Mar 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-112

 
અધ્યાય-૧૨૩-કુંતીપુત્રોની ઉત્પત્તિ 

II वैशंपायन उवाच II संवत्सरवृते गर्भे गान्धार्या जनमेजय I आह्वयामास वै कुंती गर्भार्थे धर्ममच्युतम् II १ II

વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,ગાંધારીને ગર્ભ ધર્યાને જયારે એક વર્ષ થયું હતું,ત્યારે કુંતીએ,ગર્ભને માટે અવિનાશી ધર્મરાજનું આવાહન કર્યું.તે દેવીએ વિધિપૂર્વક,પૂર્વે દુર્વાસા મુનિએ આપેલ મંત્રનો જાપ કરવા માંડ્યો,

મંત્રના બળથી ધર્મદેવ વિમાનમાં બેસી ત્યાં આવ્યા અને કુંતીને પૂછ્યું કે-'તને હું શું આપું?'

 ત્યારે કુંતીએ હસીને કહ્યું કે-'મને પુત્ર આપો' ને ત્યારે તે દેવી,ધર્મ સાથે સંયોગ પામી 

ને તેથી,તેને પુણ્ય સમયે,પ્રાણીમાત્રને હિતકારી,યશસ્વી,ને શ્રેષ્ઠ પુત્ર તેને સાંપડ્યો. (1-5)

તે પુત્રનો જન્મ થતાં જ,આકાશવાણી થઇ કે-'પાંડુનો આ પુત્ર ધર્મશ્રેષ્ઠ,નરોત્તમ,સત્યવાદી ને પૃથ્વીનો રાજા થશે.

યશ,તેજ અને વ્રતથી સંપન્ન તે યુધિષ્ઠિર નામે પ્રખ્યાત થશે.તે કીર્તિમાન અને ત્રણે લોકમાં વિખ્યાત થશે.


પછી,પતિની આજ્ઞાથી કુંતીએ વાયુદેવનું આવાહન કર્યું,એટલે મહાબળવાન વાયુદેવ મૃગ પર સવાર થઈને આવ્યા,

ને બોલ્યા-'હે કુંતી હું તને શું આપું?'  ત્યારે કુંતી લજ્જાયુક્ત થઈને હસીને બોલી-'સર્વનાં અભિમાન ગાળે તેવો બળવાન ને મહાકાય પુત્ર મને આપો'  વાયુદેવ સાથે સંયોગથી કુંતીને ભયંકર પરાક્રમવાળો,મહાબળવાન ને મોટા હાથવાળો ભીમ (વૃકોદર) નામે પુત્ર જન્મ્યો.ત્યારે આકાશવાણી થઇ કે-'આ બાળક સર્વ બળવાનોમાં શ્રેષ્ઠ થશે'

આ વૃકોદર (ભીમ) જન્મ્યો ત્યારે એક ભારે આશ્ચર્ય થયું હતું.(6-15)


એક વખતે,કુંતીના ખોળામાં ભીમ સૂતો હતો ત્યારે કુંતીએ વાઘને સામે જોયો,પોતાના ખોળામાં ભીમ સૂતો હતો,

તે તેને યાદ ન રહ્યું ને ભયની મારી તે ઉભી થઇ ગઈ,ત્યારે તે વજ્રકાય કુમાર પર્વત પર પડ્યો,ને પડતાંની સાથે 

તે પર્વતના સેંકડો ચુરા થઇ ગયા.આમ શિલાને કચ્ચર થયેલી જોઈને પાંડુ વિસ્મય પામ્યા (16-18)

જે દિવસે ભીમ જન્મ્યો,તે જ દિવસે દુર્યોધન હસ્તિનાપુરમાં જન્મ્યો હતો.


ભીમના જન્મ પછી,પાંડુએ વિચાર્યું કે-આ ભૂમંડળ,એ દૈવ ને પુરુષાર્થ પર પ્રતિષ્ઠિત છે,સાંભળ્યું છે કે-ઇન્દ્ર દેવોના પ્રધાન સ્વામી છે,તે બળ,ઉત્સાહ,વીર્ય ને પ્રભાવમાં અજોડ છે.હું તે મહાબળવાનને તપથી પ્રસન્ન કરીશ અને તેમનાથી પુત્ર મેળવીશ,કે જે શ્રેષ્ઠ જ થશે,તે રણમાં મર્ત્યો (મરનારાઓ) ને અમર્ત્યો (ન મરનારા)ને હણશે'

 પછી,પાંડુએ,મહર્ષિઓ સાથે મંત્રણા કરી,ને પોતે એક પગે ઉભા રહ્યા ને કુંતીને વ્રત આચરવાની આજ્ઞા કરી.


લાંબે ગાળે,તપથી પ્રસન્ન થઇ ઇન્દ્ર,પાંડુની પાસે આવ્યા ને કહેવા લાગ્યા કે-'ત્રણે લોકમાં વિખ્યાતને શત્રુઓનો વિનાશ કરનાર,શ્રેષ્ઠ એવો પુત્ર હું તમને આપીશ' ત્યાર પછી,પાંડુએ કુંતીને કહ્યું કે-'દેવરાજ ઇન્દ્રની કૃપા થઇ છે,એટલે તું તેમનું આવાહન કર,કે જેથી તેમના જેવો તેજસ્વી પુત્ર તને થશે.(19-34)


એટલે કુંતીએ,મંત્રથી ઈન્દ્રનું આવાહન કર્યું.દેવરાજ ઇન્દ્રના સંયોગથી,કુંતીને 'અર્જુન' નામનો પુત્ર થયો.

તે કુમાર જન્મ્યો,કે તરત જ આકાશવાણી થઇ કે-'હે કુંતી,શિવ જેવો પરાક્રમી ને ઇન્દ્ર જેવો અજેય,એવો આ મહાવીર્યવાન પુત્ર,તારો વંશ વિસ્તારશે,પૂર્વે,વિષ્ણુએ જેમ આદિતિની પ્રીતિ વધારી હતી,તેમ,આ અર્જુન તારી પ્રીતિ વધારશે.અનેક દેશોને વશમાં લાવી કૌરવવંશની રાજ્યલક્ષ્મીને ધારણ કરશે.તે ત્રણ અશ્વમેઘ યજ્ઞ કરશે,

ને યુદ્ધમાં મહાદેવને પ્રસન્ન કરીને પાશુપત અસ્ત્ર મેળવશે.ઇન્દ્રની અજ્ઞાનથી નિવાત કવચ દૈત્યોનો વધ કરશે.

તે સર્વ દિવ્ય અસ્ત્રોને પ્રાપ્ત કરશે,ને ગયેલી લક્ષ્મીને ફરીથી પછી લાવશે.(35-46)


મોટેથી ઉચ્ચારતી આ વાણીને સાંભળીને,શતશૃંગ પાર રહેનારા તપસ્વીઓ,ને આકાશમાં રહેનારા દેવોને અત્યંત આનંદ થયો.આકાશમાં દુન્દુભિના ઘેરા ઘોષ ગાજ્યા ને પુષ્પવૃષ્ટિ સાથે મહા હર્ષનાદ ઉઠ્યો.

ગંધર્વો,અપ્સરાઓ,મહર્ષિઓ-વગરે ત્યાં આવ્યા,ને તે અર્જુનનું પૂજન,નૃત્ય,ગાન આદિ થયા.

બાર આદિત્યો,આકાશમાં વીરાજીને પાંડુપુત્રનો મહિમા વધારવા લાગ્યા.

રુદ્રો,અશ્વિનીકુમારો,વસુઓ,મરુતો,વિશ્વદેવો તેમ જ સાધ્યો,ત્યાં આવી ઉભા હતા.


વિમાનમાં અને ગિરિશૃંગ ઉપર બેઠેલા,તે સર્વ દેવસમૂહોને,તપમાં સિદ્ધ એવા મહર્ષિઓએ જ જોયા,

બીજા કોઈ તેમને જોઈ શક્યા નહિ.તે મહાન આશ્ચર્ય જોઈને મુનિશ્રેષ્ઠો વિસ્મિત થયા.ને ત્યારથી પાંડવો 

પ્રતિ અધિક પ્રીતિ રાખવા લાગ્યા.ત્યાર બાદ,પાંડુએ એક વધુ પુત્રના મોહથી કુંતીને કહ્યું,


ત્યારે કુંતીએ જવાબ આપ્યો કે-શાસ્ત્રકારો,આપત્કાળમાં પણ ચોથા પ્રસવને ઇષ્ટ કહેતા નથી,

ચોથીવાર પ્રસવ કરનારી સ્ત્રી સ્વૈરિણી કહેવાય છે ને પાંચમી વારે તો તે વેશ્યા જ કહેવાય છે.

તમે આ ધર્મને જાણો છો,તો પછી મને પુત્રને માટે કેમ કહો છો? (19-79)

અધ્યાય-123-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE