Jan 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-066


જેમ,બેપગાંમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે,ચોપગાંમાં ગાય શ્રેષ્ઠ છે,ને વડીલોમાં ગુરુ શ્રેષ્ઠ છે,તેમ સ્પર્શમાં પુત્ર-સ્પર્શ શ્રેષ્ઠ છે.

તો આ સુંદરમૂર્તિ પુત્રને ભેટીને તમે સ્પર્શ સુખ પામો.હે રાજન,ત્રણ વર્ષ પુરાં થયે,મેં તમારા આ કુમારનો જન્મ આપ્યો  છે,તેના જન્મ સમયે અંતરિક્ષ વાણીએ કહ્યું હતું કે-આ સો યજ્ઞો કરશે.

પુત્રના જાતકર્મ સંસ્કાર વખતે બ્રાહ્મણો જે વેદમંત્રો બોલે છે,તે તમે જાણતા જ હશો,વેદમંત્રો કહે છે કે-

'તું મારા અંગમાંથી થયો છે,તું મારા હૃદયથી થયો છે,તું પુત્રના નામે હું પોતે જ છે,તો તું સો શરદ જીવ.

તારે જ આધીન મારુ જીવતર છે,તારે જ આધીન મારી અક્ષય સંપત્તિ છે,તો તું સો શરદ જીવ.'

હે રાજન,આમ તમારા અંગમાંથી આ બીજો પુરુષ થયો છે.તેને તમારા પ્રતિબિંબ જેવા પુત્રરૂપે જુઓ.

જેમ,ગાર્હપત્ય અગ્નિમાંથી આહવનીય અગ્નિ લેવાય છે,તેમ તમારાથી આ પુત્રરૂપે થયો છે,

પહેલાં,તમે એક હતા,પણ હવે આ પુત્રથી તમે બે રૂપ થયા છો (63-67)


હે રાજન,તમે જયારે મૃગયા માટે નીકળેલા,ત્યારે મારા પિતા કણ્વ ઋષિના આશ્રમે આવેલા,ને ત્યારે તમે,

કુંવારીકા એવી મારી સાથે ગાંધર્વવિવાહ કરેલો હતો.બ્રહ્માથી જન્મેલી,મેનકા નામની શ્રેષ્ઠ અપ્સરા,

એવલોકથી ઉતરીને આ લોકમાં આવીને વિશ્વામિત્રથી ગર્ભ ધારણ કર્યો,ને તે મેનકાએ મને,જન્મ આપ્યો,અને પછી,હું જાણે,પરાઈ પુત્રી હોઉ,તેમ મને છોડીને ચાલી ગઈ.મેં આગળ જન્મમાં તો કેવું અશુભ કર્મ કર્યું હશે કે,બાળપણમાં મને માતાપિતાએ ત્યજી દીધી અને હવે તમે મને છોડી રહયા છો.ભલે,તમારાથી ત્યજાયેલી 

હું મારે આશ્રમે જઈશ,પણ તમારા પોતાના જ આ પુત્રનો ત્યાગ કરવો તમને યોગ્ય નથી (18-73)


દુષ્યંત બોલ્યો-હે શકુંતલા,તારામાં જન્મેલા પુત્રને હું ઓળખતો નથી,સ્ત્રીઓ જુઠ્ઠાબોલી હોય છે,તારા વચનમાં કોણ વિશ્વાસ મૂકે?નિર્દય વારાંગના મેનકા તારી માતા છે,જેણે તને ત્યજી દીધી હતી,ને દયાહીન બ્રાહ્મણપદનો લોભી અને કામવશ થયેલો ક્ષત્રિયવંશનો વિશ્વામિત્ર તારો પિતા છે,તું પણ જારસ્ત્રીની જેમ જ બોલે છે.

તને લાજ આવતી નથી?હે દુષ્ટ તાપસી,તું અહીંથી ચાલી જા,મહાકાય આ તારો પુત્ર,થોડા જ વખતમાં,

સાગના સોટાની જેમ કેમ વધી ગયો છે? તું નીચ પેટની પાકેલી છે,તેથી તું વેશ્યાની જેમ બોલે છે.

મેનકાએ કામપ્રીતિથી તને યચેચ્છ જન્માવી છે,હું તને ઓળખતો નથી તું અહીંથી ચાલી જા.(74-82)


શકુંતલા બોલી-હે રાજન,તમે પારકાનાં સરસવ જેવડાં છિદ્રો જુઓ છો,પણ પોતાનાં બીલાં જેવડાં છિદ્રો જોતા છતાં જોતા નથી,મેનકા દેવોની જ છે અને દેવો મેનકાના જ છે.તમારા કરતાં મારો જન્મ ચડિયાતો છે,

તમે ધરતી પર ચાલો છો તો હું અંતરિક્ષમાં ચાલુ છું.હું ઇન્દ્ર,કુબેર,યમ અને વરુણના મહેલે જઈ શકું,એવો મારો પ્રભાવ છે,મેરુ અને સરસવ જેવો આપણી વચ્ચેનો ભેદ તમે જુઓ.તમને હું દ્વેષથી નહિ,પણ ઉદાહરણ માટે એક કહેવત કહું છું કે-બેડોળ મનુષ્ય,જ્યાં શુદ્ધિ પોતાનું મુખ દર્પણમાં જોતો નથી ત્યાં સુધી પોતે રૂપવાન છે-એમ માને છે.ને જયારે દર્પણમાં પોતાનું મુખ જુએ ત્યારે જ તે પોતામાં અને બીજામાં શું અંતર છે તે જાણે છે,.(83-89)


પણ,અતિરૂપવાન મનુષ્ય,કોઈનો  અનાદર કરતો નથી.બહુ બડબડ કરનારો નિંદક જ પીડા કરે છે.

જેમ,ડુક્કર વિષ્ટાને જ લે છે,તેમ,કહેનાર મનુષ્યનાં શુભ-અશુભ વચનો સાંભળીને મૂર્ખ મનુષ્ય અશુભ વચનોને જ પકડે છે,પણ ડાહ્યો મનુષ્ય શુભ વચનોને જ સ્વીકારે છે.બીજાની નિંદા કરવામાં દુર્જનને સંતોષ થાય છે પણ,સાધુ મનુષ્યને સંતાપ થાય છે.સંતો,સજ્જનને વંદન કરી સુખ પામે છે ને મૂર્ખાઓ,સજ્જનને પીડા આપીને ઠંડા પડે છે.

પોતાના દોષોને ન જોનારા ને પારકાના દોષોને જોનાર,તેવા મૂર્ખાઓ,જાણે કે ચેનથી જીવે છે,

તે મૂર્ખાઓ,સંતોની નિંદા કરે છે,પોતે દુર્જન હોઈ તેમને પણ દુર્જન કહે છે.

જેમ,ઝેરીલા નાગથી ભય લાગે છે,તેમ,સત્યધર્મથી પડેલા આવા મનુષ્યથી નાસ્તિક મનુષ્યો પણ બીવે છે,

 તો આસ્તિકનું તો કહેવું જ શું? જે મનુષ્ય,પોતાના સમ પુત્ર ઉત્પન્ન કરીને તેને સ્વીકારતો નથી,

તેની લક્ષ્મીનો દેવો નાશ કરે છે અને તેને પુણ્ય લોકો ભોગવવા મળતા નથી.(90-98)

 INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE