Feb 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-092

અધ્યાય-૯૯-વસુઓને થયેલા શાપનું વર્ણન 


II शान्तनुरुवाच II आपवो नाम कोन्वेप वसूनां किंच दुष्कृतं I यस्याभिशापात्ते सर्वे मानुषीं योनिमागता  II १ II

શાંતનુ બોલ્યા-એ આપવ (વસિષ્ઠ) નામે (ઋષિ) કોણ હતા?વસુઓ તો સર્વ લોકના ઈશ્વરો છે,પણ તેમણે,

એવો તો શો અપરાધ કર્યો હતો કે તેમના શાપથી,તેઓએ મનુષ્યયોનિમાં આવવું પડ્યું? તે કહે (1-3)

ગંગા બોલી-હે ભરતશ્રેષ્ઠ,પૂર્વે,વરુણને વસિષ્ઠ નામે જે પુત્ર થયો હતો,તે આપવ તરીકે પ્રસિદ્ધ છે.

તેમનો આશ્રમ,પર્વતરાજ મેરુની બાજુમાં હતો.તે સુંદર આશ્રમમાં તે તપ કરતા હતા.

હવે,દક્ષની,'સુરભિ' નામે જે પુત્રી હતી,તેણે,જગત પર કૃપા કરવા માટે કશ્યપ મુનિથી,સર્વ ઈચ્છા પુરી કરનારી,એક ગાયને જન્મ આપ્યો,તે હોમધેનુ ગાય,વસિષ્ઠને મળી હતી.તે ગાય.મુનિના તપોવનમાં નિર્ભય વિચરતી હતી,(4-10)


એકવાર,પૃથુ-આદિ વસુઓ,પોતાની પત્નીઓ સાથે,દેવર્ષિ (વસિષ્ઠ)થી સેવાયેલા તે તપોવનમાં આવ્યા.

તપોવનમાં વિચરતાં,એક વસુની પત્નીએ,'નંદિની' નામની તે ઉત્તમ ગાયને જોઈ,ને તે વિસ્મિત થઇ,

ને તે સર્વગુણ સંપન્ન ગાયને તે વસુ પત્નીએ,પોતાના પતિ, (દ્યુ-નામના વસુને) દ્યુ વસુને બતાવી.(11-16)


દ્યુ વસુએ તે ગાયને જોઈને.પત્નીને કહેવા લાગ્યો કે-'આ ઉત્તમ ગાય,વરુણપુત્ર વસિષ્ઠની છે.આ ઉત્તમ વન પણ 

તે ઋષિનું જ છે,જે મનુષ્ય,આ ગાયનું દૂધ પીએ છે,તે સ્થિર યૌવનવાળો થઈને દશ હજાર વર્ષ જીવે છે'

ત્યારે તે વસુ પત્નીએ,પતિને કહ્યું કે-આ મનુષ્યલોકમાં,રાજર્ષિ ઉશીનરની પુત્રી,જીતવતી,તેના રૂપ અને ગુણોથી પ્રખ્યાત છે,ને તે મારી સખી છે.હું તેને માટે,વાછરડા સાથે આ ગાયને ઈચ્છું છું.મારી સખી.આનું દૂધ પીને.

આ મર્ત્યલોકમાં સ્થિર યૌવનવાળી થઈને રહેશે.માટે મારુ કહેવું કરો,ને ગાયને લઇ આવો (17-26)


તે દેવીનાં વચન સાંભળી,દ્યુ વસુએ,પોતાના પૃથુ-આદિ વસુ ભાઈઓ સાથે મળી,તે ગાયને હરી લીધી.

તે વખતે,તેણે,વસિષ્ઠ ઋષિના તપનો ને ઋષિના શાપથી પોતાના પતનનો વિચાર સુદ્ધાં કર્યો નહિ.

પછી,જયારે વસિષ્ઠ,ફળો લઈને આશ્રમ પાછા આવ્યા,ત્યારે તેમણે ગાય ને વાછરડાને જોયા નહિ.તેમણે વનમાં શોધ કરી,પણ તેમનો પત્તો લાગ્યો નહિ,એટલે તેમણે દિવ્યદ્રષ્ટિથી જાણ્યું કે-ગાયને,વસુઓ લઇ ગયા છે.

ત્યારે,તેમને ક્રોધ ચડ્યો અને વસુઓને શાપ આપ્યો કે-'તે વસુઓ નિઃશંક મનુષ્યલોકમાં જન્મ પામશે'(27-34)


'અમને શાપ થયો છે' એમ જાણીને વસુઓ આશ્રમે આવીને ઋષિને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા,

પણ તેમને તે આપવ (વસિષ્ઠ) ઋષિની કૃપા મેળવી શક્યા નહિ.છેવટે વસિષ્ઠ બોલ્યા કે-

'તમને મેં જે શાપ આપ્યો,તે હું મિથ્યા કરવા ઈચ્છતો નથી,પણ,દ્યુ વસુના કૃત્યથી,તમને બાકીના વસુઓને 

જે શાપ મળ્યો છે,તે બાકીના વસુઓ,એક એક વર્ષને અંતરે શાપમુક્ત થશો.પણ તે દ્યુ વસુ,મનુષ્યલોકમાં 

દીર્ઘ કાળ સુધી રહેશે,ને તે,સ્ત્રીસંગથી દૂર રહી,પ્રજોત્પત્તિ કરશે નહિ,ને ધર્માત્મા થશે.(35-41)


ગંગા કહે છે કે-તે પછી,તે વસુઓ એકઠા થઈને મારી પાસે આવ્યા,ને મારી પાસે વરદાન માગ્યું કે-

'તમારી કુખે,અમે જેમ જેમ જન્મીએ તેમ તેમ અમને પાણીમાં ફેંકી દઈને અમને મુક્ત કરજો'

મેં તે સ્વીકાર્યું,અને તે મુજબ,તે શાપિતો મુક્ત થાય,તે અર્થે મેં યથાયોગ્ય જ કર્યું છે.પણ,હે રાજન,

ઋષિના શાપને લીધે માત્ર એક દ્યુ વસુ જ (ભીષ્મ બનીને) માનવલોકમાં ચિરકાળ વસશે.(42-45)


વૈશંપાયન બોલ્યા-એમ કહીને,તે ગંગા,તે કુમારને લઈને ત્યાંથી અંતર્ધાન થઇ,પોતાના સ્થાને ચાલી ગઈ.

આમ,તે દ્યુ વસુ,ગંગાથી જન્મીને,ગાંગેય કે દેવવ્રત (ને પાછળથી ભીષ્મ)નામે પ્રસિદ્ધ થયો.

પછી,શોક્ગ્રસ્ત શાંતનુ પોતાના નગરમાં પાછો ગયો.હે રાજન,તે ભરતવંશી મહાત્મા રાજા શાંતનુના અધિક ગુણો,તથા તેના મહાભાગ્યનું હું હવે કીર્તન કરીશ,કે જેમનો ઇતિહાસ મહાભારત કહેવાય છે.(46-49)

અધ્યાય-99-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE