અધ્યાય-૧૨૨-કુંતીને પુત્રોત્પત્તિની આજ્ઞા
II वैशंपायन उवाच II एवमुक्त स्तया राजा तां देवीं पुनरन्नवीत I धर्मविद्वर्मसंयुक्तमिदं वचनमुतमम II १ II
વૈશંપાયન બોલ્યા-કુંતીએ આમ કહ્યું એટલે રાજાએ કુંતીને ધર્મયુક્ત ઉત્તમ વચન કહ્યાં.
પાંડુ બોલ્યા-પૂર્વે,વ્યુષિતાશ્વે,તેં કહ્યું તે જ પ્રમાણે કર્યું હતું.કેમ કે તે દેવતુલ્ય હતો.હવે,તું.ધર્મજ્ઞ અને
મહાત્મા ઋષિઓએ જે પુરાતન ધર્મતત્વ જોયું હતું,તે સાંભળ.હે સુવદના,કહે છે કે-પૂર્વે સ્ત્રીઓને
કોઈ જાતનું બંધન નહોતું.ઈચ્છા પ્રમાણે ઘૂમનારી ને વિહાર કરનારી તે સ્ત્રીઓ સ્વતંત્ર હતી.(1-4)
કુમારી અવસ્થાથી જ તેઓ પતિને ત્યજી,વ્યભિચાર સેવતી,તો પણ તે અધર્મ કહેવાતો નહોતો,કેમ કે,
તિર્યગ યોનિમાં જન્મેલી પ્રજાઓ (પશુ-પક્ષીઓ) આજે પણ કામ-ક્રોધથી યુક્ત થઇને આજે પણ તે જ
પ્રાચીન ધર્મને અનુસરે છે.આ પ્રમાણ-રૂપ મનાયેલા ધર્મને મહર્ષિઓ માન આપે છે ને ઉત્તર કુરૂદેશમાં,
આજે પણ તે સન્માનિત છે.કારણકે સનાતન ધર્મ સ્ત્રીઓ પર અનુગ્રહ કરનારો છે.(5-8)
હે સુહાસિની,પછી,આ લોકમાં મર્યાદા હજુ હમણાં જ સ્થાપિત થઇ છે.તે કોનાથી સ્થાપિત થઇ છે? તે સાંભળ.
અમે સાંભળ્યું છે કે-ઉદ્દાલક નામે એક મહર્ષિ હતા,તેમના શ્વેતકેતુ નામે પુત્રે કોપમાં આવીને મર્યાદા સ્થાપી છે.
પૂર્વે,કોઈ બ્રાહ્મણે,શ્વેતકેતુના પિતા સમક્ષ જ,તેની માતાના હાથ પકડીને તેને બળપૂર્વક લઇ ગયો હતો,
ત્યારે શ્વેતકેતુથી કોપિત થયો,ત્યારે પિતાએ તેને કહ્યું કે-'બેટા,તું કોપ કરીશ નહિ,આ સનાતન ધર્મ છે,પૃથ્વીમાં
સર્વ વર્ણોની સ્ત્રીઓ મર્યાદા રહિત છે.ગાયોની જેમ સર્વ પ્રજાઓ પોતપોતાના વર્ણોમાં સ્વતંત્ર છે.'
ઋષિપુત્ર શ્વેતકેતુ,તે ધર્મને સહન કરી શક્યો નહિ એટલે ત્યારથી માંડીને તેણે માનવોમાં એવી મર્યાદા
સ્થાપિત કરી કે-પતિને ત્યજી વ્યભિચાર કરનારી,સ્ત્રીઓને ભ્રુણહત્યા જેવું પાપ લાગશે.ને પતિવ્રતા સ્ત્રીને
ત્યજી જે પતિ વ્યભિચાર આદરશે તેને પણ તેવું જ પાપ લાગશે.વળી,પુત્રને માટે
પતિની આજ્ઞા પામેલી જે પત્ની તે પ્રમાણે વર્તશે નહિ,તેને પણ તેવું જ પાપ લાગશે'
હે કુંતી,અમે એવું સાંભળ્યું છે કે-પુત્રોત્પાદન માટે,પતિ સૌદારૂથી આજ્ઞા પામેલી,મદયંતિ પણ વસિષ્ઠ પાસે ગઈ હતી અને તેમનાથી તેને અશ્મક નામે પુત્ર થયો હતો.આમ સ્વામીનું પ્રિય કરવાની ઈચ્છાથી તેણે પણ તે જ કર્યું હતું કે તેનો સ્વામી જે ઈચ્છતો હતો.વળી,વ્યાસથી થયેલા મારા જન્મને પણ તું જાણે છે.માટે આ સર્વ
જાણીને તું મારું કહેલું ધર્મ વચન આદરવાને યોગ્ય જ છે.હે પતિવ્રતા,પ્રત્યેક ઋતુમાં,સ્ત્રીએ સ્વામીનું ઉલ્લંઘન
ન કરવું જોઈએ એ ધર્મને ધર્મજ્ઞો જાણે છે.ઋતુકાળ વિનાના કાળમાં સ્ત્રી સ્વતંત્રતાને યોગ્ય છે,
ને એને જ સંતો પુરાતન ધર્મ કહે છે.વળી,વેદવેત્તાઓ કહે છે કે-પતિ,જો પત્નીને ધર્મયુક્ત કે અધર્મયુક્ત
એવું કંઈ પણ કહે તો,તે (પતિની આજ્ઞા સમજી) પત્નીએ કરવું જોઈએ.(9-28)
હે કુંતી,હું પુત્રકામનાવાળો છું પણ પ્રજનનકાર્યથી રહિત થયો છું,માટે તું મારી આજ્ઞાથી,તું અધિક તપસ્વી
એવા બ્રાહ્મણથી પુત્ર ઉત્પન્ન કરવા યોગ્ય છે,ને તારા આ કાર્યથી હું પુત્રવાનોની ગતિને પામીશ (29-31)
કુંતી બોલી-હે સ્વામી,મારા પિતાને ઘેર,મને (બાળાને)અતિથિપૂજનમાં નિયુક્ત કરવામાં આવી હતી,
ત્યારે લોકો જેને દુર્વાસા ઋષિ તરીકે જાણે છે,તે ઉત્તમ બ્રાહ્મણની સેવા કરીને સંતુષ્ઠ કાર્ય હતા,ત્યારે તેમણે,
મને અભિચારયુક્ત વરદાન આપી મંત્રદાન કર્યું હતું,અને તેમણે મને કહ્યું હતું કે-'આ મંત્રથી તું કે કોઈ દેવને બોલાવશે,તે સકામ કે નિષ્કામ હશે તો પણ તને વશ થશે ને તે દેવના પ્રસાદથી તને પુત્ર થશે'
મને લાગે છે કે હવે અવસર આવ્યો છે તો આપ મને આજ્ઞા કરો કે હું કયા દેવનું આવાહન કરું?(32-39)
પાંડુ બોલ્યા-તું આજેજ યથાવિધિ પ્રયત્ન કરીને ધર્મરાજને બોલાવ,કેમ કે લોકોમાં તે પુણ્યભાગી છે,
તેથી આપણો ધર્મ,કદાપિ અધર્મ સાથે જોડાશે જ નહિ.અને આ લોક પણ તેને 'ધર્મ' માનશે.
આથી,તું,ધર્મને મુખ્ય ગણી,ઉપચાર અને અભિચારથી,નિયમપરાયણ રહી ધર્મરાજનું જ આવાહન કર.
વૈશંપાયન બોલ્યા-સ્વામીએ આ પ્રમાણે કહ્યું,એટલે તે કુંતીએ 'ભલે એમ જ કરીશ'
એમ કહી વંદન કર્યું,પ્રદિક્ષણા કરી અને પતિની આજ્ઞાને માથે ચડાવી.(40-44)
અધ્યાય-122-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE