અધ્યાય-૧૧૦-ધૃતરાષ્ટ્રનાં ગાંધારી સાથે લગ્ન
II भीष्म उवाच II गुणैः समुदितं सभ्यगिदं नः प्रथितं कुलं I अत्यन्यान्प्रुथिवीपालान् पृथिव्यामधिराज्यभाक्II १ II
ભીષ્મ બોલ્યા-આપણું આ પ્રસિદ્ધ કુળ,સારી રીતે ગુણોથી પ્રકાશી રહ્યું છે,અને બીજા પૃથ્વીપાલો કરતાં,તે પૃથ્વીમાં અધિરાજય ભોગવે છે.આપણા આ કુળને પૂર્વે,ધર્મજ્ઞ રાજાઓએ રક્ષ્યુ છે અને આ લોકમાં કદી પણ ઉચ્છેદ પામ્યું નથી.મેં,સત્યવતી ને મહાત્મા વ્યાસે,કુળના તંતુઓરૂપ એવા તમારામાં તેને ફરીવાર સંસ્થાપિત
કર્યું છે.આથી,મારે તેમ જ તમારે નિઃસંશય એવું કરવું જોઈએ કે જેથી આ કુળ વિશાલ વૃદ્ધિ પામે.
યદુવંશી કન્યા,સુબલની પુત્રી તથા મદ્રરાજની દીકરી-એ ત્રણ આપણા કુળને યોગ્ય કન્યાઓ વિષે મેં સાંભળ્યું છે.
તે કન્યાઓ,કુલવતી ને રૂપવતી છે,ને તેથી આપણા સંબંધને માટે યોગ્ય છે,માટે હું માનું છું કે,
આ કુળના સંતતિ વિસ્તારને માટે તે કન્યાઓના માગાં કરવાં,હે વિદુર,તું શું માને છે?(1-7)
વિદુર બોલ્યા-આપ જ અમારા પિતા,માતા,ને પરમગુરુ છો,તો આપને જે હિતકારી હોય તે કરો.
વૈશંપાયન બોલ્યા-તે પછી,જયારે,ભીષ્મે,ગાંધારરાજ સુબલની પુત્રી ગાંધારી વિષે સાંભળ્યું કે-તેણે,ભગવાન શંકરની આરાધના કરીને,'હું સો પુત્રો પામું' એવું વરદાન મેળવ્યું છે,ત્યારે તેમણે દૂતને ગાંધારરાજ સુબલ પાસે મોકલ્યો.
ધૃતરાષ્ટ્ર આંધળો છે-એ વાતથી પ્રથમ તો સુબલ વિચારમાં પડી ગયો,પણ પછી,કુલ,ખ્યાતિ અને ચરિત્ર-આદિનો વિચાર કરીને તેણે પોતાની પુત્રી ગાંધારીને ધૃતરાષ્ટ્રને આપવાનો નિર્ણય કર્યો.(8-12)
પછી,ગાંધારીએ જયારે,સાંભળ્યું કે ધૃતરાષ્ટ્ર અંધ છે ને પિતાએ,પોતાને તેને આપવાનું નક્કી કર્યું છે,ત્યારે,તનને એક વસ્ત્ર લીધું ને અનેક ગડીઓ કરીને,પોતાની બંને આંખે પાટો બાંધીને નિશ્ચય કર્યો કે-પતિની ઈર્ષા કરવી નહિ.
ત્યાર બાદ ગાંધારરાજનો પુત્ર શકુનિ,પોતાની બહેનને લઈને કૌરવો પાસે આવ્યો,ને તેને ધૃતરાષ્ટ્રને અર્પી.
ભીષ્મની સંમતિથી તેમનો વિવાહ થયો.હવે,ગાંધારી,પોતાનાં શીલ,આચાર અને કાર્યોથી સર્વ કુરુઓને સંતોષ આપવા લાગી,પતિવ્રતા ને સદાચારવાળી તે ગાંધારી સર્વ વડીલોને માન આપતી હતી (13-20)
અધ્યાય-110-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE