અધ્યાય-૧૦૫-વ્યાસથી વંશવૃદ્ધિ
II भीष्म उवाच II पुनर्भरतवंशस्य हेतुं संतानवृद्धये I वक्ष्यामि नियतं मातस्तन्मे निगदतः शृणु II १ II
ભીષ્મ બોલ્યા-હે માતા,ભરતવંશની સંતાનવૃદ્ધિ માટે,હું ફરીથી નિશ્ચિત હેતુ કહું છું,તે સાંભળો.કોઈ
ગુણવાન બ્રાહ્મણને ધન આપીને નિમંત્રો,કે જે વિચિત્રવીર્યની પત્નીઓમાં પ્રજોત્પત્તિ કરશે.(1-2)
વૈશંપાયન બોલ્યા-પછી,હસતી હોય,તેમ લજ્જાયુક્ત થઈને,વાણીને ગોઠવી ગોઠવી સત્યવતી બોલી કે-
હે પુત્ર,તું કહે છે તે સાચું જ છે,તારામાં હું વિશ્વાસ રાખું છું કારણકે આપણા કુળમાં,તું જ ધર્મ ને સત્ય છે.
પણ હવે મારુ એક સત્યવચન તને કહું છું,તે સાંભળીને તું તને યોગ્ય લાગે તેમ કર,
મારી યુવાનીમાં,મારા પિતાના ધર્મકાર્ય મુજબ,હોડી ફેરવતી હતી.તે વખતે પરાશર મુનિ,નદી પર કરવાને મારી હોડીમાં આવ્યા હતા,ત્યારે મારી યુવાનીથી કામ પીડિત થઈને મને મારા જન્મ ને કુળ વિષે પૂછવા લાગ્યા.
ત્યારે મેં તેમને કહ્યું કે 'હું માછીપુત્રી છું.' તેમણે મારા સંગની યાચના કરી.ત્યારે મેં મારા દેહમાં આવતી દુર્ગંધ દૂર કરવાની યાચના કરી ને કહ્યું કે-'દિવસના સમયે,સર્વના દેખતાં,આપણો સંગ શક્ય નથી'
ત્યારે તેમણે વર આપી મને વિવશ કરી દીધી,ને પહેલાં,મારા શરીરની જે માછલાં જેવી દુર્ગંધ હતી તેને
દૂર કરી સુવાસ આપી,ને પોતાની શક્તિથી ત્યાં ધુમ્મસ સર્જ્યું,ને અમારો સંગ થયો.
પછી,તેમણે કહ્યું કે-'મારો ગર્ભ આ નદીના દ્વીપમાં છોડી દઈને તું ફરીથી (કુંવારી) કન્યા જ થશે'
આમ,પૂર્વે,મને કન્યાવસ્થામાં,પરાશરથી થયેલો પુત્ર દ્વૈપાયન (વ્યાસ) તરીકે પ્રસિદ્ધ થયેલો છે.(4-13)
દ્વૈપાયને પોતાના તપથી વેદોના વ્યાસ (વિભાગ) કર્યા,તેથી તે આ લોકમાં વ્યાસ તરીકે ઓળખાય છે.
વળી,તેનો વર્ણ કૃષ્ણ હોવાથી કૃષ્ણ તરીકે પણ ઓળખાય છે.તે મારો પુત્ર,જન્મતાં જ પિતા સાથે ચાલી ગયો હતો,
તેણે,મને કહ્યું હતું કે-આપત્તિમાં મારુ સ્મરણ કરશો કે હું તરત જ હાજર થઈશ.તેથી જો,તે (મારા પુત્ર) વ્યાસને
હું આજ્ઞા આપીશ,ને તું સંમતિ આપીશ,તો તે તારા ભાઈઓની સ્ત્રીઓમાં પુત્ર ઉત્પન્ન કરશે.
ત્યારે,આ ધર્મમય કામ માટે ભીષ્મે તરત જ સંમતિ આપી (16-23)
વૈશંપાયન બોલ્યા-પછી,સત્યવતીએ મુનિ કૃષ્ણદ્વૈપાયન (વ્યાસ)નું સ્મરણ કર્યું,ત્યારે વ્યાસ ત્યાં તરત જ પ્રગટ થયા.
પુત્રનો વિધિપૂર્વક સત્કાર કરી,માતા સત્યવતી તેને બે હાથથી ભેટીને,સ્તનનાં દૂધથી તેનો અભિષેક કર્યો,
વળી,લાંબા સમયે પુત્રને જોઈને તે આંસુ સર્વ લાગી,એટલે મહર્ષિ વ્યાસે દુઃખિત માતાને પાણી છાંટ્યું ને નમસ્કાર કરીને,કહ્યું કે-'હે ધર્મતત્વને જાણનારી માતા,હું તારું ઈચ્છીત કરવા આવ્યો છું,તારું હું શું પ્રિય કરું?આજ્ઞા આપ'
ત્યારે,સત્યવતી બોલી-'હે કવિ,જે પુત્રો જન્મે છે,તે માતાપિતા, બંનેના માટે સમાન જ છે,જેમ,પિતા તેમના
સ્વામી છે,તેમ,માતા પણ તેમની સ્વામી જ છે એ વિષે શંકા નથી.હે બ્રહ્મર્ષિ,તું જે દૈવી વિધાનથી થયેલો મારો
પ્રથમ પુત્ર છે,તેમ,વિચિત્રવીર્ય મારો બીજો પુત્ર હતો,પિતાની બાજુએથી,જેમ ભીષ્મ,વિચિત્રવીર્યનો ભાઈ છે,
તેમ,માતાની બાજુએથી તું પણ તેનો ભાઈ છે.પછી તો,તમે જેમ સમજો તે ખરું.(24-34)
આ સત્ય-પરાક્રમી,ભીષ્મ,પોતાનું સત્ય પાળવાને માટે,પ્રજોત્પત્તિ ને રાજ્યશાસન માટે વિચાર કરતા નથી,
તો હે નિષ્પાપ,મારી આજ્ઞાથી,કુલની સંતાનવૃદ્ધિ માટે,હું જે સરળ ભાવે કહું છું તે સાંભળી,તારે તેમ કરવું ઘટે છે.
હે પુત્ર,તારા નાના ભાઈઓની બે રૂપવતી ને યૌવનવતી,પત્નીઓ ધર્માનુસાર પુત્રની કામનાવાળી છે,
તો સંતતિ પરંપરાને માટે,આ કુળને યોગ્ય એવી પ્રજોત્પત્તિ,તું કર. (35-39)
વ્યાસ બોલ્યા-હે માતા,તમે આલોક અને પરલોકના ધર્મોને જાણો છો,ને હું પણ સનાતન ધર્મને જાણું છું,,તેથી,
તમારું ઈચ્છેલું,આ ધર્મકાર્ય,તમારી આજ્ઞાને લીધે હું કરીશ,ને મારા ભાઈઓને મિત્ર ને વરુણ જેવા પુત્રો આપીશ.
પણ,હું જે વ્રત બતાવું છું,તે બંને દેવીઓ એક વર્ષ સુધી આચરીને શુદ્ધ થાય,તો જ તે મારી પાસે આવી શકશે.
સત્યવતી બોલી-હે પુત્ર,એક વર્ષની રાહ જોયા વગર,રાણીઓ શીઘ્ર ગર્ભ ધારણ કરે,તેમ તમારે કરવું ઘટે છે,
કારણકે રાજા વિનાનાં રાજ્યઓમાં અનાથ થયેલી પ્રજા નાશ પામે છે,સર્વ ક્રિયાઓ નષ્ટ થાય છે,વૃષ્ટિ થતી નથી,
ને દેવો ત્યાં રહેતા નથી,માટે તું હમણાં જ ગર્ભાધાન કર,ભીષ્મ તેનું સંવર્ધન કરશે,(40-45)
વ્યાસ બોલ્યા-'જો મારે ભાઈઓના ક્ષેત્રમાં અકાળે જ પુત્ર આપવાનો છે,તો તેમણે મારી અરૂપતા સહન કરવી પડશે,ને આ જ તેમને માટે પરમ વ્રત છે,કૌશલ્યા,જો મારાં ગંધ,રૂપ,વેશ અને શરીરને સહન કરી શકે તો ભલે આજે જ તે ગર્ભને ધારણ કરે.શુભ વસ્ત્રો અને અલંકારો ધારણ કરીને,તે કૌશલ્યા (અંબિકા) શયનગૃહમાં મારા સમાગમની આકાંક્ષા રાખે' આમ કહી વ્યાસમુનિ ત્યાંથી અંતર્ધાન થયા.
વૈશંપાયન બોલ્યા-પછી,તે સત્યવતી,એકાંતમાં રહેલી પુત્રવધુ કૌશલ્યા (અંબિકા)પાસે જઈને કહેવા લાગી કે-
'હે કૌશલ્યા,હું ધર્મસંમત જે વાત કહું છું તે સાંભળ,મારુ ભાગ્ય ફૂટવાથી,ભારતવંશનો સમૂળગો ઉચ્છેદ થવા
બેઠો છે,મને વ્યથા પામેલ જોઈને ભીષ્મે કુળની વૃદ્ધિ માટે મને આ વિચાર આપ્યો છે,તે વિચારની
સિદ્ધિ તારા હાથમાં છે,તો તે તું મને પ્રાપ્ત કરાવ,ને ભરતવંશનો ફરી ઉદ્ધાર કર.(મુનિ વ્યાસથી)
તું તેજસ્વી પુત્રને જન્મ આપ કે જે સુની પડેલી આ રાજ્યધૂરાને જરૂર વહન કરશે'
આમ તે સત્યવતીએ,તે ધર્મચારીણી કૌશલ્યાને,મહાપ્રયત્ને કેમે કરીને સમજાવી.
ને પછી તેણે,વિપ્રો,દેવો ઋષિઓ તેમ જ અતિથિઓને ભોજન કરાવીને મંગલકાર્ય કર્યું (46-55)
અધ્યાય-105-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE