અધ્યાય-૮૪-પુરુએ યયાતિની વૃદ્ધતા સ્વીકારી
II वैशंपायन उवाच II जरां प्राप्य ययातिस्तु स्वपुरं प्राप्य चैव हि I पुत्रं ज्येष्ठं वरिष्ठं च यदुमित्यब्रविद्वाच II १ II
વૈશંપાયન બોલ્યા-વૃદ્ધત્વને પામીને પછી,તે યયાતિ પોતાના નગરે પાછો ગયો,
અને પોતાના મોટા અને શ્રેષ્ઠ પુત્ર યદુને બોલાવીને તેને તે કહેવા લાગ્યો કે-
બેટા,કવિપુત્ર ઉશના (શુક્રાચાર્ય)ના શાપે,મને ઘડપણ લાગ્યું છે,પણ યૌવનથી હું હજી તૃપ્ત થયો નથી,
તું જો મારા ઘડપણ ને પાપને સ્વીકારી લે,તો તારી યુવાનીથી હું વિષયભોગો ભોગવું.હજાર વર્ષ પૂરાં થતાં,
હું તને તારી યુવાની પાછી આપી દઈને મારુ ઘડપણ અને પાપો પાછાં લઇ લઈશ (1-4)
યદુ બોલ્યો-હે પિતાજી,ઘડપણમાં ખાવાપીવામાં અનેક હરકતો પડે છે,દાઢી-મૂછ સફેદ થઇ જાય છે,
અંગો શિથિલ થાય છે,શરીર પર કરચલીઓ પડે છે.તે વૃદ્ધ, દુબળો,કદરૂપો ને અશક્ત બને છે ને
બીજાઓથી અપમાન પામે છે,તેના જીવનનો આનંદ ઉડી જાય છે,તેથી તેવા ઘડપણને હું ઈચ્છતો નથી,
તમને મારા કરતાંયે વિશેષ પ્રિય બીજા પુત્રો છે તેમને તમે તમારી વૃદ્ધાવસ્થા સ્વીકારવાનું કહો (5-8)
યયાતિ બોલ્યો-'હે પુત્ર,તું મારા હૃદયમાંથી જન્મ્યો છે,છતાં,તારી યુવાની મને આપતો નથી,
તો તારી પ્રજા (પુત્રો) રાજ્ય ભોગવનારી નહિ થાય'
પછી,યયાતિએ બીજા પુત્ર,તુર્વસુને બોલાવી,તેને પૂછ્યું,ત્યારે દુર્વસુ બોલ્યો કે-
'પિતાજી,કામ અને ભોગનો નાશ કરનારી,બળ અને રૂપનો અંત આણનારી,ને બુદ્ધિ તથા પ્રાણનો
વિનાશ લાવનારી વૃદ્ધાવસ્થાને હું ચાહતો નથી.એટલે યયાતિએ તેને શાપ આપતાં કહ્યું કે-
'હે તુર્વસુ,તું મારા હૃદયમાંથી જન્મ્યો છે,છતાં તારું યૌવન મને આપતો નથી તો તારી પ્રજાનો સમૂળ
નાશ થશે.તું અત્યંત પાપી મલેચ્છોનો રાજા થશે,કે જેમના ધર્મ અને આચાર સેળભેળ થઇ ગયા હશે.
તેઓ,પ્રતિલોમ આચરણવાળા હશે,માંસભક્ષી હશે,ને પશુઓના જેવા ધર્મવાળા હશે,(9-15)
ત્યાર બાદ તેણે,શર્મિષ્ઠાના પુત્ર દ્રુહ્યુને બોલાવી પૂછ્યું-તો તેણે કહ્યું કે-'જીર્ણ મનુષ્ય,હાથી,રથ,ઘોડા કે
સ્ત્રીને ભોગવી શકતો નથી,તેની વાણી પણ લથડી પડે છે,તે વૃદ્ધાવસ્થાને હું ઈચ્છતો નથી'
એટલે યયાતિએ તેને શાપ આપતાં કહ્યું કે-મારા હૃદયથી જન્મેલો હોવા છતાં,તું મને તારું યૌવન આપતો નથી તેથી,તારી પ્રિય કામના કદી સફળ નહિ થાય.જ્યાં માત્ર તરાપાથી જ કે કૂદીને જ જવાનું બની શકે તેવા,
અને જ્યાં પ્રાણીઓ કે પાલખી દ્વારા આવજાવ થઇ શકે નહિ,તેવા રાજ્યનો રાજા થઇ તું ભોજ નામે ઓળખાશે.
પછી,તેણે શર્મિષ્ઠાના બીજા પુત્ર અનુને બોલાવી પૂછ્યું,તો તેણે કહ્યું કે-ઘરડો મનુષ્ય,બાળકની જેમ,કસમયે અપવિત્ર અન્ન મોમાં મૂકે છે,યોગ્ય વખતે અગ્નિમાં આહુતિ આપતો નથી,તેથી વૃદ્ધાવસ્થાને હું ઈચ્છતો નથી.
એટલે યયાતિએ તેને શાપ આપતાં કહ્યું કે-મારા હૃદયથી જન્મેલો હોવા છતાં,તું તારી જુવાની મને આપતો નથી,
તો ઘડપણના જે દોષો તેં ગણાવ્યા તે તને જ લાગશે.વળી તારી પ્રજા યૌવનમાં જ મરી જશે.
ને તું,શ્રુતિ-સ્મૃતિ અનુસારના અગ્નિકર્મથી ભ્રષ્ટ થશે.
છેવટે,શર્મિષ્ઠાના સહુથી નાના પુત્ર પૂરુને બોલાવી તેને પૂછ્યું.ત્યારે,પૂરુએ તત્કાળ પિતાને કહ્યું કે-
હે પિતાજી,તમે કહ્યું તેમ તમારું વચન હું પાળીશ,હું તમારા ઘડપણ સાથે તમારું પાપ સ્વીકારું છું,
હું તમને મારી યુવાની આપીને તમે મને જેમ કહેશો તેમ કરીશું.(16-32)
યયાતિ બોલ્યો-બેટા પૂરુ,હું તારા પર પ્રસન્ન થયો છું,ને તને વરદાન આપું છું કે-
તારા રાજ્યમાં તારી પ્રજા સર્વ કામનાઓથી પ્રસન્ન રહેશે.
આમ કહીને,યયાતિએ શુક્રાચાર્યનું ધ્યાન કર્યું,ને પૂરુમાં પોતાનું ઘડપણ દાખલ કર્યું (33-34)
અધ્યાય-84-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE