II जनमेजय उवाच II धृतराष्ट्रस्य पुत्राणामादितः कथितं त्वया I ऋषिः प्रसादात्तुशतं न च कन्या प्रकिर्तिता II १ II
જન્મેજય બોલ્યા-તે વ્યાસ ઋષિના પ્રસથી,ધૃતરાષ્ટ્રને સો પુત્રો થયા તે તમે પહેલાં કહ્યું.પણ તે વખતે કન્યા વિશે,
તમે કશું જ કહ્યું નહોતું.મહર્ષિ વ્યાસે તો કહ્યું હતું કે 'સો પુત્રોવાળી થા' તો આ કન્યા ક્યાંથી ઉત્પન્ન થઇ?
જો મહર્ષિએ માંસપેશીના સો ભાગ જ કર્યા હોય,અને ગાંધારી,જો ફરીથી પ્રજાવતી થઇ જ ન હોય
તો,દુઃશલાનો જન્મ કેવી રીતે થયો?તે વિશે આપ,મને યથાવત કહો,મને આ વિશે કુતુહલ થયું છે.(1-5)
વૈશંપાયન બોલ્યા-હે રાજન,મહર્ષિ વ્યાસે પોતે જ તે માંસપેશીને ઠંડા જળથી સિંચન કરેલું,ને તેના અલગ અલગ ભાગ
કર્યા હતા.ને,જેમ જેમ,તે ભાગ કરાતા ગયા,તેમ તેમ,દાસી એને ઘીથી ભરેલા કુંડામાં નાખતી હતી.
તે વખતે,ગાંધારી વિચારવા લાગી કે-હવે મને સો પુત્રો થશે તે વિશે સંદેહ નથી,પણ જો આ ઉપરાંત,જો એક દીકરી
પણ થાય તો મને પરમ સંતોષ થાય.દીકરી થાય તો,દોહિત્રોથી મળતા પુણ્યલોકોથી,મારા પતિને
વિમુખ થવાનું ન રહે.સાચે જ સ્ત્રીઓને જમાઈ પર અધિક હેત હોય છે,એટલે જો મને એક પુત્રી થાય તો
પુત્ર ને દોહિત્રથી વીંટળાઈને હું કૃતાર્થ થાઉં.જો સાચે જ મેં તપ કર્યું હોય,દાન આપ્યું હોય
કે હોમહવન કરીને ગુરુઓને પ્રસન્ન કર્યા હોય,તો મને એક દીકરી થાય.(6-13)
ગાંધારી આવો વિચાર કરી રહી હતી,તે જ વખતે વ્યાસ પોતે જ માંસપેશીના વિભાગ કરતા હતા,
પુરા સો ભાગો ગણીને તેઓ ગાંધારીને કહેવા લાગ્યા-કે-'આ પુરા સો પુત્રો થયા,મારી વાણી સત્ય ઠરી છે,
હજુ,દોહિત્રના યોગ માટે સો ઉપરનો એક શેષ ભાગ રહ્યો છે,કે જે ભાગથી તને તારી ઇચ્છેલી કન્યા થશે'
એમ કહી,વ્યાસજીએ ઘીથી ભરેલો એક બીજો ઘડો મંગાવી,તે કન્યાભાગને તેમાં નાખ્યો.
હે રાજન,આ દુઃશલાની કથા તમને કહી,હવે કહો તમને ફરીથી બીજું શું કહું? (14-19)
અધ્યાય-116-સમાપ્ત
અધ્યાય-૧૧૭-ધૃતરાષ્ટ્રના પુત્રોનાં નામ તથા લગ્ન
II जनमेजय उवाच II जयेष्ठानुज्येष्ठतां तेषां नामानि च पुथक पृथक I धृतराष्ट्रस्य पुत्राणामानुर्व्यात् प्रकिर्तय II १ II
જન્મેજય બોલ્યા-ધૃતરાષ્ટ્રના તે પુત્રોનાં નામ તમે તેમના મોટા નાના ક્રમ પ્રમાણે એક એક કરીને કહો.(1)
(નોંધ-આગળ અધ્યાય-67 માં સો કૌરવોનાં નામ કહેલાં છે.અહીં ફરીથી તે કહેલ છે-અનિલ)
વૈશંપાયન બોલ્યા-દુર્યોધન,યુયુત્સુ,દુઃશાસન,દુઃસહ,દુઃશલ,દુર્મુખ,વિવિશન્તિ,વિકર્ણ,જલસંઘ,સુલોચન,
વિન્દ,અનુવિન્દ,દુર્ધર્ય,સુબાહુ,દુષ્પ્રઘર્ષણ,દુર્મર્ષણ,દુર્મુખા,દુષ્કર્ણ,કર્ણ,ચિત્ર,ઉપચિત્ર,ચિત્રાક્ષ,ચારુ,
ચિત્રાંગદ,દુર્મદ,દુષ્પ્રહર્ષ,વિવિત્સુ,વિકટ,સમ,ઊર્ણનાભ,પદ્મનાભ,નંદ,ઉપનંદ,સેનાપતિ,સુષેણ,કૂડોદર,
મહોદર,ચિત્રબાહુ,ચિત્રવર્મા,સુવર્મા,દુર્વિરોચન,અયોબાહુ,મહાબાહુ,ચિત્રચાપ,સકુંડળ,ભીમવેગ,ભીમબલ,
બલાકી,ભીમવિક્રમ,ઉગ્રાયુદ્ધ,ભીમશર,કનકાયુ,દ્રઢાયુધ,દ્રઢવર્મા,દ્રઢક્ષેત્ર,સોમકીર્તિ,અનુદર,જરાસંઘ,
દ્રઢસંઘ,સત્યસંઘ,સહસ્ત્રવાક,ઉગ્રશ્રવા,ઉગ્રસેન,ક્ષેમમૂર્તિ,અપરાજિત,પંડિતક,વિશાલાક્ષ,દુરાધન,દ્રઢહસ્ત,
સુહસ્ત,વાતવેગ,સુવર્ચા,આદિત્યકેતુ,બહવાસી,નાગદત્ત,અનુયાયી,કવચી,નિપંગી,દંડી,દંડધાર,ધનુરગ્રહ,ઉગ્ર,
ભીમરથ,વીર,વીરબાહુ,અલોલુપ,અભય,રૌદ્રકર્માં,દ્રઢરથ,અનાધૃષ્ય,કુંડભેદી,વિરાવી,દીર્ઘલોચન,દીર્ઘબાહુ,
મહાબાહુ,વ્યૂઢોરૂ,કનકામદ,કુંડજ,અને ચિત્રક એ (વેશ્યા પુત્ર યુયુત્સુ સાથે) એક્સો-એક પુત્રો હતા.
અને દુઃશલા નામે એક પુત્રી પણ હતી. (2-15)
આ સર્વે શૂરવીર,અતિરથી,યુદ્ધનિપુણ,વેદવેત્તા અને સર્વ અસ્ત્રોને જાણનારા હતા,ધૃતરાષ્ટ્રે તેઓની પરીક્ષા કરીને યથા સમયે,તેમને વિધિપૂર્વક કન્યાઓ પરણાવી હતી.દુઃશલાને જયદ્રથ જોડે પરણાવીહતી (16-18)
અધ્યાય-117-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE