Jan 19, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-071

 
અધ્યાય-૭૭-કચ અને દેવયાનીના પરસ્પર શાપ 

II वैशंपायन उवाच II समावृतव्रतं तं तु विसृष्ट गुरुणा सदा I प्रस्थितं त्रिदशावासं देवयान्यव्रविददम् II १ II

વૈશંપાયન બોલ્યા-જેનું વ્રત પૂરું થયું છે ને જેણે ગુરુથી વિદાય લીધી છે,તે કચ,દેવધામ જવા નીકળ્યો ત્યારે,

દેવયાનીએ તેને કહ્યું કે-હે કચ,જેમ,અંગિરા ઋષિ,મારા પિતાને માન્ય છે તેમ,બૃહસ્પતિ પણ મને માન્ય ને પૂજ્ય છે.

હવે,હું જે કહું છું તે વિષે તું વિચાર.તું નિયમપરાયણ ને (બ્રહ્મચર્ય) વ્રતમાં હતો,ત્યારે જેમ હું તને ભજતી હતી,

તેમ,વિદ્યાનું સમાપન કરીને વ્રતથી મુક્ત થયેલો તું મને ભજવા યોગ્ય છે,

માટે હવે તું,મંત્રપૂર્વક ને વિધિસર મારા હાથનો સ્વીકાર કર.

કચ બોલ્યો-હે દેવયાની,તારા પિતા શુક્ર,મારા માટે પૂજ્ય અને માન્ય છે,ને તું તો,મારા માટે વિશેષ પૂજ્ય છે.

ગુરુ શુક્રને તો તું પ્રાણથી એ વહાલી છે.હે ભદ્રા,તું ગુરુપુત્રી છે,એટલે તું મારા માટે ધર્માનુસાર સદાય પૂજ્ય છે.

તો મને તારું,આવું (હાથ સ્વીકારવાનું) કહેવું છાજતું નથી (1-8)


દેવયાની બોલી-તું તો બૃહસ્પતિનો પુત્ર છે,તું કંઈ મારા પિતાનો પુત્ર નથી,તેથી તું પણ મારા માટે પૂજ્ય છે.

અસુરો તને વારંવાર હણતા હતા,ત્યારથી મને તારા માટે વિશેષ પ્રીતિ ને મૈત્રી થઇ છે.તું યાદ કર,

ને મારી આ મૈત્રી-પ્રીતિમાં તું મારી અનુપમ ભક્તિને સમજ,દોષ વિનાની એવી મને તું ત્યજીશ નહિ (9-11)


કચ બોલ્યો-હે દશુભા,તું મને ન કરવાનું કાર્ય કરવાની આજ્ઞા આપી રહી છે,તું મારા પર કૃપા કર,

તું તો મને ગુરુથી પણ વધુ માનપાત્ર છે.જે શુક્રના ઉદરમાં તું રહી હતી,ત્યાં હું પણ રહ્યો છું,તેથી,

ધર્મથી,તું મારી બહેન થઇ છે,તો તું આવું ન કર.હું અહીં સુખથી રહ્યો હતો મને કશુંયે દુઃખ પડ્યું નથી,

પણ,હવે હું અહીંથી જઈશ,હું તારી રજા માગું છું,ધર્મને અવિરોધી એવી વાતોમાં તું મને સંભારજે,

ને સાવધાની ને ઉદ્યોગ પૂર્વક મારા ગુરુની નિત્ય સેવા કરજે (12-16)


દેવયાની બોલી-હે કચ,ધર્મ અને કામાર્થે હું તારી યાચના કરું છું,તું તેનો અનાદર કરશે 

તો તને તારી આ સંજીવની વિદ્યા કદી પણ સિદ્ધિ નહિ આપે.

કચ બોલ્યો-હું તારા કોઈ દોષને કારણે ટેરો અસ્વીકાર કરતો નથી,તું ગુરુપુત્રી છે,એમ સમજીને હું તને સ્વીકારતો નથી,વળી,ગુરુએ આ વિશે મને કોઈ આજ્ઞા આપી નથી.તો ભલે તું મને શાપ આપે.હું તને આ ઋષિ-સંમત ધર્મ કહું છું,એટલે તું મને શાપ આપે તે યોગ્ય નથી.તેં ધર્માનુસાર નહિ પણ કામવશ થઈને જ શાપ આપ્યો છે,તેથી તારી જે કામના છે તે સફળ નહિ થાય,કોઈ પણ ઋષિપુત્ર તને પરણશે નહિ.તેં મને કહ્યું કે,મારી વિદ્યા ફળશે નહિ,તો હું જેને એ વિદ્યા ભણાવીશ,તેને તે અવશ્ય ફળશે.(17-21)


દેવયાનીને આ પ્રમાણે કહીને,કચ,તરત જ ઈંદ્રરાજના ભવને ગયો,તેને આવેલો જોઈને, ઇન્દ્ર આદિ દેવોએ 

ને બૃહસ્પતિએ,તેને સન્માન આપ્યું ને કહ્યું-તેં અમારા હિત માટે અદભુત કાર્ય કર્યું છે,

તો તારો યશ કદીયે નાશ નહિ પામે.તું યજ્ઞનો અંશભાગી થા (22-24)

અધ્યાય-77-સમાપ્ત 

 INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE