Feb 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-108

અધ્યાય-૧૧૯-પાંડુરાજાનો નિત્યને માટે વનવાસ 

II वैशंपायन उवाच II तं व्यतीतमतिक्रम्य राजा स्वमिव बान्धवम् I समार्यः शोकदुखार्तः पर्यदेवदासुरःII १ II

વૈશંપાયન બોલ્યા-હવે શોક અને દુઃખથી પીડિત થયેલા તે આતુર પાંડુરાજે મરણશરણ થયેલા 

એ મૃગને ત્યાં છોડ્યો અને પત્નીઓ સાથે તેના બાંધવની જેમ વિલાપ કરવા માંડ્યો (1)

પાંડુ બોલ્યા-હાય ! સંતોના કુળમાં જન્મ્યા હોય,તો પણ અશુદ્ધ આત્માઓ,કામજાળમાં મોહિત થઈને પોતાના કર્મને લીધે દુર્ગતિ પામે છે.મારા પિતા નિત્ય ધર્માત્મા એવા શાંતનુથી જન્મ્યા હતા,તો પણ તે કામાત્મા હોવાથી,બાળપણમાં જ તેમના જીવનનો અંત થયો હતો.એવું સાંભળ્યું છે.તે કામાત્માની સ્ત્રીમાં,સંયમિત એવા વ્યાસજીએ મને ઉત્પન્ન કર્યો છે.આમ હું તેમનો પુત્ર હોવા છતાં,હું પોતે અપુત્ર છું તેથી દેવોએ મને છોડી દીધો છે,

ને આજે મૃગયાના વ્યસનને પરિણામે,મને અધમ બુદ્ધિ થઇ છે,માટે હવે મોક્ષના વ્યવસાયમાં જ રહીશ.(2-5)


પુત્ર-આદિ બંધનો તો ભારે વિપત્તિકારક છે,માટે હું વ્યાસજીની જેમ અખંડ બ્રહ્મચર્યનું જ સેવન કરીશ.

હવે,હું એકલો રહી,મારી જાતને તપમાં જોડી દઈ,એક એક વૃક્ષો પાસેથી ભિક્ષા મેળવીશ,તેમજ મુંડિત થઈને આશ્રમોમાં વિચરીશ.ને પછી,પ્રિય એ  અપ્રિય સર્વ છોડી દઈને,શૂન્ય સ્થાનમાં નિવાસ કરીશ.

હું ન શોક કરીશ કે ન આનંદ પામીશ,નિંદા ને સ્તુતિમાં સમાન રહીશ.(6-9)


હું ઇંદ્રિયોની સકળ ક્રિયાઓને,તથા ધર્મપ્રાપ્ય સર્વ અર્થોને ત્યજી દઈશ ને ચિત્તના સર્વ મેલોને ધોઈને સર્વ પાપોમાંથી મુક્ત થઈશ.(માતરિશ્વા) વાયુની જેમ નિર્લેપતા સ્વીકારીને કોઈના વશમાં રહીશ નહિ.

આ પ્રકારે આવી વૃત્તિનું સતત અનુસરણ કરીને,નિર્ભય માર્ગે રહીને દેહને ક્ષીણ કરીશ.પ્રજોત્પત્તિ સ્વધર્મથી 

રહિત થયેલો ને વીર્યથી વર્જાયેલો,હું હવે,આત્મબળનો નાશ કરનાર કૃપણ માર્ગે કદી નહિ વિચરું.

જે કામાત્મા,કૃપણ દૃષ્ષ્ટએ,કામક્રિયામાં પડે છે,તે કુતરાના માર્ગે વર્તે છે,એમ સમજવું (10-22)


વૈશંપાયન બોલ્યા-પછી,દુઃખથી પીડાયેલા તે પાંડુ રાજાએ કુંતી અને માદ્રીને કહ્યું કે-સહુને પ્રસન્ન કરીને 

કહેજો કે-પાંડુ પ્રવજ્યા લઈને (સર્વ છોડીને) વનમાં ગયો છે' પાંડુનાં નિશ્ચયયુક્ત વચન સાંભળીને,

કુંતી અને માદ્રીએ તેને કહ્યું કે-હે ભરતશ્રેષ્ઠ,સન્યાસ સિવાય,બીજા આશ્રમો પણ છે,તેમાં અમને બંને ધર્મપત્નીઓને સાથે રહેવા દઈને તમે મહાન તપ તપી શકો એમ છો.શરીરના મોક્ષના અર્થે,સ્વર્ગ-રૂપી મહાફળને પામીને સ્વર્ગમાં પણ તમે અમારા જ સ્વામી થશો.આ લોકમાં અમે બંને,ઇન્દ્રિયોના સમૂહને વશ કરી,કામ તથા સુખને ત્યજીને વિપુલ તપ કરીશું.પણ જો તમે અમને ત્યજી દેશો,તો અમે અહીં જ જીવ છોડી દઈશું.(23-30)


પાંડુ બોલ્યા-'તમે બંનેએ જો આ તમારો નિશ્ચય ધર્માનુસાર કર્યો હોય તો વ્યાસપિતાની વૃત્તિને હું અનુસરીશ.

હું,ગામનાં સુખ ને આહાર છોડી દઈને,વલ્કલ ધારણ કરીને,વનમાં નિવાસ કરીશ ને તપ આચરીશ.

અરણ્યવાસ વિશે,શાસ્ત્રોમાં કહેલી ઉગ્રમાં ઉગ્ર વિધિને,દેહના સમાપન સુધી વળગી રહીશ'

આમ કહીને તેણે શરીરના સર્વ આભૂષણો,મુગટ ને કપડાંનો ત્યાગ કરીને,તે સર્વ દાન કરી દીધું.

ને પછી,પોતાની સાથે રહેલ સર્વ લોકોને કહ્યું કે-'તમે સર્વ હસ્તિનાપુર પાછા જાઓ,ને ત્યાં જઈને કહેજો કે-

પાંડુ,કામ-સુખ-ને સર્વ છોડીને વાનપ્રસ્થ થયો છે ને બંને પત્નીઓને લઈને વનમાં ગયો છે.(31-41)


પાંડુનાં આવાં વચનો સાંભળીને,તેના સાથીઓ-સેવકો આંસુ પાડતા,ને સર્વ ધન લઈને હસ્તિનાપુર ગયા.

નગરમાં જઈને તેમણે,રાજાનું સર્વ વૃતાંત કહ્યું ને રાજાનું સર્વ ધન સોંપી દીધું.પાંડુનું વૃતાંત સાંભળીને,

ધૃતરાષ્ટ્ર,તેમનો શોક કરી તે વાતને જ વિચારવા લાગ્યા,ને તેમને ભોગોમાં પ્રીતિ ન માણી.(42-46)


પછી,મૂળ-ફળનો હાર કરતા તે પાંડુ રાજા,બે પત્નીઓને લઈને,પર્વતો વટાવીને ગંધમાદન પર્વત પર ગયા.

ને મહાભુતો,સિદ્ધો અને ઋષિઓથી રક્ષાતા.સમ-વિસમ સ્થાનોમાં નિવાસ કરવા લાગ્યા.પછી,

ઇંદ્રદ્યુમ્ન સરોવરે પહોંચી,હંસફૂટ પર્વત વટાવીને શતશૃંગ પર્વત પર તપ કરવા માંડ્યું (47-50)

અધ્યાય-119-સમાપ્ત