Feb 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-088

 પણ,વિચિત્રવીર્ય,અપુત્ર જ મરી ગયો,એટલે સત્યવતીએ વિચાર્યું કે વંશનો નાશ થવો ન જોઈએ,તેથી,

તેણે,(પરાશર મુનિથી થયેલા પોતાના પુત્ર) વ્યાસજીનું સ્મરણ કરી તેમને  બોલાવીને કહ્યું કે-

'તારો ભાઈ વિચિત્રવીર્ય,અપુત્ર જ સ્વર્ગવાસી થયો છે તો તું તેની સ્ત્રીમાં સારી પ્રજા ઉત્પન્ન કર'

'બહુ સારું' એમાં કહીને વ્યાસ મુનિએ ધૃતરાષ્ટ્ર,પાંડુ ને વિદુર એ ત્રણ પુત્રો ઉત્પન્ન કર્યા.જ્યેષ્ઠ પુત્ર 

(અંધ) ધૃતરાષ્ટ્રને ગાંધારીથી સો પુત્રો થયા,જેમાં દુર્યોધન,દુઃશાસન,વિકર્ણ અને ચિત્રસેન-મુખ્ય હતા.

પાંડુને કુંતી (પૃથા) ને માદ્રી નામની બે પત્નીઓ હતી.એક વખત મૃગયાએ નીકળેલા,પાંડુએ,

ભૂલથી.મૈથુન કરતા અતૃપ્ત મૃગ-રૂપી-ઋષિને બાણથી વીંધી નાખ્યા હતા,તેથી તેમણે,પાંડુને શાપ 

આપ્યો હતો કે-તેં કામરસથી અતૃપ્ત એવા મને માર્યો છે,તેથી તારી પણ એજ દશા થજો'

આથી ફિક્કા પડી ગયેલા તે પાંડુએ,શાપને ટાળવાને માટે કદી પણ સ્ત્રીસંગ કર્યો નહિ.


કુંતી ને દુર્વાસાએ,(પુત્ર માટે) દેવોના મંત્રો આપ્યા હતા.પાંડુના કહેવાથી,તેણે,ધર્મથી યુધિષ્ઠિર,

વાયુથી ભીમસેન,અને ઈન્દ્રથી અર્જુન એમ ત્રણ પુત્રો ઉત્પન્ન કર્યા.ને વળી,પાંડુના કહેવાથી,પોતાનો મંત્ર 

તેણે માદ્રીને આપ્યો,કે જેનાથી માદ્રીને,અશ્વિનીકુમારોથી નકુલ અને સહદેવ નામના (જોડિયા) પુત્રો થયા.

એકવાર માદ્રીને વિભૂષિત થયેલી જોઈને,પાંડુને કામભાવ થયો ને તેને ભોગવવા જતાં તે મૃત્યુ પામ્યો (52-64)


પછી,વનના તપસ્વીઓ,તે પાંડવોને ને કુંતીને લઈને હસ્તિનાપુર આવ્યા ને ભીષ્મ આગળ રજુ કરીને,

સર્વ સભા સમક્ષ,પાંડવોના જન્મની કથા કહી,ત્યાંથી તેઓ પરત થયા.પાંડવોને,હસ્તિનાપુરમાં સ્વીકારવામાં આવ્યા,પાંડવોએ,ત્યાં પિતાની પરલોકક્રિયા કરી.ને પાંડવો,હસ્તિનાપુરમાં રહેવા લાગ્યા.(65-68)

પણ,ત્યાં,ધૃતરાષ્ટ્ર પુત્ર,દુર્યોધન,પાંડવો તરફ પહેલેથી જ ઈર્ષા કરતો હતો.તે પાપીએ,રાક્ષસી બુદ્ધિનો આશ્રય લઈને,

પાંડવોને મારવાના અનેક ઉપાયો કર્યા,પણ પાંડવોનું ભાવિ કંઈ જુદું જ હતું,તેથી તેઓ દરેક વખતે બચી ગયા.

એક વખત,દૂર્યોધનના ચડાવાથી,ધૃતરાષ્ટ્રે,બહાનું કાઢીને પાંડવોને વારણાવત મોકલ્યા (70)


ત્યાં,દૂર્યોધને બનાવેલા લાક્ષાગૃહમાં,પાંડવોને બાળી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો,પણ વિદુરની સલાહને લીધે,પાંડવો બળતા બચી ગયા.ત્યાંથી હિડિમ્બ રાક્ષસને મારીને,પાંડવો એકચક્રા નગરીમાં ગયા,ને ત્યાં 

બક નામના રાક્ષસને મારીને પાંચાલ નગરમાં ગયા,ત્યાં દ્રૌપદીને પામીને તેઓ પોતાના દેશમાં પાછા આવ્યા.

પાંચે પાંડવોની પત્ની બનેલી દ્રૌપદીમાં યુધિષ્ટિરે પ્રતિવિન્દ્ય,ભીમે સુતસોમ.અર્જુને શ્રુતકીર્તિ,

નકુલે શતાનીક ને સહદેવે શ્રુતકર્મા નામના પુત્રોને ઉત્પન્ન કર્યા.(71-75)


આ ઉપરાંત,યુધિષ્ઠિરે,શૈબ્યરાજ ગોવાસનની દેવિકાને સ્વયંવરમાં પ્રાપ્ત કરી હતી,જેનાથી 

યૌધેય નામનો પુત્ર થયો હતો.ભીમસેનને,કાશીરાજની પુત્રી બલંધરાથી સર્વગ નામે પુત્ર અને 

હિડિમ્બાથી રાક્ષસ પુત્ર ઘટોત્કચ પુત્ર થયો હતો,અર્જુનને,વાસુદેવની બહેન સુભદ્રાથી 

અભિમન્યુ પુત્ર થયો હતો,નકુલને કરેણમતિથી નિરમિત્ર પુત્ર થયો હતો,

સહદેવને,મદ્રરાજની કન્યા માદ્રીવિજયાથી સુહોત્ર નામે પુત્ર થયો હતો.

પાંડવોના આ અગિયાર પુત્રો હતા,જેમાં માત્ર અભિમન્યુ જ વંશ વધારનાર થયો હતો (76-52)


અભિમન્યુથી,વિરાટરાજની પુત્રી ઉત્તરાને જે ગર્ભ રહ્યો હતો,તે અકાળે જન્મીને ચેતનાવિહીન (મરેલો)

પેદા થયો હતો,ત્યારે વાસુદેવ શ્રીકૃષ્ણે પોતાના તેજ વડે તેને સજીવન કરી તેનું પરીક્ષિત નામ આપ્યું હતું.

હે રાજન,પરીક્ષિત,તમારી માતા માદ્રવતીને પરણ્યા અને તેમાં તમે જન્મેજય થયા છો. 

અને તમે વપુષ્ટામાં શતાનીક અને શંકુકર્ણ નામે બે પુત્રો ઉત્પન્ન કર્યા છે,

ને તેમાં,શતાનીકને,વૈદેહીથી અશ્વમેઘદત્ત નામે પુત્ર થયો છે. 


આ પૂરુ અને પાંડવોના વંશની કથા કહી,તે બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્ય અને શુદ્ર-સર્વેએ સાંભળવી જોઈએ.

જે મનુષ્ય,નિયમયુક્ત રહી,મત્સરરહિત થઇ,મૈત્રીભાવના રાખી તથા વેદપરાયણ રહી,આ વ્યાસજીએ કહેલા પુણ્ય ઇતિહાસને અશેષરૂપે સાંભળશે તથા સંભળાવશે,તેઓ દેવ,બ્રાહ્મણ અને મનુષ્યોમાં માન્ય અને પૂજ્ય થશે.તેઓ સ્વર્ગને જીતશે,પુણ્યાત્મા થશે,ને તેમને કરેલાં કે નહિ કરેલાં કર્મોનો શોક રહેશે નહિ.આ ભારત (મહાભારત) વેદના જેવું છે,પવિત્ર ને ઉત્તમ છે,તેમ જ ધન,યશ ને આયુષ્ય દેનારું છે.સંયમીજનોને આ સાંભળવા યોગ્ય છે(90)

અધ્યાય-95-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE