Feb 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-104

 
અધ્યાય-૧૧૨-કુંતીની સાથે પાંડુના લગ્ન 

II वैशंपायन उवाच II सत्वरुपगुणोपेता धर्मारामा महाव्रता I दुहिता कुन्तिभोजस्य पृथा पृथुललोचना II १ II

કુંતીભોજની વિશાળ નેત્રવાળી પુત્રી પૃથા (કુંતી),મહાવ્રતીની અને સત્વ,રૂપ ને ગૂંથી સંપન્ન હતી.ને 

આ યૌવનવંતી કન્યાને કેટલાયે રાજાઓએ પ્રાર્થી (ઈચ્છી) હતી.કુંતીભોજે,તેનો સ્વયંવર રચાવ્યો હતો,

તે સ્વયંવરમાં,કુંતીએ રાજાઓમાં સિંહ જેવા,વિશાલ છાતીવાળા,બીજા ઈન્દ્રની જેમ વિરાજેલા,

પાંડુને જોયા,ને તે હૃદયથી વ્યાકુળ થઇ,કુંતીના અંગમાં અનગ વ્યાપ્યો,

ને શરમાતાં શરમાતાં,તેણે,રાજા પાંડુના ગળામાં હાળમાળા પહેરાવી દીધી.(1-8)

બીજા રાજાઓ,જેવા આવ્યા હતા,તેવા જ પાછા ગયા,ને કુંતીભોજે,કુંતીનો પાંડુ સાથે વિવાહ કર્યો.

ને પછી,પાંડુને વિવિધ દ્રવ્યોથી સત્કારીને,પોતાના નગર તરફ વળાવ્યા.

બ્રાહ્મણો ને મહર્ષિઓથી સ્ત્વાતા,તે કૌરવનંદન-પાંડુરાજ,વિવિધ પતાકાવળી,મહાન સેના સાથે 

નગરમાં આવ્યા અને પછી,તે સમર્થ પોતાની પત્ની કુંતીને,પોતાના ભવનમાં નિવાસ આપ્યો.(9-13)

અધ્યાય-112-સમાપ્ત 


અધ્યાય-૧૧૩-પાંડુનાં માદ્રી સાથે લગ્ન તથા દિગ્વિજય 


II वैशंपायन उवाच II ततः शान्तन्वो भीष्मो राज्ञः पाण्डोर्यशस्विनः I विवाहस्यापरस्वार्थे चकार मतिमान्मतिम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,બુદ્ધિમાન,શાંતનુપુત્ર ભીષ્મે,પાંડુ રાજાના બીજા વિવાહનો વિચાર કર્યો.ને પ્રધાનો,

બ્રાહ્મણો ને ચતુરંગિણી સેનાએ સાથે,તે (વાહીક શ્રેષ્ઠ) મદ્રપતિના નગર તરફ ગયા.ભીષ્મને આવેલા જોઈને રાજા તેમને સામે લેવા આવ્યો ને તેમને નગરમાં લઇ જઈ તેમનો સત્કાર કર્યો.ને પછી તેમન આવવાનું કારણ પૂછ્યું.

ભીષ્મે કહ્યું કે-હે અરિદમન,તમે મને કન્યાને અર્થે આવેલો જાણો,તમારે માદ્રી નામની એક યશસ્વિની બહેન છે,

તે હું પાંડુ માટે માંગુ છું તમે અમારા માટે ને અમે તમારા માટે યોગ્ય છીએ.તેથી તમે તે અમને આપો (1-7)


મદ્રપતિએ કહ્યું કે-મારુ માનવું છે કે-તમારા કુળ કરતા કોઈ ચડિયાતું છે જ નહિ.હે કુળશ્રેષ્ઠ,તમારે 

'તમે તે આપો' એમ કહેવું યોગ્ય જ નથી.પણ અમારો પણ,એક કુળધર્મ છે કે જે અમારે માટે પ્રમાણરૂપ છે.

ભીષ્મે કહ્યું કે-હે રાજન,સ્વયંભૂ ભગવાને પોતે જ એ પરમધર્મ કહ્યો છે,એમાં કોઈ દોષ નથી,પૂર્વે પણ પુરુષોએ 

આ વિધિ કર્યો છે,હે શલ્ય,સાધુજનોએ સન્માનેલી આ મર્યાદાને (પ્રથાને) આપણે બંને જાણીએ છીએ.

એમ કહીને,ભીષ્મે,શલ્યને ઘડેલું અને અણઘડેલું સોનુ,રત્નો,હાથીઓ,ઘોડાઓ,રથો,વસ્ત્રો,અલંકારો,

તેમ જ શુભ એવાં મણિ,મુકતા અને પરવાળાં આપ્યાં (8-15)


તે સર્વ ધન સ્વીકારીને શલ્ય,ચિત્તમાં પ્રસન્ન થયો ને પોતાની બહેનને સુવિભૂષિત કરીને કૌરવશ્રેષ્ઠને આપી.

ભીષ્મ,માદ્રીને લઈને હસ્તિનાપુર આવ્યા.ને ઇષ્ટ દિવસ આવતાં,પાંડુએ માદ્રીનું પાણિગ્રહણ કર્યું.ને 

પોતાની પત્નીને પોતાના શુભ નિવાસમાં સ્થાન આપ્યું.ને પોતે બંને પત્નીઓ સાથે વિહરવા લાગ્યા.

ત્રીસ દિવસ,યથેચ્છ ને યથાસુખ,રાત્રિવિહાર કરીને પાંડુ,ભીષ્મ અને કૌરવશ્રેષ્ઠોની આજ્ઞા લઈને,

પૃથ્વીવિજય માટે,પોતાની ચતુરંગિણી સેના સાથે,નગર બહાર નીકળ્યા.(16-24)


પછી,તે પાંડુએ,પ્રથમ,અપરાઘી એવા દશાર્ણોને જીત્યા,ને તે બાદ,મગધ,મિથિલા,કાશી,પુન્ડ્ર આદિ દેશોને 

જીતીને, તેમને પોતાના વશમાં આણીને તેમને કુરુઓના કામમાં યોજ્યા.(25-31)

આ પ્રમાણે,પાંડુએ પૃથ્વીના સર્વ રાજાઓને જીતી લીધા,તે સર્વ રાજાઓ તેમને નમ્યા,ને પાંડુને,

ધન,રત્નો,મણિ,મોતી,પુષ્કળ સોનું,રૂપું,ગાયો,ઘોડાઓ,રથો,હાથીઓ આદિ ભેટ આપ્યા.કે જે સર્વ સ્વીકારીને,પોતાની પ્રસન્ન સેના સાથે,રાજ્યને આનંદ આપવા,હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યું.(32-36)


હસ્તિનાપુરના જનો,પાંડુને આવતા જોઈને હર્ષથી,ભીષ્મની આગેવાની હેઠળ તેમનું સામૈયું કરવા નીકળ્યા,

ને ત્યારે,પાંડુએ લાવેલી ભેટોને જોઈ જ રહ્યા,ને તે હાથી-ઘોડા આદિ,અંત રહિત ભેટોથી વીંટળાયેલા પાંડુને 

જોઈ જ રહ્યા.પાંડુએ,પિતારૂપ ભીષ્મના પગ પૂજ્યા ને નગરવાસીઓને યથાયોગ્ય સન્માન આપ્યું.

પાંડુની સિદ્ધિ જોઈને,ભીષ્મને આનંદના આંસુ આવ્યા,ને પછી સેંકડો શંખનાદોથી,સર્વ નગરજનોને હર્ષાવતાં 

તે સર્વે સેના ને નગરજનો સાથે,દિગ્વિજય કરી આવેલા પાંડુએ હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો.(37-46)

અધ્યાય-113-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE