Jan 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-065


 રાજાની આવી વાત સાંભળતા જ શકુંતલા,લજ્જાથી ભોંઠી પડી ગઈ,દુઃખથી તે પથ્થરની જેમ ઉભી રહી,

તીરછી નજરે તે રાજાને જોઈ રહી,ક્રોધથી ઉકળેલી હોવા છતાં,તેણે ક્રોધને છુપાવી રાખ્યો.

થોડીવાર વિચાર કરીને,દુઃખ અને કોપથી યુક્ત એવી તેણે,રાજાને કહ્યું કે-'હે મહારાજ,જાણતા હોવા છતાં,તમે એક સાધારણ મનુષ્યની જેમ 'હું જાણતો નથી' એવું કેમ બોલો છો? સાચું-જૂઠું તો તમારું હૃદય જાણે છે,માટે આત્માને સાક્ષી રાખીને તમે કલ્યાણકારી વચન બોલો.તમે એમ સમજો છો કે 'હું એકલો છું,ને મને જોનાર કોઈ નથી'

પણ,પરમાત્મા,આ સર્વ જોઈ રહ્યા છે ને તેમની સમક્ષ તમે જુઠ્ઠું બોલીને પાપ કરી રહ્યા છો.(24-28)

પાપ કરીને કેટલાક લોકો માને છે કે'કોઈ મને પાપી તરીકે જાણતું નથી' પણ હૃદયના ભગવાન (આત્મા) અને સર્વ દેવો

તો તેને જાણે જ છે.સર્વ કર્મોના સાક્ષી એવા હૃદયમાં વિરાજેલા ક્ષેત્રજ્ઞ (પરમાત્મા) જેના પર પ્રસન્ન થાય છે,

તેનાં સર્વ દુષ્કૃત્યોનો (વિવસ્વાન પુત્ર) યમરાજ નાશ કરે છે,પણ જે દુરાચારી પુરુષ પર એ અંતર્યામી પરમાત્મા પ્રસન્ન

થતા નથી તે દુષ્ટને યમરાજ ભારે પીડા આપે છે.જે પોતાની જાતનો અનાદર કરીને,પોતાને જુદીરીતે જ 

રજુ કરે છે (જુઠ્ઠું બોલે છે) તેનું, તેનો આત્મા (ને દેવો) પણ હિત કરતા નથી.(29-33)


'હું જાતે કરીને (લાભ લેવા) આવી છું' એમ માનીને તમે મને પતિવ્રતાની અવગણશો નહિ.હું તમારી પત્ની છું,ને અહીં સભામાં ઉભી છું,તો પૂજાપાત્ર એવી મને તમે કેમ સત્કારતા નથી? તમે મને હલકટ સ્ત્રીની જેમ કેમ જુઓ છો?શું હું વેરાનમાં રોઈ રહી છું? તમે મને સાંભળતા નથી? હું યાચના કરીને કહું છું,તમે મારુ વચન નહિ માનો 

તો તમારા માથાના હમણાં જ સેંકડો ટુકડા થઇ જશે.પ્રાચીન ઋષિઓ કહે છે પતિ,પત્નીમાં પ્રવેશીને,

ફરી પુત્ર તરીકે જન્મે છે,ને એ જ જાયા (પત્ની)નું જાયાત્વ (પત્નીપણું) છે.પુત્ર કુળને તારે છે (34-38)


પુત્ર,પિતાને 'પુત' નામના નરકમાંથી ત્રાણ (રક્ષણ) આપે છે,તેથી તે પુત્ર કહેવાય છે-એમ સ્વયંભૂએ પોતે કહ્યું છે.

પુત્ર વડે મનુષ્ય,લોકો પર જય મેળવે છે,પૌત્રથી તે અનંતસુખ ભોગવે છે ને પ્રપૌત્રોથી પ્રપિતામહો આનંદ પામે છે.

પત્ની તે જ છે કે -જે પ્રજા (સંતાનો)વાળી છે,જેનો પતિ એ પ્રાણ છે,ને જે પતિવ્રતા છે.

ભાર્યા (પત્ની) એ પુરુષનું અર્ધાંગ છે,ભાર્યા,એ ઉત્તમોત્તમ મિત્ર છે,ભાર્યા,ધર્મ-અર્થ-કામનું મૂળ છે,અને 

ભાર્યા,એ ભવતરણ(મોક્ષ)ની જડ  છે.ભાર્યાવાળાઓ જ -ધર્મક્રિયાઓ કરે છે,ભાર્યાવાળાઓ જ ગૃહસ્થાશ્રમી છે,

ભાર્યાવાળાઓ જ આનંદ કરે છે ને ભાર્યાવાળાઓ જ લક્ષ્મીથી સંપન્ન બને છે (39-42)


પત્ની,એકાંતમાં મિત્ર-રૂપ,ધર્મકાર્યોમાં પિતા-રૂપ,આપત્તિમાં માતા-રૂપ ને પ્રવાસમાં વિશ્રામ-રૂપ બને છે.

જેને પત્ની હોય,તે જ વિશ્વાસપાત્ર છે,આથી પત્ની એ પરમગતિ-રૂપ છે.સ્વામી,સંસારમાં હોય,મૃત્યુ પામ્યો હોય કે

નરકમાં પડ્યો હોય,તો પણ પતિવ્રતા પત્ની તેને જ અનુસરે છે.જો પત્ની પહેલી પરલોકવાસી થાય,તો તે પતિની પરલોકમાં રાહ જુએ છે અને પતિ જો પહેલો મરી જાય તો,તે સાધ્વી તેની પાછળ જાય છે (43-46)


હે રાજન,આમ,પતિ આ લોક ને પરલોકમાં પત્નીને મેળવે છે,એટલે જ લોકો લગ્નની ઈચ્છા કરે છે.

પંડિતો કહે છે કે-પુરુષ,પોતે જ પોતાના થકી પુત્ર-રૂપે જન્મે છે,એથી પુત્રવતી પત્નીને માતાના જેવી જાણવી.

પુણ્યવાન પુરુષ,જેમ સ્વર્ગને પામીને આનંદ પામે છે,તેમ,પત્નીમાં જન્મેલા પુત્રને જોઈ તે આનંદિત થાય છે,

જેમ,તાપથી અકળાયેલને પાણી આનંદ આપે છે,તેમ,પુરુષને પત્નીનો સંગ આનંદ આપે છે.ભારે ક્રોધ ચડ્યો હોય,

તો એ મનુષ્યે સ્ત્રીઓનું અપ્રિય ન કરવું જોઈએ કેમ કે -રતિ,પ્રીતિ અને ધર્મ તેને જ સ્વાધીન છે (47-52)


સ્ત્રી,એ આત્માનું સંતાન અને પવિત્ર જન્મક્ષેત્ર છે.ઋષિઓની પણ એવી કોઈ શક્તિ નથી કે તે સ્ત્રી વિના પ્રજા સર્જી શકે!! ધરતીની ધૂળથી ખરડાયેલ,પુત્ર નજીક આવીને પિતાના અંગોને ભેટે,તે વખતે પિતાના માટે,તેથી અધિક કયું સુખ હોઈ શકે? તો,આ તમારો પુત્ર,જાતે જ આવી મળ્યો છે,ને ઉત્સાહયુક્ત દૃષ્ટિથી,આપણે જોઈ રહ્યો છે,તો તમે તેને શા માટે અવગણો છો? કીડીઓ પણ પોતાના ઈંડાંને પોષે છે,ભાંગી નાખતી નથી,

તો તમે ધર્મજ્ઞ હોઈને,તમારા પુત્રને કેમ ન પાળો? વસ્ત્રોના કે પાણીના સ્પર્શથી પણ એવું સુખ થતું નથી 

કે જેવું સુખ પુત્રના સ્પર્શથી થાય છે (માટે આપે પુત્રનો સ્પર્શ કરવો જોઈએ)(53-57)

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE