Feb 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-094


શાંતનુ બોલ્યો-હે દાશરાજ,તમે જે વરદાન માગવા ઈચ્છો છો,તે સાંભળીને હું વિચાર કરીશ,ને પછી જે તો 

આપવા યોગ્ય હશે તો આપીશ ને જો આપવા જેવો નહિ હોય તો કોઈ પણ રીતે આપીશ નહિ.

દાશ બોલ્યો-હે પૃથ્વીપતિ,આ કન્યામાં જે પુત્ર જન્મે,તેનો તમારા પછી રાજા તરીકે અભિષેક કરવો.

બીજા કોઈનો નહિ,એવી મારી શરત છે,તો એવો વર મને આપો 

વૈશમ્પાયન બોલ્યા-શાન્તનું કામથી બળતો હતો,છતાં તેણે,દાશને તે વરદાન આપવું ઇચ્છયું નહિ.

પછી,કામથી હતચિત્ત થયેલો તે રાજા દાશકન્યાનો વિચાર કરતો પાછો હસ્તિનાપુરમાં આવ્યો.

એકવાર,પુત્ર દેવવ્રત શોક કરતા અને વિચારમાં પડેલા પિતા પાસે આવ્યો,ને તેણે શોકનું કારણ પૂછ્યું.

ત્યારે રાજા બોલ્યો કે-હે પુત્ર,આપણા મહાન વંશમાં તું એક જ સંતાન છે.હું માનવલોકની અનિત્યતાંનો વિચાર કરું છું,કે નથી ને ક્યારેય વિપત્તિ આવી પડે (ને તું ના હોય) તો આપણું કુળ ન રહે.જો કે એ તો ચોક્કસ છે કે-તું એક જ સો પુત્રો કરતાં ચડિયાતો છે,ને  હું ફરીથી મિથ્યા લગ્ન કરવા ઈચ્છતો નથી,છતાં સંતતિની અતૂટતા ઈચ્છું છું.

તારું મંગલ હો,પણ જેને એક જ પુત્ર છે તે અપુત્ર જ છે એમ ધર્મવાદીઓ કહે છે.(55-66)


હે પુત્ર,શિષ્ય પરંપરા-આદિ સર્વ પુત્રની કળાના સોળમા ભાગને પણ યોગ્ય નથી.સંતાન (પુત્ર) જ શ્રેયસાધન છે,

ને આ લોક પુત્રથી જ જીતી શકાય છે-એમ શ્રુતિ કહે છે.હે પુત્ર,તું શૂરવીર ને શસ્ત્રપરાયણ છે,છતાં,યુદ્ધમાં 

કદાચ તારું મૃત્યુ થાય તો અમારું શું થશે? એ સંશયે મને ઘેરી લીધો છે,ને એ જ મારા દુઃખનું કારણ છે.(67-71)


પછ,તે રાજાના દુઃખનું કારણ જાણીને,બુદ્ધિમાન દેવવ્રત પોતાની બુદ્ધિથી વિચારવા લાગ્યો,ને પછી,તે પિતાના હિતને ઇચ્છનાર,વૃદ્ધ પ્રધાન પાસે ગયો,ને તેમને રાજાના શોકનું કારણ પૂછ્યું.ત્યારે તે પ્રધાને,દાશકન્યા સંબંધી સઘળી વાત કહી.તે સાંભળતાં જ,પ્રધાનને લઈને દાશરાજ પાસે ગયો ને પોતે જ પિતા માટે કન્યાની માંગણી કરી.

ત્યારે દાશરાજે,જે શાંતનુ રાજાને કહી હતી તે શરતની વાત કરી.ત્યારે દેવવ્રતે,સર્વના સાંભળતાં,ઉત્તર આપ્યો કે-

'તમે મારી આ સત્યપ્રતિજ્ઞાને સ્વીકારો,આવું બોલવાની હામ ધરે,એવો કોઈ થયો નથી ને થવાનો નથી,

તમે જેમ,કહો છો,તે જ પ્રમાણે હું કરીશ,ને આ કન્યામાં જે પુત્ર થશે તે જ અમારો રાજા થશે'


ત્યારે દાશરાજે કહ્યું કે-હે ધર્મપરાયણ,તમે જે પ્રતિજ્ઞા લીધી છે,તે અન્યથા નહિ જ થાય,ને એ વિષે મને જરા 

પણ શંકા નથી,પણ,તમને જે પુત્ર થાય ને તે રાજગાદીનો વારસ બને તેનો મને હજુ સંશય રહે છે.

ત્યારે પિતાનું પ્રિય ઇચ્છવાવાળા,દેવવ્રત (ગાંગેય) બોલ્યા કે-'હે દાશરાજ,સર્વના સાંભળતાં હું તમને 

કહું છું કે-રાજ્ય તો મેં પહેલા જ ત્યજી દીધું છે,ને સંતાનની બાબતમાં તમને,વચન આપીને પ્રતિજ્ઞા કરું છું કે-

આજથી માંડીને મારુ બ્રહ્મચર્ય અખંડ રહેશે,ને અપુત્ર રહેવા છતાં,મને અક્ષયલોક (સ્વર્ગ) સાંપડશે (72-96)


ત્યારે દાશરાજે કહ્યું કે-'તો હું આ કન્યા અર્પણ કરું છું' ત્યારે ઋષિઓ,દેવો ને અપ્સરાઓએ અંતરિક્ષમાંથી 

પુષ્પોની વૃષ્ટિ કરી અને કહ્યું કે-'આ ભીષ્મ છે,તેમની પ્રતિજ્ઞા (ભીષ્મ-પ્રતિજ્ઞા) ને ધન્ય છે'

પછી દેવવ્રતે,સત્યવતીને કહ્યું કે-'હે માતા,આ રથમાં બેસો,આપણે ઘેર જઈએ'


હસ્તિનાપુર પાછા આવીને,સભામાં બેઠેલા સર્વ રાજાઓ સમક્ષ,શાંતનુ સમક્ષ સર્વ વાત કહેવામાં 

આવી ત્યારે,સર્વ રાજાઓએ પણ કહ્યું કે 'આ ભીષ્મ છે' ને શાંતનુ સહિત સર્વે જનો સંતુષ્ટ થયા,

ને ત્યારે શાંતનુએ,ભીષ્મ નામે બનેલા પુત્ર દેવવ્રતને ઈચ્છામૃત્યુનું વરદાન આપતાં કહ્યું કે-

'હે નિષ્પાપ,તું જ્યાં સુધી જીવવા ઈચ્છશે,ત્યાં સુધી મૃત્યુ,તારા પર પ્રભાવ ચલાવી શકશે નહિ,

પણ તારી આજ્ઞા થશે,ત્યારે જ તે તારા પર પ્રભાવ ચલાવી શકશે'.(97-103)

અધ્યાય-100-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE