અધ્યાય-૧૦૪-ભીષ્મએ કહેલી દીર્ઘતમાની કથા
(કોઈ કોઈ આવૃત્તિઓમાં આ ઉપ-આખ્યાન આપણું નથી,આ અધ્યાય આ આવૃત્તિમાં વધારાનો મુકેલ છે)
II भीष्म उवाच II जामदग्नेय रामेण पित्रुर्वधममृप्यता I राजा परशुना पूर्व हैहयाधिपतिर्हतः II १ II
ભીષ્મ બોલ્યા-પૂર્વે,પિતાના થયેલા વધને સાંખી ન શકવાથી,જમદગ્નિના પુત્ર પરશુરામે,હૈહયોના અધિપતિ
રાજા(સહસ્ત્રાર્જુન)ને પરશુથી હણી નાખ્યો હતો.તે સહસ્ત્રાર્જુનના હજાર હાથ કાપી નાખી,તેમણે,
આ લોકમાં અતિ દુષ્કર ધર્મ આચર્યો હતો.વળી,તેમણે ધનુષ્ય હાથમાં લઇ,રથમાં બેસી,
મહા અસ્ત્રો છોડીને,પૃત્વીને જીતતાં,ક્ષત્રિયોનો એકવીશ વાર નાશ કર્યો હતો.
ત્યારે ક્ષત્રિયાણીઓ એકઠી થઈને,વંશને વધારવા,વેદ પારંગત બ્રાહ્મણોનો સંગ કરીને સંતાનો
જનમાવ્યાં હતાં.વેદમાં નિર્ણય છે કે-પુત્ર (જેની સાથે લગ્ન કરેલું હોય તે) પતિનો જ ગણાય(1-6)
મનમાં વિષયાભિલાષથી નહિ,પણ ધર્મભાવના રાખીને,વંશવૃદ્ધિ માટે,તે ક્ષત્રિયાણીઓએ,બ્રાહ્મણો સાથે સંગ
કર્યો હતો,ને એ પછી,ક્ષત્રિયોની સારી રીતે વૃદ્ધિ થઇ હતી.ક્ષત્રિયોની આવી પુનરુત્પત્તિ અગાઉ પણ થયેલી હતી.
આ સ્થાને હું એક પુરાતન ઇતિહાસ તમને કહીશ,તે તમે સાંભળો (7-8)
પૂર્વે,ઉતથ્ય નામે એક પ્રસિદ્ધ ઋષિ હતા,ને તેમને મમતા નામે પત્ની હતી.ઉતથ્યના નાના ભાઈ બૃહસ્પતિ,
કે જેઓ દેવોના પુરોહિત હતા,તેઓ એક વાર કામવૃત્તિથી મમતા પાસે ગયા.ત્યારે વાકચતુર એવા,તે દિયરને,
મમતાએ કહ્યું કે-'તમારા મોટાભાઈ(ને મારા પતિ ઉતથ્ય)થી હું ગર્ભવતી છું,તમે પણ સફળ વીર્યવાળા છો,પણ,અહીં,બે ગર્ભનો સમાસ થાય એમ નથી,માટે તમારે શાંત રહેવું જોઈએ'
મમતાના આમ કહેવા છતાં,પ્રૌઢ બુદ્ધિવાળા,બૃહસ્પતિ,પોતાના કામવશ મનને વશ કરી શક્યા નહિ,
અને કે કામી બૃહસ્પતિએ કામના વિનાની તે મમતા સાથે સાથે સંગ કર્યો.(9-14)
તે વીર્ય સેચન કરવા લાગ્યા ત્યારે મમતાના ગર્ભમાં રહેલ બાળકે કહ્યું-'હે તાત,તમે કામવશ ન થાઓ,અહીં બે માટે સમાસનો સંભવ જ નથી,અને હું પહેલાંનો આવ્યો છું.તમે અમોઘ વીર્યવાળા મને પીડા કરો તે યોગ્ય નથી'
ગર્ભમાંના તે બાલાનું વચન બૃહસ્પતિએ ગણકાર્યું નહિ.વીર્યનો ઉત્સર્ગ થતો જાણીને,મમતાના ગર્ભમાં રહેલ બાળકે,વીર્યના માર્ગને બે પગથી રોકી લીધો,કે જેથી તે વીર્ય પાછું ઠેલાઈને જમીન પર પડ્યું.
તે વીર્યને આમ પડેલું જોઈને બૃહસ્પતિએ રોષમાં આવીને,તે ઉતથ્ય પુત્રને શાપ આપ્યો કે-'પ્રાણીમાત્રના
ઇચ્છવા યોગ્ય સમયમાં તે મને આવાં વચન કહીને જે કૃત્ય કર્યું છે તેથી તું અંધકારમાં પ્રવેશશે'
આમ બૃહસ્પતિના શાપથી,તે બાળક અંધ જન્મ્યો ને દીર્ઘતમા ઋષિ તરીકે પ્રસિદ્ધ થયો,પોતાની વિદ્વતાને બળે,
તે પ્રદ્વેષી નામે બ્રાહ્મણી સાથે પરણ્યો હતો,કે જેમાં તેને ગૌતમ-આદિ પાંચ પુત્રોને ઉત્પન્ન કર્યા હતા.
વેદોમાં પારંગત તે દીર્ઘતમા મુનિ,સુરભીના પુત્ર પાસેથી પ્રકાશ-મૈથુન શીખ્યા હતા,ને સંશયરહિત તેને આચરવા લાગ્યા ત્યારે આશ્રમમાં રહેલા બીજા મુનિઓ તેમને મર્યાદભ્રષ્ટ થયેલા જોઈને એકબીજાને કહેવા લાગ્યા કે-
'આ મર્યાદાને લોપનાર આશ્રમમાં રહેવાને યોગ્ય નથી,તેથી આપણે એ પાપીને ત્યજી દઈએ'
પુત્રલાભ પામેલી પત્ની પ્રદ્વેષી પણ,દ્વેષથી તે મુનિ દીર્ઘતમાને સંતોષ આપતી નહોતી (15-29)
દ્વેષ કરતી તે પત્નીને,ઋષિએ પૂછ્યું કે-તું કેમ મારો દ્વેષ કરે છે?' ત્યારે પ્રદ્વેષીએ કહ્યું કે-ભાર્યાનું ભારણ કરવાથી પુરુષ ભર્તા કહેવાય છે ને તેનું પાલન કરવાતી તે પતિ કહેવાય છે.જન્માંધ ને પુત્રવાળા એવા તમારું,શ્રમપૂર્વક
નિત્ય ભરણપોષણ કરતાં,હવે હું થાકી છું,એટલે હવે તમારું ભરણપોષણ હું કરીશ નહિ.
પત્નીનાં આવાં વચન સાંભળી ઋષિ ક્રોધાયમાન થયા,ને પત્ની તથા પુત્રોને કહેવા લાગ્યા કે-
'મને કોઈ રાજકુળમાં લઇ જાઓ,ત્યાં તમને ધનવૈભવ મળશે'
પ્રદ્વેષી બોલી-તમારું આપેલું ધન દુઃખના કારણરૂપ છે,હું તે ઇચ્છતી નથી,તમે ગમે તે કરો,પણ હું હવે પહેલાની જેમ તમારું ભરણપોષણ કરી શકીશ નહિ' દીર્ઘતમા બોલ્યા-'આજથી હું આ લોકમાં મર્યાદા સ્થાપું છું કે-નારીને જીવનભર એક જ પતિનું શરણ રહે,મરતાં કે જીવતાં તે બીજા પુરુષને પામે જ નહિ.બીજો પુરુષ કરનાર
નારી પતન પામશે,ને પતિ હોવા છતાં,એકલી રહેનારી સ્ત્રીઓને પાપ લાગશે.તેમની પાસે પ્રચુર ધન હશે,
તો પણ તે વ્યર્થ થશે,ને તે નિંદાપાત્ર થઈને તેની અપકીર્તિ થશે.' પતિનાં આવાં વચન સાંભળીને
પત્નીને અત્યંત કોપ થયો,ને તેણે પુત્રોને કહ્યું કે['આને ગંગામાં નાખી આવો'
પછી,લોભ ને મોહથી ઘેરાયેલા,તેમના ગૌતમ-આદિ પુત્રોએ દીર્ઘતમાને તરાપ સાથે બાંધ્યો ને ગંગામાં ફેંકી દીધો.
તે અંધ બ્રાહ્મણ,ગંગાના વહેણમાં તણાતાં,ઘણા દેશ ઓળંગી ગયો,તેવામાં ધર્મજ્ઞ બલિરાજ ત્યાં સ્નાન માટે આવ્યો,ત્યારે તેણે ગંગામાં તણાતા દીર્ઘતમાને જોયો,એટલે તેને પકડીને બહાર કાઢ્યો.તેનું વૃતાંત જાણીને,
તે બલિરાજાએ ઋષિને પ્રાર્થના કરતાં કહ્યું કે-હે મહાભાગ,તમે મારા વંશની વૃદ્ધિ માટે મારી પત્નીમાં,
ધર્મ અને અર્થમાં કુશળ એવા પુત્રો પેદા કરવાને યોગ્ય છો.' ઋષિ કહ્યું કે 'તથાસ્તુ'
તે પછી,રાજાએ,પોતાની પત્ની સુદેષ્ણાને તેની પાસે મોકલી,પણ તે ઋષિને અંધ જાણીને સુદેષ્ણાએ પોતાની એક દાસીને ઋષિ પાસે મોકલી.તે દાસીમાં,કાક્ષીવાન-આદિ અગિયાર પુત્રો પેદા કર્યા.રાજાને જયારે,આ વાતની ખબર પડી ત્યારે,તેણે ફરીવાર સુદેષ્ણાને સમજાવી,ઋષિ પાસે મોકલી.દીર્ઘતમાએ તે દેવીનાં અંગોને સ્પર્શ કરીને કહ્યું કે-
'તને તેજસ્વી એવા અંગ-વંગ-કલિંગ-અને સુદ્યમ નામના પુત્રો થશે કે જેમના નામથી,તેમના દેશો પ્રસિદ્ધ થશે.
આ રીતે મહર્ષીથી જન્મેલો રાજા બલિનો વંશ પ્રસિદ્ધ છે.ભીષ્મ કહે છે કે-'હે માતા,આ જ પ્રમાણે મહાબળવાન અનેક ક્ષત્રિયો,આ પૃથ્વીમાં બ્રાહ્મણોથી જન્મ્યા હતા, માટે તમારી ઈચ્છા પ્રમાણે કરો' (30-56)
અધ્યાય-104-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE