અધ્યાય-૧૦૯-પાંડુનો રાજ્યાભિષેક
II वैशंपायन उवाच II तेपु त्रिपु कुमारेषु जातेषु कुरुजांगलं I कुरुवोSथ कुरुक्षेत्रं त्रयवेत दवर्धत II १ II
તે ત્રણ કુમારો (ધૃતરાષ્ટ્ર-પાંડુ-વિદુર) જન્મતાં,કુરુઓ અને કુરુજાંગાલ તથા કુરુક્ષેત્ર-એ ત્રણે ઉન્નતિને પામ્યાં.
ભૂમિ ધાન્યવાળી ને ધાન્ય રસવાળાં થયાં.ઋતુએ વરસાદ વરસવા લાગ્યો,વૃક્ષો ફૂલ-ફળ ને રસ વાળા થયાં.
પશુ-પંખીઓ આનંદિત થયાં,વણિકો ને શિલ્પીઓથી નગરો ભરાઈ ગયાં.શૂરવીર,વિદ્વાનો અને સંતો સુખસંપન્ન થયા,
ત્યારે કોઈ ચોરી થતી નહોતી,અધર્મ થતો નહોતો,ને રાજ્યના સર્વ પ્રદેશોમાં સતયુગ વર્તતો હતો.(1-5)
ધર્મશીલ,યજ્ઞશીલ પ્રજા વૃદ્ધિ પામી રહી હતી,નગરો,ઈંદ્રરાજની નગરીના જેવા શોભતાં હતા,ને મનુષ્યો આનંદિત થઈને,નદી,વન,પર્વતો,ઉપવાનોમાં વિહાર કરતા હતા.કુરુઓએ સમૃદ્ધ કરેલા રમણીય પ્રદેશમાં કોઈ,ગરીબ નહોતું,કોઈ સ્ત્રી વૈધવ્યને પ્રાપ્ત થતી નહોતી,સદા ઉત્સવો થતા હતા,ને દેશ ભીષ્મથી રક્ષિત હતો.
ઘણા લોકો,પોતાના મુલકો છોડીને નગરમાં આવી વસ્યા હતા.રાષ્ટ્રમાં ભીષ્મે યોજેલું ધર્મચક્ર ચાલી રહ્યું હતું.
ભીષ્મે,ત્રણે કુમારોના,જાતકર્માદિ સંસ્કારો કર્યા,ને તે સર્વનું પોતાના પુત્રોની જેમ પાલન કર્યું.
સંસ્કાર પામેલા,ને વ્રત અધ્યયનથી યુક્ત થયેલા,ને શ્રમ-વ્યાયામમાં કુશળ તે બાળકો યુવાનીમાં આવ્યા.
ને હવે તેઓ,વેદ,ધનુર્વેદ,ગદાયુદ્ધ,તલવારબાજી,ગજવિદ્યા ને નીતિશાસ્ત્રમાં પારંગત બન્યા.
પરાક્રમી પાંડુ,ધનુર્વિદ્યામાં સર્વથી અધિક થયો હતો,તો ધૃતરાષ્ટ્ર સર્વથી બળવાન હતો,
ને વિદુર,નિત્ય ધર્મપરાયણ,ને ધર્મમાં પરમ તત્વજ્ઞ હતો.(6-22)
આમ,શાંતનુના નાશ પામેલા વંશને ફરીથી પાંગરેલો જોઈને,રાજ્યના લોકોમાં પ્રશંસા થવા લાગી કે-
વીરજાંણીઓમાં કાશીરાજની પુત્રીઓ શ્રેષ્ઠ છે,દેશોમાં કુરુજાંગાલ શ્રેષ્ઠ છે,ધર્મવેત્તાઓમાં ભીષ્મ શ્રેષ્ઠ છે,
અને નગરોમાં હસ્તિનાપુર શ્રેષ્ઠ છે.હવે,અંધાપાને લીધે ધૃતરાષ્ટ્રને અને દાસીપુત્ર હોવાને લીધે વિદુરને રાજ્યગાદી મળી શકે તેમ નહોતી તેથી પાંડુ રાજા થયો.એક વાર નીતિમાનોમાં શ્રેષ્ઠ એવા,ગંગાનંદન ભીષ્મ,
ધર્મમાં તત્વવેત્તા વિદુરને કહેવા લાગ્યા કે-(23-26)
અધ્યાય-109-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE