Feb 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-089

અધ્યાય-૯૬-શાંતનુ રાજાનું ઉપાખ્યાન(મહાભારત કથાની શરૂઆત) 


II वैशंपायन उवाच II इक्ष्वाकुवंशप्रभवो राजासीत्पृथिवीयतिः I महाभिप इति ख्यातः सत्यवाक् सत्यविक्रमः II १ II

વૈશંપાયન બોલ્યા-ઇક્ષ્વાકુ વંશમાં મહાભિષ નામે એક સત્યવચની અને પરાક્રમી પૃથ્વીપતિ રાજા હતો,તેણે એક હજાર અશ્વમેઘ યજ્ઞો ને સો રાજસૂય યજ્ઞોથી ઇન્દ્રને પ્રસન્ન કરી સ્વર્ગલોકને પામ્યો હતો.(1-2)

કોઈ એકવાર,દેવો,બ્રહ્માજીની ઉપાસના કરી રહ્યા હતા,ત્યારે ગંગાજી ત્યાં આવ્યાં,તે વખતે,ચંદ્રકાંતિ જેવું તેમનું વસ્ત્ર પવનથી ઉડી ગયું,તેથી દેવગણો એકદમ નીચું જોઈ ગયા,પણ મહાભિષ,ગંગાને જોઈ રહ્યા હતા,

તેમને આમ કરતા જોઈને બ્રહ્માજીએ મહાભિષને કહ્યું કે-'તું મનુષ્યલોકમાં જન્મીને,

ફરી પાછો સ્વર્ગલોકને પામીશ,હે દુર્બુદ્ધિ,જે ગંગાથી તારું મન હરાયું છે,

તે ગંગા.મનુષ્યલોકમાં તારું અપ્રિય કરશે,તને જયારે ક્રોધ ઉત્પન્ન થશે ત્યારે તું શાપ મુક્ત થશે.(3-8)

પછી,તે મહાભિષે,પૃથ્વી પરના અત્યંત તેજસ્વી પ્રતીપ રાજાને,પોતાના પિતા તરીકે,પસંદ કર્યા,.

ને શ્રેષ્ઠ ગંગાજી,મનમાં તે રાજનું ધ્યાન ધરતાં ધરતાં ત્યાંથી ચાલ્યાં,રસ્તામાં,તેમણે,સ્વર્ગમાં રહેવા વાળા,વસુઓને સ્વર્ગમાંથી ભ્રષ્ટ થવાથી ખિન્ન થયેલા જોયા.ગંગાજીએ તેમને સ્વર્ગમાંથી ભ્રષ્ટ થવાનું કારણ પૂછ્યું.(9-12)


એટલે વસુઓએ કહ્યું કે-હે મહાનદી ગંગાજી,અમારો થોડો અપરાધ થવાથી,મુનિ વસિષ્ઠે,અમને શાપ આપ્યો છે.કે-

'તમે સ્વર્ગમાંથી ભ્રષ્ટ થઈને,મનુષ્ય યોનિમાં જન્મો'.ઋષિ વશિષ્ઠનો શાપ ટળે તેમ નથી ને અમારે માનવઉદરમાં પ્રવેશવું નથી,તો તમે માનુષી રૂપ લઈને અમને જન્મ આપો. ત્યારે ગંગાજીએ 'તથાસ્તુ' કહીને પૂછ્યું કે-

મર્ત્યલોક (પૃથ્વીલોક)માં કયો પુરુષ શ્રેષ્ઠ તમારો પિતા થશે? ત્યારે વસુઓએ કહ્યું કે-

'પૃથ્વી પર પ્રતીપ રાજાને ત્યાં (મહાભિષનો પુનર્જન્મ)શાંતનુ નામે લોકપ્રસિદ્ધ પુત્ર થશે,તે અમારો પિતા થશે'


ગંગાજી બોલ્યા-હે વસુઓ,તમે જેમ કહો છો,તે જ પ્રમાણેનું મારુ માનવું છે,હું તે રાજાનું ને તમારું પ્રિય કરીશ.

વસુઓ બોલ્યા-હે ત્રિલોકગામિની,અમે તમારા પુત્રરૂપે જન્મીએ એટલે તમે તરત જ અમને 

પાણીમાં નાખી દેજો,એમ ટુંક સમયમાં જ અમારો છુટકારો થશે ને અમે સ્વર્ગમાં પરત થઈશું. 

ગંગાજી બોલ્યા-ભલે,હું તેમ જ કરીશ,પણ,પુત્રપ્રાપ્તિના હેતુથી મારી સાથે થયેલો સમાગમ વ્યર્થ ન જવો જોઈએ,આથી તે શાંતનુ નો એક પુત્ર જીવતો રહે તેવું તમે કંઈ કરો.


વસુઓ બોલ્યા-'અમે બધા,અમારા આઠમા ભાગના તેજને આપીશું,તે તેજથી તમને તેનો ઈચ્છીત પુત્ર થશે.

પણ તે પુત્રને,મર્ત્યલોકમાં સંતતિ થશે નહિ,ને તમારો તે વીર્યવાન પુત્ર,અપુત્ર જ રહેશે.'

આ પ્રમાણેનો ઠરાવ કરીને તે વસુઓ પ્રસન્ન ચિત્તે ઈચ્છીત સ્થાને ચાલ્યા ગયા.(13-23)

અધ્યાય-96-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE