Feb 23, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-103


 અધ્યાય-૧૧૧-કર્ણનો જન્મ 

II वैशंपायन उवाच II शूरो नाम यदुश्रेष्ठो वसुदेवपिताSभवत् I तस्य कन्या पृथा नाम रूपेणाप्रतिमाSभुपि II १ II

યદુઓમાં શ્રેષ્ઠ એવા શૂરસેન નામે વસુદેવના પિતા હતા.તેમને પૃથ્વીમાં અજોડ રૂપવાળી પૃથા નામે એક કન્યા હતી.તેણે પોતાના,સંતાનવિહીન ફોઈના છોકરા કુંતીભોજને પોતાનું પહેલું બાળક આપવાની અગાઉથી 

પ્રતિજ્ઞા કરી હતી,તેથી તે સત્યવાદી શૂરસેને પોતાની પહેલી કન્યા પૃથાને કુંતીભોજને આપેલી.(1-3)

કુંતીભોજને ત્યાં,તે કન્યા બ્રાહ્મણ અને અતિથિઓના પૂજનમાં રોકાયેલી રહેતી.એકવાર,દુર્વાસા મુનિ તરીકે પ્રખ્યાત,ઉગ્ર સ્વભાવના બ્રહ્માની તેણે સેવા કરી,તેમને સંતુષ્ટ કરેલા,કે જેથી તે ઋષિએ,ભાવિ આપદ ધર્મનો વિચાર કરીને,કુંતીને અભિચારયુક્ત મંત્ર આપ્યો,ને કહ્યું કે-'તું આ મંત્રથી જે જે દેવોનું આવાહન કરશે,તે તે દેવના પ્રસાદથી તને પુત્ર થશે' દુર્વાસાના ગયા પછી,એક વખત,કુતુહલયુક્ત થઈને,પોતે કુમારી કન્યા હોવા છતાં,સૂર્યદેવનું તે મંત્રથી આરાધન કર્યું,કે તરત સૂર્યદેવ,તેની પાસે આવ્યા ને બોલ્યા કે-'હે શ્યામ કટાક્ષવાળી,હું તારું શું પ્રિય કરું?'(4-10)


કુંતી બોલી-'હે શત્રુનાશન,દુર્વાસાએ આપેલ મંત્રનું પારખું કરવા જ મેં કુતુહલતાથી તમારું આવાહન કર્યું હતું,

આ અપરાધ માટે હું શિર ઢાળીને માફી માંગુ છું,તો આપ મને માફી ને રક્ષણ આપવાને યોગ્ય જ છો,

કેમ કે સ્ત્રીઓ અપરાધી હોય તો પણ,હંમેશાં રક્ષણને યોગ્ય હોય છો.તો આપ કૃપા કરો.(11-12)

સૂર્ય બોલ્યા-દુર્વાસાએ વરદાન આપ્યું છે તે હું જાણું છું,તું ભય છોડી દે,ને મારો સંગ કર,હે શુભા,મારું દર્શન વિફળ ન જાય,ને તારો બોલાવ્યો હું આવ્યો છું,તો મને નિષ્ફળ બોલાવવા બદલ તને દોષ લાગશે,તેમાં સંશય નથી 


વૈશંપાયન બોલ્યા-સૂર્યદેવે આમ કહ્યું,તેમ છતાં,સંસારના ભય ને સંકોચને લીધે,કુંતીએ સૂર્યનો સંગ ઈચ્છ્યો નહિ.

ત્યારે સૂર્યે કહ્યું કે-'મારા પ્રસાદથી,તારા કૌમાર્યને દોષ લાગશે નહિ' ને એમ કહી સૂર્યે તેની સાથે સમાગમ કર્યો.

ને ત્યારે,કુંતીને કવચ ને કુંડળ ધારી,અનુપમ પ્રકાશવાળો,આ લોકમાં પ્રસિદ્ધ કર્ણ નામે પુત્ર થયો.

પછી,સૂર્યે,કુંતીને ફરીથી કન્યાપણું આપ્યું,ને પોતે પાછા અંતરીક્ષમાં ચાલ્યા ગયા.(13-20)


કુમારને જોઈને,તે વૃષ્ણીવંશી કન્યા કુંતી,દીન મનવાળી થઇ,ને સંસારના ભયથી ને પોતાનો અનાચાર છુપાવવાં માટે તે,બાળકને પાણીમાં વહાવી દીધો.પાણીમાં વહી રહેલા તે બાળકને,(રાધાના પતિ)સારથી અધિરથે લઇ લીધો,ને તે પતિ-પત્નીએ તે બાળકને પોતાનો પુત્ર કરીને રાખ્યો.ને તે બાળકનું નામકરણ કર્યું કે-

આ બાળક વસુ (કુંડળ-આદિ ધન)સાથે જન્મ્યો છે તેથી તે 'વસુષેણ' (કર્ણ) તરીકે ઓળખાશે.(21-24)


વયમાં વધતાં,તે કુમાર સર્વ અસ્ત્રોમાં નિપુણ થયો.તે કુમાર,મધ્યાહન સુધી સૂર્યને ઉપાસતો રહેતો,ને તે જાપ જપતો હોય,ત્યારે તે દાનવીર,આ ભૂતળમાં બ્રાહ્મણોને,તે જે માગે તેનું તે દાન કરતો હતો.એક વાર અર્જુનના હિતમાં રહેલ,ઇન્દ્ર,બ્રાહ્મણ બનીને ભિક્ષાર્થે આવીને તેનું કવચ માગ્યું,ત્યારે તે કવચને,દાનવીર કર્ણે,પોતાના શરીર પરથી.ઉતરડી નાખીને તે ઇન્દ્રને આપ્યું હતું.દેવરાજ ઇન્દ્રે પ્રસન્ન થઈને તેને એક શક્તિ આપી કહ્યું હતું કે-

;દેવો,અસુરો,મનુષ્યો,ગંધર્વો,રાક્ષસો-આદિમાં તું જેને જીતવા ઈચ્છે-તે આ શક્તિથી મરી જશે'

આ કર્મને લીધે તે વસુષેણ,કર્ણ (ને વૈકતન) તરીકે પ્રસિદ્ધ થયો (25-31)

અધ્યાય-111-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE