અધ્યાય-૭૮-દેવયાની અને શર્મિષ્ઠા વચ્ચે વિરોધ
II वैशंपायन उवाच II कृतविद्ये कचे प्राप्ते हृष्टरूपा दिवौकसः I कचादधीत्य तां विद्यां कृतार्था भरतर्षम II १ II
વૈશંપાયન બોલ્યા-હે ભરતોત્તમ,કચ વિદ્યાસંપન્ન થઈને આવ્યો તેથી દેવો હર્ષિત થયા અને તેની પાસેથી વિદ્યા શીખીને કૃતાર્થ થયા.પછી,તે બધા દેવો,(શતક્રતુ) ઇન્દ્ર પાસે જઈને બોલ્યા-'તમારા પરાક્રમનો આ વખત છે,તમે શત્રુઓને હણી નાખો' ત્યારે ઇન્દ્રે કહ્યું કે-'ભલે તેમ હો' ને પછી તેણે પૃથ્વી તરફ પ્રયાણ કર્યું.ત્યાં તેણે વનમાં સ્ત્રીઓને જોઈ કે જે
જળક્રીડા કરતી હતી,ત્યારે ઇન્દ્રે વાયુરૂપ થઈને તે સ્ત્રીઓના વસ્ત્રોને સેળભેળ કરી દીધાં.(1-4)
જયારે,તે સર્વ કન્યાઓ,જળની બહાર આવી,ત્યારે તેમણે,જલ્દીથી જે વસ્ત્રો હાથમાં આવ્યાં,તે પહેરી લીધાં.
તે વખતે અસુરેન્દ્ર વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાએ,પણ પોતે વસ્ત્રોની ભેળસેળથી અજાણ હોવાથી,તેણે ભૂલથી
દેવયાનીનું વસ્ત્ર પહેરી લીધું.ને દેવયાનીને પોતાનું વસ્ત્ર ન મળવાથી,તેણે શર્મિષ્ઠા સાથે ઝગડો કર્યો (5-7)
દેવયાની બોલી-હે અસુરપુત્રી,મારી શિષ્યા થઈને,તેં મારુ વસ્ત્ર કેમ પહેરી લીધું?
તારામાં શિષ્ટાચાર નથી,માટે તારું સારું નહિ થાય.(8)
શર્મિષ્ઠા બોલી-મારા પિતા બેઠા કે સૂતા હોય,ત્યારે તારા પિતા નીચે આસને બેસીને,વિનયપૂર્વક,ભાટની જેમ મારા પિતાની સ્તુતિ કરે છે.યાચક,સ્તુતિ કરનાર અને દાન લેનારની તું પુત્રી છે,તો હું દાન આપનાર અને દાન નહિ
સ્વીકારનાર એવા રાજાની પુત્રી છું.હે ભિખારણ,તું ચાહે તો કકળાટ કર,માથું અફાળ,છાતી ફૂટ કે ગુસ્સો કર,
પણ તું આયુધ વિનાની છે ને હું આયુધવાળી છું,ને તને પહોચી વળું તેમ છું,હું તને ગણકારતી જ નથી (9-11)
વૈશંપાયન બોલ્યા-પછી,તે દેવયાનીએ ગુસ્સે થઈને દેવયાનીને પાસે આવેલા કૂવામાં નાખી દીધી.
ને તે મરી જ ગઈ છે,એમ સમજીને,ક્રોધિત શર્મિષ્ઠા પાછું વાળીને જોયા વગર જ ઘેર ગઈ.
હવે,નહુષપુત્ર,યયાતિ,તે વખતે મૃગયાની ઈચ્છાથી એ દેશમાં આવ્યો હતો,તે થાક્યો હતો ને તરસ્યો થયો હતો,
તેથી પાણીની શોધમાં ફરતો ફરતો,તે કૂવાની નજીક આવ્યોને કુવામાં જોયું તો તેણે કૂવામાં દેવયાનીને જોઈ,
યયાતિએ મધુર વચનથી તેને પૂછ્યું કે-તું કોણ છે?કોની પુત્રી છે? ને આ કૂવામાં કેવી રીતે પડી?(12-18)
પછી,દેવયાનીએ,તે યયાતિરાજાને,પોતાની ઓળખાણ આપી ને પોતાને કૂવામાંથી બહાર કાઢવા વિનંતી કરી,
એટલે યયાતિએ તેને તરત જ,કૂવામાંથી બહાર કાઢી,ને તેની રજા લઈને પોતાના નગર તરફ ગયો(19-23)
તે યયાતિ ચાલ્યો ગયો,એટલે દેવયાનીએ,પોતાની સાથે આવેલી દાસી ઘૂર્ણિકાને શોકથી કહ્યું કે-
'હે ઘૂર્ણિકા,તું ઝટ જા,ને મારા પિતાને કહેજે કે હવે હું વૃષપર્વાના નગરમાં પાછી નહિ જ આવું'
પછી,તરત જ તે દાસી શુક્રાચાર્ય પાસે પહોંચીને કહેવા લાગી કે-વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાએ દેવયાનીને
મારવા માટે કૂવામાં નાખી દીધી હતી'ત્યારે,શુક્રાચાર્ય દુઃખી થઈને પુત્રીને મળવા વનમાં ગયા ને
પુત્રીને ભેટીને કહેવા લાગ્યા કે-હે પુત્રી,સર્વ મનુષ્યો,પોતાના દોષોથી જ સુખદુઃખને પામે છે,
તારું પણ કંઈ પાપ થયું હશે,તેનું આ પ્રાયશ્ચિત થયું છે એમ સમજ
દેવયાની બોલી-મારા પાપનું પ્રાયશ્ચિત થાઓ કે ન થાઓ,પણ હું તમને શર્મિષ્ઠાએ જે કઠોર વચનો કહ્યાં હતાં
તે તમને જરૂર કહીશ.તે બોલી હતી કે 'તમે દૈત્યોના ભાટ છો' તે શું સાચું કે સારું કહેવાય? સાચું શું છે?
વળી તેને કહ્યું કે-'તું તો,સ્તુતિ કરનારા,નિત્ય ભીખ માંગનારા ને દાન લેનારની દીકરી છે' તે શર્મિષ્ઠાએ
અભિમાનથી છલોછલ થઈને વારંવાર આવા અપમાનજનક કઠોર વચનો કહ્યા હતા.
શુક્રાચાર્ય બોલ્યા-'હે દેવયાની,તેનું કહેવું સાચું નથી,તું તો,સ્તુતિ ન કરનાર પણ સ્તુતિ પામનારની પુત્રી છે.
વૃષપર્વા,ઇન્દ્ર-આદિ સર્વ આ વાતને જાણે છે.મારુ બળ દ્વંદ્વ રહિત ને ઈશ્વરી છે,'આ ભૂમિ કે સ્વર્ગમાં જે કંઈ છે
તે સર્વનો હું નિત્ય ઈશ્વર છું' એવું સ્વયંભૂ ભગવાને મને પ્રસન્નતાપૂર્વક કહ્યું છે.એ હું સત્ય કહું છું.
વૈશંપાયન બોલ્યાએ રીતે મીઠાં વચનોથી પિતાએ,ક્રોધ-ખેદ યુક્ત પુત્રીને સાંત્વન આપ્યું (24-41)
અધ્યાય-78-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE