અધ્યાય-૧૦૦-ભીષ્મપ્રતિજ્ઞા-તથા શાંતનુને સત્યવતીની પ્રાપ્તિ
II वैशंपायन उवाच II स राजा शान्तनुर्धिमान देवराजर्षिसत्कृतः I धर्मात्मा सर्वलोकेषु सत्यवागिति विश्रुतः II १ II
વૈશંપાયન બોલ્યા-દેવો અને રાજર્ષિઓથી સત્કારાયેલો,તે બુદ્ધિમાન શાંતનુ રાજા,સર્વલોકમાં ધર્માત્મા અને સત્યવાદી તરીકે વિખ્યાત થયો હતો.ઇન્દ્રિયનિગ્રહ,દાન,ક્ષમા,બુદ્ધિ,લજ્જા,ધૃતિ અને તેજ-એ સર્વ ગુણોથી તે
યુક્ત હતો.ધર્મ અને અર્થમાં કુશળ એવો તે ગુણસંપન્ન રાજા ભરતવંશનો ને સર્વ જનોનો સંરક્ષક હતો.(1-3)
ધાર્મિકોમાં શ્રેષ્ઠ તે શાંતનુને,રાજાઓએ 'રાજરાજેન્દ્ર'ના પદે અભિષિક્ત કર્યો હતો.ને પોતાના સ્વામી તરીકે સ્વીકાર્યો હતો.શાંતનુના ઉપદેશ મુજબ,તે રાજાઓ યજ્ઞ,દાન,અને ક્રિયાઓમાં યુક્ત રહેતા,લોકોનું રક્ષણ કરતા અને નિયમો વડે પ્રજાનું પાલન કરતા હતા.ચારે વર્ણ,શાસ્ત્ર મુજબ વર્તતી હતી,ને આમ ધર્મની વૃદ્ધિ થતી હતી.
કુરુઓના સુંદર નગર હસ્તિનાપુરમાં રહીને તે શાંતનુ,સાગર પર્યન્તની પૃથ્વીનું પાલન કરતો હતો.
છત્રીસ વર્ષ સુધી તેણે સ્ત્રીઓમાં રતિસુખ લીધું નહોતું,પણ,અગાઉ,ગંગાથી તેને,પોતાના જેવા જ રૂપવાળો,
આચારવાળો,વસુનો અવતારધારી,દેવવ્રત નામે પુત્ર હતો,કે જે ગંગા લઈને ચાલી ગઈ હતી.(4-22)
એકવાર,તે શાંતનુ,વનમાં મૃગયા માટે નીકળ્યો હતો,ત્યારે ભાગીરથીને કિનારે ચાલતાં,તેણે ભાગીરથીને
અલ્પ જળવાળી જોઈ,તેથી તે વિચારવા લાગ્યો કે-'આ નદીંઓમાં શ્રેષ્ઠ ગંગામાં જળ કેમ ઓછું દેખાય છે?
તે તપાસ કરવા લાગ્યો,તો ત્યાં તેણે એક રૂપસંપન્ન,સુંદર કુમારને જોયો.તે ઇન્દ્રની જેમ દિવ્ય અસ્ત્રો
ચલાવતો હતો,ને તીક્ષણ બાણો વડે,સમગ્ર ગંગાને ઘેરીને ઉભો હતો (23-26)
ગંગાને બાણોથી ઢાંકવાનું અલૌકિક કર્મ જોઈને,રાજા વિસ્મિત થયો.હકીકતમાં તો તે પોતાનો પુત્ર જ હતો,પણ
તે તેને ઓળખી શક્યો નહિ.કારણકે તેણે તો તેને જન્મ વખતે જ જોયો હતો.તે પુત્રે પણ પિતાને જોઈને,
તેને માયાથી મોહિત કર્યો અને મોહ પમાડીને તત્કાળ અલોપ થઇ ગયો.
આ આશ્ચર્ય જોઈને રાજાને શંકા પડી,ને તેણે ગંગાને કહ્યું કે 'તે મારો પુત્ર હોય તો તે તું મને બતાવ'
તે જ વખતે,ઉત્તમ રૂપ ધારણ કરીને,ગંગા,કુમારનો હાથ ઝાલીને,શાંતનુ પાસે આવી,ને તેની ઓળખાણ આપતા બોલી કે-હે રાજન,અગાઉ,આપણો જે આઠમો પુત્ર હતો તે આ જ છે,તેને તમે સ્વીકારો.મેં ઉછેરેલા,આ પુત્રે વસિષ્ઠ પાસે વેદોનું અધ્યયન કર્યું છે.બૃહસ્પતિ ને શુક્રાચાર્ય જે શાસ્ત્રોને જાણે છે,તે આ પુત્ર પણ જાણે છે,પરશુરામ જેવો
તે અસ્ત્રવિધામાં પણ નિપુણ છે.રાજધર્મ અને અર્થમાં નિપુણ એવા આ પુત્રને તમે સ્વીકારો.(27-40)
ગંગાએ આ પ્રમાણે કહ્યું,એટલે,એ સૂર્ય જેવા ઝળહળતા પુત્રને સ્વીકારી લઈને શાંતનુ,પોતાના નગરમાં આવ્યો,
અને તેને પૌરવ વંશના રાજ્યના માટે યુવરાજપદે અભિષિક્ત કર્યો.શાંતનુના તે પુત્રે (ગાંગેયે) પણ પોતાના ચારિત્ર્યથી પિતાને પ્રસન્ન કર્યા.પુત્ર સાથે આનંદ કરતા,તે રાજાના ચાર વર્ષ પસાર થઇ ગયા.(41-44)
એક સમયે,તે રાજા,યમુના નદીના તીર પરના વનમાં ગયોઃ હતો ત્યારે તેને,કોઈ ઉત્તમ અવર્ણનીય સુગંધનો અનુભવ થયો,એટલે તે સુગંધનું ઉગમસ્થાન શોધવા લાગ્યો,ત્યાં.તેણે,ઉત્તમ સ્વરૂપવાળી માછીકન્યાને જોઈ,
કે જેના શરીરમાંથી તે સુગંધ આવી રહી હતી.રાજા તેની પાસે ગયો,ને પૂછવા લાગ્યો કે-હે ભીરુ,તું કોણ છે?
કોની પુત્રી છે?ને તું શું ઈચ્છે છે? ત્યારે તે માછીકન્યા બોલી કે-'હે રાજન,હું દાશ-કન્યા છું,
ને મારા પિતા દાશરાજની આજ્ઞાથી,જીવનનિર્વાહના ધર્મ માટે આ હોડી ફેરવું છું.(47-48)
રૂપ,માધુર્ય અને સુગંધથી ભરેલી એ દાશપુત્રીને જોઈ,રાજા શાંતનુ તેની કામના કરવા લાગ્યો.
તેણે તેના પિતા પાસે જઈને તેનું માગું કર્યું.ત્યારે દાશરાજે કહ્યું કે-હે રાજન,સુંદર વર્ણવાળી,આ પુત્રીને,કોઈ વરને
તો આપવાની જ છે,પણ મારા હૃદયમાં કંઇક કામના છે.તમે સત્યવચની છો,તો તમે સત્યપૂર્વક પ્રતિજ્ઞા કરો તો,
તે પ્રતિજ્ઞાએ આ કન્યા હું તમને આપીશ,કેમ કે તમારા જેવો વર તેને મળવાનો સંભવ નથી (49-54)
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE