અધ્યાય-૭૩-દુષ્યંત અને શકુંતલાનો ગાંધર્વવિવાહ
II दुष्यन्त उवाच II सुव्यक्तं राजपुत्री त्वं यथा कल्याणि भापसे I भार्या मे भव सुश्रोणि ब्रुहि किं करवाणि ते II १ II
દુષ્યંત બોલ્યો-હે કલ્યાણી,તું કહે છે તે મુજબ,તું નક્કી રાજપુત્રી છે,માટે તું મારી પત્ની થા.
તું કહે કે,હું તારું શું પ્રિય કરું?સુવર્ણમાળાઓ,વસ્ત્રો,કંચનકુંડળો અને વિવિધ દેશોમાં પાકેલા
ઉજ્જવળ મણિઓ,રત્નો,સોનામહોરો-આદિ હું અત્યારે જ તારા માટે લાવી દઉં.હે શોભના,આજથી મારું
આ સર્વ રાજ્ય તારું જ છે,તું મને ગાંધર્વલગ્નથી વર.કારણકે વિવાહોમાં ગંધર્વ વિવાહ શ્રેષ્ઠ કહેવાયો છે.(1-4)
શકુંતલા બોલી-હે રાજન,મારા પિતા આવે ત્યાં સુધી થોડીવાર તમે થોભી જાઓ,તે પોતે,મને તમને આપશે.
દુષ્યંત બોલ્યો-હે શ્રેષ્ઠ સુંદરી,હું ઈચ્છું છું કે તું મને જ ભજે,હું અહીં તારા માટે જ ઉભેલો છું તેમ જાણ.
મારુંમન તારા પર જ આસક્ત થયું છે.મનુષ્ય પોતે જ પોતાનો બંધુ છે અને પોતે જ પોતાની ગતિ છે,
એટલે તું પોતે જ ધર્મપૂર્વક તારું દાન કરવા યોગ્ય છે.
ધર્માનુસાર આઠ પ્રકારના વિવાહો કહ્યા છે-બ્રાહ્મ,દૈવ,આર્ષ,પ્રજાપત્ય,આસુર,ગંધર્વ,રાક્ષસ અને પૈશાચ.
તેમાં,પ્રથમના ચાર,બ્રાહ્મણો માટે ને પ્રથમના છ,ક્ષત્રિયો માટે છે,વળી રાજાઓ માટે રાક્ષસ વિવાહ પણ છે,
આમ,ક્ષત્રિયને માટે ગંધર્વ અને રાક્ષસ-એ વિવાહો ધર્મયુક્ત છે,તે વિષે તું શંકા લાવીશ નહિ.અને
આ બંને વિવાહો ભેગા કરવા? કે જુદા કરવા -એ વિષે પણ કોઈ સંશય નથી.હે સુંદરી,હું સકામ છું તો,
તું પણ 'કામ'વાળી છે તો તું ગાંધર્વવિવાહથી મારી પત્ની થવા યોગ્ય છે.(5-19)
શકુંતલા બોલી-હે પ્રભુ,જો આ ધર્મમાર્ગ છે અને જો હું મારા વિશે સ્વતંત્ર છું,તો લગ્ન વિશે,મારો નિર્ણય
તમે સાંભળો.તમે મને વચન આપો કે,મારામાં જે પુત્ર જન્મે,તે પછીથી યુવરાજ થાય.હું આ સત્ય કહું છું,
માટે જો એમ થઇ શકે તેમ હોય તો,ભલે તમારો અને મારો સંગમ થાઓ.(15-17)
વૈશંપાયન બોલ્યા-ત્યારે રાજાએ વિચાર્યા વિના જ કહી દીધું કે-'હે સુંદરી,ભલે એમ જ હો,હું તને છાજે તેમ રાજનગરમાં
લઇ જઈશ હું તને સત્યવચન કહું છું' ને આમ કહીને તે રાજર્ષિએ,શકુંતલા સાથે વિધિપૂર્વક હસ્તમેળાપ કર્યું અને
તેની સાથે રહ્યો,ને પછી તેને વિશ્વાસ આપતાં બોલ્યો કે-
'હું તારા માટે ચતુરંગિણી સેનાને મોકલીશ અને તને મારે નિવાસે બોલાવી લઈશ (18-21)
હે જન્મેજય,આ પ્રમાણે વચન આપીને,તે રાજા,મનથી વિચારવા લાગ્યો કે-'કણ્વ ઋષિ,
પોતાનું આ કૃત્ય સાંભળીને શું કરશે?' ને આમ વિચારતો તે પોતાના નગરમાં પાછો ગયો.
પછી,કણ્વ ઋષિ આશ્રમે પાર્ટ આવ્યા,ત્યારે શકુંતલા શરમની મારી તેમની પાસે ગઈ.
મહાતપસ્વી કણ્વ ઋષિએ,દિવ્યદૃષ્ટિથી,સર્વ વૃતાન્ત જાણી લીધું ને પ્રસન્ન થઈને બોલ્યા-
'હે કલ્યાણી,આજે એકાંતમાં,મારો અનાદર કરીને તેં પુરૂષસંગ કર્યો છે,તે ધર્મને ઘાતક નથી,
ક્ષત્રિય માટે ગાંધર્વવિવાહ જ શ્રેષ્ઠ ગણાયો છે.કે જેમાં,કામયુક્ત સ્ત્રી સાથે,કામયુક્ત પુરુષનું,
મંત્ર વિના એકાંતમાં મિલન કહ્યું છે.તેં જેને પતિ તરીકે સ્વીકારીને ભજ્યો છે તે રાજા દુષ્યંત,
ધર્માત્માને પુરુષશ્રેષ્ઠ છે.તને આ લોકમાં મહાબળવાન પુત્ર જન્મશે,તે સમસ્ત પૃથ્વીને ભોગવશે,
શત્રુ સામે ચડેલા તે મહાત્મા ચક્રવર્તીના રથનું ચક્ર અસ્ખલિત રહેશે ( 22-30)
પછી થાક ખાઈને બેઠેલા ઋષિને શકુંતલા કહેવા લાગી કે-મેં પુરુષોત્તમ એવા રાજા દુષ્યન્તને
પતિ તરીકે સ્વીકાર્યા છે તો તેમના પ્રધાનો સાથે,તેમના પર પ્રસન્ન થવા યોગ્ય છો.
કણ્વ બોલ્યા-તારે લીધે,હું તેમના પર પ્રસન્ન જ છું,હે શુભ તું ઈચ્છીત વરદાન માગી લે.
ત્યારે દુષ્યન્તનું હિત કરવાની ઈચ્છાથી શકુંતલાએ,પૌરવોની ધર્મિષ્ટતા
તથા તેમનું રાજ્યથી ભ્રષ્ટ ન થવું-એવા બે વરદાન માગ્યાં.(31-34)
અધ્યાય-73-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE