Jan 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-076

 
અધ્યાય-૮૨-દેવયાની અને શર્મિષ્ઠાને સંતાન પ્રાપ્તિ 

II वैशंपायन उवाच II ययातिः स्वपुरं प्राप्य महेन्द्रपुरसन्निभम् I प्रविष्यांत:पुरं तत्र देवयानीं न्यवेशयत्  II १ II

વૈશંપાયન બોલ્યા-ઇન્દ્રપુરી જેવી,પોતાની નગરીમાં આવીને રાજા યયાતિએ,દેવયાનીને પોતાના અંતઃપુરમાં નિવાસ આપ્યો અને દેવયાનીની સંમતિ પ્રમાણે શર્મિષ્ઠાને,અશોકવનની પાસે ઘર કરાવીને તેમાં વાસ આપ્યો.

વળી,સહસ્ત્ર દાસીઓથી ઘેરાયેલી શર્મિષ્ઠાને,વસ્ત્ર-ખાનપાન આદિની વ્યયવસ્થાથી સત્કારવામાં આવી.

યયાતિએ અનેક વર્ષ સુધી દેવયાની સાથે સુખ ને આનંદમાં વિહાર કર્યો.

ઋતુકાળ આવતાં,દેવયાનીએ ગર્ભ ધારણ કર્યો,ને પહલે ખોળે એક કુમાર (પુત્ર)નો જન્મ આપ્યો.(1-5) 

સમય થતાં,શર્મિષ્ઠાને પણ ઋતુકાળ આવ્યો,ત્યારે તે વિચારવા લાગી કે-'મને ઋતુકાળ પ્રાપ્ત થયો,પણ હું હજુ 

કોઈ પતિને વરી નથી.હું શું કરું?હું કેવી રીતે કૃતાર્થ થાઉં? આ દેવયાની તો જનેતા થઇ ગઈ,શું મારી આવેલી 

જુવાની ફોગટ થશે?તે દેવયાનીએ,જેમ યયાતિને સ્વામી કર્યા છે,તેમ,હું પણ તેમને મારા સ્વામી કરીશ.

એ રાજાએ મને પુત્ર-રૂપી-ફળ આપવું જ જોઈએ,એમ હું ચોક્કસ માનું છું.

પણ શું એ ધર્માત્મા,એકાંતમાં મને દર્શન આપશે ખરા?(6-9)


તે જ વખતે,તે રાજા મહેલમાંથી બહાર નીકળી,અશોકવાન પાસે ગયો ને શર્મિષ્ઠાને જોઈ ઉભો રહ્યો,

શર્મિષ્ઠાએ તેને એકલો જોઈને,તેની પાસે જઈને,હાથ જોડીને કહ્યું કે-હે રાજન,સોમ,ઇન્દ્ર,યમ,વરુણ આદિ દેવો 

તમારા ઘરની સ્ત્રીઓ તરફ નજર પણ કરી શકે તેમ નથી.તમે મને કુલીન ને શીલ સંપન્ન તરીકે જાણો જ છો,

એટલે હું તમને પ્રસન્ન કરીને યાચું છું કે-મને ઋતુદાન (પુત્રદાન) આપો (10-13)


યયાતિ બોલ્યો-હું જાણું છું કે,તું શીલયુક્ત દાનવ કન્યા છે,તારા રૂપમાં તો 

સોયની અણી જેટલો પણ દોષ જોતો નથી.પણ,હું જયારે દેવયાનીને પરણ્યો,

ત્યારે શુક્રાચાર્યે મને કહ્યું હતું કે-'તારે આ વૃષપર્વાની પુત્રીને,શય્યાભાગીની કરવી નહિ'


શર્મિષ્ઠા બોલી-'હે રાજન,મશ્કરીમાં,સ્ત્રીસંગમાં,વિવાહકાળે,પ્રાણસંકટમાં,અને સર્વ ધનનાશના સમયે-

એમ પાંચ પ્રસંગોમાં અસત્ય બોલાય  તે પાપરૂપ થતું નથી.હે રાજા,સાક્ષી-સમયે પૂછવામાં આવતાં,જે જુઠ્ઠું બોલે છે

તે પણ પાપરૂપ થાય છે એમ કહેવું પણ મિથ્યા છે,કેમ કે ગાય,બ્રાહ્મણ,સ્તર,દીન,અનાથ-આદિને માટે

ખાસ પ્રસંગોએ જુઠ્ઠું બોલવું એ પાપરૂપ નથી એમ કહેવાય છે.વળી,જ્યાં બંનેથી એક અર્થ સધાતો હોય,

ત્યાં જુઠ્ઠું બોલનારનું જુઠ્ઠાણું,એ જુઠ્ઠાણું રહેતું નથી,એમ પણ કહેવાય છે.(14-17)


યયાતિ બોલ્યો-રાજા તો સર્વલોકને માટે પ્રમાણરૂપ છે,તે જુઠ્ઠું બોલે તો તે નાશ પામે,

ધનના ભારે કષ્ટમાં આવી પડું તો પણ,હું અસત્ય બોલવાની હિંમત કરું નહિ.

શર્મિષ્ઠા બોલી-હે રાજન,અમારા બંનેના વિવાહ થયેલા જ ગણાય કેમ કે સખીના જે પતિ છે તે મારા પતિ છે,

સખીમાં એકનો વિવાહ થતાં,બીજીનો પણ વિવાહ થયેલો કહેવાય છે,હું તમને વરી ચુકી જ છું.

યયાતિ બોલ્યો-મારુ એ વ્રત છે કે-માગનારને એ જે માંગે તે આપવું,તું યાચના કરે છે,તો તને હું શું આપું?


શર્મિષ્ઠા બોલી-હે રાજન,પત્ની,દાસ તથા પુત્ર-એ ત્રણ નિર્ધન કહેવાય છે,તેમને જે ધન મળે,તે તેમના સ્વામીનું 

થાય છે.હું દેવયાનીની દાસી છું,અને તમારાથી વશીભૂત થઇ છું,ને તમારા ઉપભોગને યોગ્ય છું.માટે તમે મારો

સ્વીકાર કરો.હું ઈચ્છું છું-કે તમારાથી પુત્રવતી થઈને આ લોકમાં ઉત્તમ ધર્મ આચરૂં,તમે ધર્મરક્ષા કરો(18-23)


શર્મિષ્ઠાએ આમ કહ્યું,ત્યારે રાજાએ,'તેનું કહેવું સત્ય છે' એમ માન્યું,પછી,તેને શર્મિષ્ઠાનો સત્કાર કરીને,

તેની સાથે સમાગમ સેવીને તેનો મનોરથ સફળ કર્યો.તે સમાગમથી શર્મિષ્ઠાએ ગર્ભ ધારણ કર્યો 

ને દેવપુત્ર જેવા એક કુમાર (પુત્ર)નો જન્મ આપ્યો.(24-27)

અધ્યાય-82-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE