉઠ્યો.(1-6)
તે કમલનેત્રીને એકાંતમાં જોઈને,રાજા કામથી પરવશ થયા ને માદ્રીને બળપૂર્વક પકડી લીધી,
રાણી શાપને લીધે કાંપી રહી હતી,ને તેણે રાજાને પોતાની શક્તિ પ્રમાણે વાર્યા,પણ રાજા તો સર્વાંગે
કામથી ઘેરાયેલા હતા,ને તેમને પેલા શાપનું ભાન જ ન રાખ્યું ને માદ્રી સાથે મૈથુન ધર્મ આચર્યો.
સાક્ષાત કાળે જ તે કામવિવશની બુદ્ધિ મૂંઝવી નાખી હતી,ને ઇન્દ્રિય સમસ્તને મથી નાખીને તે બુદ્ધિ,ચેતના
સાથે નાશ પામી હતી.ને આમ,માદ્રી સાથે સંગ કરીને પાંડુ કાળધર્મને (મૃત્યુને) પામ્યા.(7-12)
પછી,માદ્રી,મરણ પામેલ રાજાને આલિંગન આપીને,ફરીફરી દુઃખના પોકાર પાડવા લાગી.એટલે ત્યાં
કુંતી અને પાંચે પુત્રો આવી ચડ્યા.કુંતી પણ અત્યંત શોક્ગ્રસ્ત થઈને માદ્રીને કહેવા લાગી કે-
'આ જિતાત્મા વીરનું હું સદા જતન કરતી હતી,તે વનવાસી મુનિનો શાપ જાણતાં છતાં,તેમણે કેમ કરીને
તને વશ કરી?તારે રાજાને રોકી રાખવા જોઈતા હતા,તેને બદલે તેં રાજાને એકાંતમાં શા માટે લોભાવ્યા?
શાપને વિચારીને તે હંમેશાં દીન થઇ રહેતા હતા,તો તને એકાંતમાં કેમ કામહર્ષ થઇ આવ્યો?(13-21)
માદ્રી બોલી-હે દેવી,મેં તો વિલાપો કરીને અનેકવાર તેમને વાર્યા હતા,
પણ જાણે ભાગ્યને જ સાચું ઠેરવવું હોય તેમ તેમને પોતાની જાતને રોકી નહિ.
કુંતી બોલી-હું વડી ધર્મપત્ની છું,માટે મુખ્ય ધર્મફળ મને જ મળવું જોઈએ,તું મને રોકીશ નહિ,હું અહીં
મૃત્યુને વશ થયેલા સ્વામીનું અનુગમન કરીશ,ઉઠ,તેમને છોડી દે અને આ પુત્રોનું તું પાલન કર.(22-24)
માદ્રી બોલી-'હે કુંતી,પતિનો તો હું જ અનુસરીશ,કેમ કે કામથી હું તૃપ્ત થઇ નથી,રાજા,કામથી જ મારો સંગ
કરીને મૃત્યુવશ થયા છે,તો પછી યમલોકમાં તેમના કામને,હું જ નિર્મૂળ કરીશ.તમે મને રજા આપો.વળી,
તમારા પુત્રો પ્રત્યેનું હું જો વિશેષ ધ્યાન રાખી ન શકું તો મને પાપ લાગે,તમે મારા પુત્રો પ્રત્યે,
તમારા પુત્રોની જેમ જ વર્તજો.રાજા,મારી કામના કરતાં જ મરણશરણ થયા છે,એટલે રાજન શરીર સાથે
આ મારા શરીરને પણ,સારી રીતે ઢાંકી રાખીને ફૂંકી (બાળી) નાખજો.તમે મારુ આટલું પ્રિય કરો.
આથી બીજું વધુ કશું કહેવાનું હોય તેમ હું જોતી નથી' (25-30)
વૈશંપાયન બોલ્યા-આમ કહીને,તે યશસ્વિની ધર્મપત્ની માદ્રીએ,
ચિતાના અગ્નિમાં રહેલા તે નરશ્રેષ્ઠનું તરત જ અનુગમન કર્યું.(31)
અધ્યાય-125-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE