Jan 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-069


 અધ્યાય-૭૬-કચ ને સંજીવનીવિદ્યાની પ્રાપ્તિ 

II जनमेजय उवाच II ययाति: पूर्वजोSस्माकं दशमो यः प्रजापतेः I कथं स शुक्रतनयां लेभे परमदुर्लभाम् II १ II

જન્મેજય બોલ્યા-પ્રજાપતિથી દશમી પેઢીએ થયેલા અમારા પૂર્વજ તે યયાતિએ પરમ દુર્લભ શુક્રપુત્રીને 

ક્યાંથી મેળવી? વળી,તમે બીજા વંશકર્તાઓ વિષે પણ અનુક્રમે કહો (1-2)

વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,યયાતિ નામે જે,ઈંદ્રરાજના જેવી કાંતિવાળો એક રાજા હતો.

તેને,શુક્ર અને વૃષપર્વાએ,જે માટે પોતાની પુત્રીઓ પરણાવી હતી,

તથા યયાતિનું અને દેવયાનીનું જે રીતે મિલન થયું હતું,તે વિશે તમને કહું છું,તે તમે સાંભળો.(3)


અગાઉ,ત્રિલોકમાં,સુરો અને અસુરો વચ્ચે,ઐશ્વર્ય માટે,પરસ્પર ભારે યુદ્ધ થયું હતું,

તે વખતે જયની ઇચ્છાએ,દેવોએ યજ્ઞને માટે,અંગિરાના પુત્ર બૃહસ્પતિને પુરોહિત કર્યા હતા,

તો અસુરોએ કવિપુત્ર શુક્ર(શુક્રાચાર્ય કે ઉશના) ને પુરોહિત નીમ્યા.હતા.બે બ્રાહ્મણો એકબીજાની ઘણી સ્પર્ધા કરતા હતા.ત્યારે,યુદ્ધમાં જે દાનવોને,દેવો મારી નાખતા હતા,તેમને શુક્રાચાર્ય પોતાના વિદ્યાના બળ વડે સજીવન કરતા હતા.એટલે,તે દાનવો ફરી ઉઠીને દેવો સાથે યુદ્ધ કરતા હતા.પણ,યુદ્ધમાં જે દેવો મરતા હતા,તેને બૃહસ્પતિ ફરી સજીવન કરી શકતા નહોતા,કેમ કે શુક્રાચાર્ય,જે સંજીવની વિદ્યા જાણતા હતા,તે તેમને આવડતી નહોતી.


આથી દેવોને ભારે ખેદ થયો,ને તેઓ બૃહસ્પતિના મોટા પુત્ર કચ પાસે ગયા.અને તેન કહ્યું કે-

શુક્રાચાર્ય પાસે જે સંજીવની વિદ્યા છે તે તમે તેની પાસે જઈને મેળવો.તમે નાની વયના છો,અને તે શુક્રાચાર્યને આરાધવા શક્તિમાન છો,વળી,તેમને દેવયાની નામની પ્રિય પુત્રી છે,તેને તમે પ્રસન્ન કરી શકો તેમ છો.

દેવયાની પ્રસન્ન થતા,તમને એ વિદ્યા ચોક્કસ પ્રાપ્ત થશે.તમે તે શુક્ર અસુરેન્દ્ર વૃષપર્વાની નજીક વસે છે.

ત્યારે,બ્રહસ્પતિ પુત્ર કચે 'તથાસ્તુ' કહ્યું ને તે વૃષપર્વાની પાસે જવા નીકળ્યો. (4-17)


અસુરેન્દ્ર વૃષપર્વાની રાજધાનીમાં આવી તે શુક્રાચાર્યને મળ્યો ને બોલ્યો કે-'હું અંગિરા ઋષિનો પૌત્ર અને બ્રહસ્પતિનો પુત્ર,કચ છું,હે બ્રહ્મન,આપને મારા પરમ ગુરુ માનીને હું હજારો વર્ષ બ્રહ્મચર્ય પાળીશ,

આપ મને આજ્ઞા આપો' શુક્રાચાર્ય બોલ્યા કે-'હે કચ.તારું કલ્યાણ થાઓ,તારું કહેવું હું માન્ય રાખું છું,

તને હું આદરઆપીશ,અને તારો આદર થતાં,બૃહસ્પતિનો પણ આદર થશે (18-21)


પછી,તે કચે,કવિના પુત્ર શુક્રાચાર્યે,નિર્દેશેલું,બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કર્યું.ને ઉપાધ્યાય શુક્ર ને તેની પુત્રી દેવયાનીને આરાધવા લાગ્યો.તે બંનેની નિત્ય આરાદહન કરતા,તે કચે,યોગ્ય ગીત,નૃત્ય અને વાદન કરીને,

દેવયાનીને સંતુષ્ટ કરી.ને યૌવનમાં આવેલી,દેવયાનીને ફૂલો,ફળો લાવી આપી,દેવયાનીને પ્રસન્ન કરી.

એકાંતમાં ગાયન આદિથી લાડ કરતી,દેવયાની પણ તે નિયમવ્રતમાં પરાયણ બ્રાહ્મણની સેવા કરવા લાગી,

આ રીતે વ્રત પાળતાં,કચને પાંચસો વર્ષ વીતી ગયાં, (22-26)


જયારે દાનવોને ખબર પડી કે બૃહસ્પતિનો પુત્ર કચ,સંજીવની વિદ્યા શીખવા આવ્યો છે,ત્યારે,

એકાંત વનમાં ગાયોની રખેવાળી કરતા,કચને,દ્વેષ ને ક્રોધપૂર્વક,મારી નાખ્યો ને તેના ટુકડા કરીને શિયાળ 

તથા વરુઓને નાખ્યા.સાંજે,ગાયો કચ વિના,એકલી પછી ફરી,ત્યારે દેવયાનીએ પિતાને કહ્યું કે-

કચ,દેખાતો નથી,તે નક્કી હણાયો લાગે છે,હું સાચું કહું છું કે તેના વિના હું જીવી શકીશ નહિ (27-32)


ત્યારે શુક્રાચાર્યે સંજીવની વિદ્યાનો પ્રયોગ કરીને કચને બોલાવ્યો,એટલે તે કચ,વરુઓના શરીર ભેદીને બહાર નીકળ્યો.અને તેણે પોતાની આપવીતી સંભળાવતાં કહ્યું-કે દાનવોએ તેની હત્યા કરી હતી.

પછી,ફરીથી તે ફૂલ વીણવા વનમાં ગયોઃ હતો,ત્યારે દાનવોએ તેને મારીને તેના ટુકડેટુકડા કરીને સમુદ્રના 

જળમાં ભેળવી દીધા.ત્યારે દેવયાનીને કહેવાથી શુક્રાચાર્યે,ફરીથી તેને સજીવન કર્યો.

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE