અધ્યાય-૯૨-યયાતિને માટે પુનઃ સ્વર્ગગમનની પ્રાર્થના
II अष्टक उवाच II कतरस्त्वनयो: पूर्व देवानामेति सात्मताम् I उभ्योर्धावतो राजन् सूर्याचन्द्रमसोरिव II १ II
અષ્ટક બોલ્યો-હે રાજન,સૂર્ય અને ચંદ્રની જેમ દોડતા યોગી અને જ્ઞાની-એ બેમાંથી કોણ પહેલાં દેવત્વને પામે છે?
યયાતિ બોલ્યો-યથેચ્છ વર્તનારા ગૃહસ્થોવાળા ગામમાં રહેવા છતાં,જે નિષ્કામ ને જિતેન્દ્રિય છે,
તે જ્ઞાની,પહેલો દેવરૂપને પામે છે.જે,યોગીને દીર્ઘ આયુષ્ય મળ્યું હોય છતાં સિદ્ધિ ન મળી હોય,
ને તે જો કોઈ પાપ કરી નાખે તો તેના પ્રાયશ્ચિત અર્થે તે બીજું તપ કરે.પણ,
જે જ્ઞાની(નિષ્કામ) પુરુષે સાક્ષાત્કારની સિદ્ધિ મેળવી છે,તે કદાચ પાપ કરે તો પણ,તેને મુક્તિલાભ મળે છે.
હે રાજર્ષિ,(મોક્ષ વિરુદ્ધની) અનર્થ બુદ્ધિવાળો,મનુષ્ય,સ્વર્ગ-આદિ માટે જે (યજ્ઞ-આદિ) ધર્મને સેવે,
તેને પંડિતો નિંદ્ય ને અસત્ય કહે છે.તે અજિતેન્દ્રિય મનુષ્યનું ધન પણ તેવું જ નિંદ્ય ને અસત્ય છે.
એટલે જે મોક્ષસાધક નિષ્કામ ધર્મ છે,તે જ સમાધિનું મૂળ છે ને તે જ જ્ઞાનનું સાધન છે (1-5)
અષ્ટક બોલ્યો-માળા ધારણ કરનાર,એવા તમે યુવાન,દેખાવડા ને કાંતિવાન છો,તો તમને કોણે દૂત તરીકે
મોકલ્યા છે? તમે ક્યાંથી આવ્યા ને કઈ દિશાએ જાઓ છો? પૃથ્વી પર તમારું નિવાસસ્થાન ક્યાં છે?
યયાતિ બોલ્યો-મારુ પુણ્ય ક્ષય થવાથી,સ્વર્ગમાંથી વિમુખ થઈને હું આ ભૂમિ-નરકરૂપી પૃથ્વી પર આવવા
પડ્યો છું,પણ તમને કહીને જ હું પૃથ્વી પર પડીશ,કેમ કે પૃથ્વી પર પડતાં પહેલાં,મને ઇન્દ્ર તરફથી,એવો વરલાભ થયો છે કે-'તારી પતન સંતોની સમીપ થશે' અને તે જ પ્રમાણે તમે સર્વ ગુણવાન સંતો મને મળ્યા છો.(6-8)
અષ્ટક બોલ્યો-હે પૃથ્વીનાથ,હું માનું છું કે તમે ધર્મના જ્ઞાની છો,એટલે હું તમને પૂછું છું કે-
શું અંતરિક્ષમાં કે સ્વર્ગમાં મારે માટે કોઈ પુણ્યસ્થાનો છે? અને જો હોય,તો તમે પતન પામો નહિ.
યયાતિ બોલ્યો-હે રાજર્ષિ,પૃથ્વી પર જેટલાં વનો,પશુઓ ને પર્વતો છે,
તેટલાં તારા માટે દેવલોકમાં પુણ્યસ્થાનો નિર્માયાં છે,તે તું જાણ.(9-10)
અષ્ટક બોલ્યો-જે રાજેન્દ્ર,દેવલોકમાં,મારે માટે જેટલાં સ્થાનો છે,તે હું તમને આપું છું.તમે પતન ના પામો.
ને સ્વર્ગ કે અંતરીક્ષમાં રહેલા તે સ્થાનોએ તમે મોહ-રહિત થઈને ઝટ પ્રાપ્ત કરો.(11)
યયાતિ બોલ્યો-હે અષ્ટક,બ્રહ્મવેત્તા બ્રાહ્મણ હોય,તે જ દાન લે,અમારા જેવાથી તે લેવાય નહિ.
મેં પૂર્વકાળમાં બ્રાહ્મણોને દાન આપ્યું છે,ક્ષત્રિયે કદી યાચનારૂપી દીનતા સેવવી જોઈએ નહિ.
યાચના તો,વિદ્યાથી દિગ્વિજય કરનાર બ્રાહ્મણની પત્ની છે,મને તો સત્કર્મ કરવાની જ ઈચ્છા છે,
તેથી હું,દાન લેવાનું આ કાર્ય કેવી રીતે કરું કે જે મેં પહેલાં કદી પણ કર્યું હોય નહિ!!
પ્રતર્દન બોલ્યો-હે વાંછનીય રૂપવાળા,ધર્મના ક્ષેત્રજ્ઞ શ્રેષ્ઠ પુરુષ,હું પ્રતર્દન છું,ને આપને પૂછું છું કે-
જો,અંતરિક્ષ કે સ્વર્ગમાં મારા માટે પણ કોઈ લોક હોય તો તે આપ કહો,(12-14)
યયાતિ બોલ્યો-હે નરેન્દ્ર,મધુર,તમારા માટે,તેજસ્વી અને પરમ સુખ આપનારાં,એવાં એટલાં બધાં સ્થાનો
તમારા માટે છે કે-તમે એકએકમાં સાત સાત દિવસ રહો,તો પણ એ સ્થાનોનો અંત આવે તેમ નથી.
પ્રતર્દન બોલ્યો-મારાં એ સ્થાનો હું તમને આપું છું,તમે પતન ન પામો,ને તે સ્થાનોને મેળવો,
યયાતિ બોલ્યો-હે પૃથ્વી પતિ,હું તમારા સમાન તેજવાળો રાજા છું.એટલે,હું બીજા રાજા પાસે યોગક્ષેમની આશા
રાખી શકું નહિ.વિદ્વાન રાજા તો,દૈવથી આવી પડેલી આપત્તિને પામવા છતાં,ઘાતક કર્મ કરતો નથી,
એટલે ધર્મને જોવાવાળા રાજાએ ધર્મ કાર્ય જ કરવું જોઈએ.તો તમે જે આપવાનું કહ્યું,તે લેવાનું દીન કાર્ય મારા
જેવો તો જાણીજોઈને કરી શકે જ નહિ' તે પછી નૃપશ્રેષ્ઠ-વસુમાન તેમને કહેવા લાગ્યો કે-
અધ્યાય-92-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE