Mar 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-110

 
અધ્યાય-૧૨૧-વ્યુષિતાશ્વનું ઉપાખ્યાન 

II वैशंपायन उवाच II एवमुक्ता महाराज कुंती पाण्डुममापत I कुरुणामृपमं धीरं तदा भूमिपति पतिम् II १ II

વૈશંપાયન બોલ્યા-પાંડુએ આમ કહ્યું એટલે કુંતીએ,કુરુઓમાં સિંહ જેવા પોતાના પતિં,પાંડુને કહ્યું કે-

'હે ધર્મજ્ઞ,આપનામાં હું અનન્ય પ્રીતિવાળી છું,ને મને ધર્મપત્નીને આવું કહેવું તમને કોઇ રીતે યોગ્ય નથી.

તમે જ,ધર્મપૂર્વક મારામાં ગમન કરી,પુત્રો ઉત્પન્ન કરો.હું તમારી સાથે સ્વર્ગમાં આવીશ.તમારા સિવાય કોઈ 

બીજા પાસે હું મનથી એ પણ નહિ જાઉં,પૃથ્વીમાં તમારાથી ચડિયાતો કોણ છે ? હે ધર્માત્મા,પૂર્વે મેં એક પુરાણકથા સાંભળી હતી તે અત્યારે હું તમને કહું છું તે તમે સાંભળો.(1-6)

પૂર્વે,પુરુવંશને વધારનારો વ્યુષિતાશ્વ નામે પરમ ધર્મિષ્ઠ રાજા હતો.તે યજ્ઞ કરતો હતો ત્યારે,ત્યાં ઇન્દ્ર અને દેવર્ષિઓ

સહિત દેવો ત્યાં આવ્યા હતા,ઇન્દ્ર સોમપાનથી ને બ્રાહ્મણો દક્ષિણાથી ઘેલા થઇ ગયા હતા.તેણે ચારે દિશાઓમાં

સર્વ રાજાઓને જીતીને પોતાને વશ કર્યા હતા.તે રાજાને ભૂમંડળમાં રૂપમાં અજોડ એવી ભદ્રા નામે પત્ની હતી.

સાંભળ્યું છે કે-તેઓ પરસ્પર ઘણાં પ્રીતિવાળાં હતા,ને તે ભદ્રા પ્રત્યે અતિ કામાસક્ત રહેવાથી તે રાજાને ક્ષય રોગ થયો

ને થોડા જ સમય તે મૃત્યુ પામ્યો.ત્યારે તેની પત્નીએ વિલાપ કર્યો ને તે પતિને કહેવા લાગી કે-(7-20)


ભદ્રા બોલી-હે પરમ ધર્મજ્ઞ,સ્વામી વિના નારી સાવ અફળ છે,પતિ વિના જીવવું તે ન જીવ્યા બરાબર જ છે.

હું પણ તમારી ગતિને જ પામવા ઈચ્છું છું,તમે મને સાથે લઇ જાઓ.હું તમને છાયાની જેમ અનુસરીશ.

હે નરશાર્દૂલ,તમે મને દર્શન આપો,હું દીન-દુખિયારી છું,કલ્પાંત કરું છું,મને આજ્ઞા આપો.(21-31)


તે વખતે અંતરિક્ષમાંથી વાણી થઇ કે-'હે ભદ્રા,તું ઉઠ જા,હું તને વરદાન આપું છું કે હું તારામાં પુત્રો ઉત્પન્ન કરીશ.

ઋતુસ્નાન પછી આઠમી કે ચૌદમી રાત્રિએ તું મારા શબ સાથે પથારીમાં સુજે.' પછી,પુત્રને ઇચ્છતી,

તે પતિવ્રતા ભદ્રાએ તે વચનાનુસાર કર્યું,ને તે દેવીએ ત્રણ શાલ્વ ને ચાર મદ્રો-એવા પુત્રોને જન્મ આપ્યો.

કુંતી કહે છે કે-'હે ભરતશ્રેષ્ઠ,તપ અને યોગબળવાળા એવા તમે પણ એ જ રીતે,

મન વડે મારામાં પુત્રો ઉત્પન્ન કરવા સમર્થ છો.(32-37)

અધ્યાય-121-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE