અધ્યાય-૭૦-કણ્વ-ઋષિના આશ્રમમાં દુષ્યંત
II वैशंपायन उवाच II ततो मृगसहस्त्राणि हत्वा सबलवाहनःI राज मृगप्रसंगेन वनमन्यद्विवेश ह II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,હજારો મૃગોને મારીને,રાજાએ,પોતાના લશ્કર અને વાહનો સાથે,બીજા વનમાં પ્રવેશ કર્યો.
ભૂખ્યો ને તરસ્યો તે વનના છેડા સુધી પહોંચ્યો,તો ત્યાં મહાન શૂન્ય પ્રદેશ આવ્યો.ત્યાંથી પણ આગળ વધીને તે બીજા એક મહાવનમાં પ્રવેશ્યો,કે જે વન,ઉત્તમ આશ્રમોથી યુક્ત,મન તથા નેત્રને આનંદ આપનારું,શીતળ વાયુથી સંયુક્ત,ફુલવાળા વૃક્ષોથી ભરપૂર,હરિયાળા ઘાસથી છવાયેલું,અને પંખીઓ ને ભમરાઓના નાદવાળું હતું (1-6)
વૃક્ષોની સુખદાયી છાયાથી ભરપૂર,તે ઉત્તમ અને મનોહર વનમાં,તે રાજાએ પ્રવેશ કર્યો,ત્યારે વૃક્ષોએ તેના પર વારંવાર પુષ્પોની વૃષ્ટિ કરી.મનને શાંતિ આપનારા,અનેક પ્રદેશો જોઈને રાજા અતિ પ્રસન્ન થયો.
ત્યારે,તે વનને જોતાં,દૂરથી,તેણે કલ્લોલ કરતાં પંખીઓથી ભરેલ,એક શ્રેષ્ઠ,મનોરમ ને રમણીય આશ્રમ જોયો.
કે જેમાં પવિત્ર અગ્નિઓ પ્રજ્વલિત હતા,રાજાએ મનથી તે આશ્રમનું પૂજન કર્યું.(7-18)
હે રાજન,તે આશ્રમમાં યતિઓ,વાલખીલ્યો ને મુનિઓ વિરાજતા હતા,તેમાં અનેક અગ્નિગૃહો હતાં,
અને પુષ્પોના પાથરણાથી તે પથરાયેલો હતો.પવિત્ર અને સુખદાયી જળવાળી,માલિની નદી તેની પાસે વહેતી હતી,
હિંસક પશુઓ અને હરણાંને સૌમ્ય અને વેરમુક્ત જોઈને રાજા અત્યંત આનંદ પામ્યો.(19-22)
કશ્યપ ગોત્રી,મહાત્મા કણ્વ ના તે આશ્રમ આગળ,રાજા આવી પહોંચ્યો,ને તેણે આશ્રમની અંદર,કણ્વ ઋષિના
દર્શન માટે જવાની ઈચ્છા કરી.ત્યારે તેણે,પોતાની સેનાને વનદ્વાર બહાર ઉભી રાખીને કહ્યું કે-
'હું મહાત્મા કણ્વના દર્શન માટે જાઉં છું,હું પાછો આવું ત્યાં સુધી તમે અહીં ઉભા રહેજો (23-33)
તે નંદનવનસમ વનમાં પ્રવેશતાં જ રાજાની ભૂખતરસ મટી ગઈ હતી ને તે આનંદને પામ્યો હતો,
હવે તેણે,પોતાના રાજચિહ્નોને અળગાં કર્યા ને પ્રધાન ને પુરોહિત સાથે તે આશ્રમમાં ગયો.
અને વિવિધ પક્ષીઓ ને ભમરાઓના ગુંજારવથી ગાજતા તે બ્રહ્મલોક જેવા આશ્રમને જોવા લાગ્યો,
યજુર્વેદ,ઋગ્વેદ અને સામવેદની ઋચાઓ ગાતા અને અનેક કર્મકાંડોમાં તલ્લીન બ્રાહ્મણો તેણે ત્યાં જોયા.
શબ્દ-સંસ્કારપૂર્વક ઉચ્ચારણ કરતા,બ્રાહ્મણોથી તે આશ્રમ,જાણે બીજો બ્રહ્મલોક હોય,તેમ શોભતો હતો.
શત્રુનાશી,તે રાજાએ,ત્યાં,ઠેરઠેર નિયમ પરાયણ,વ્રતશીલ અને જપ-હોમમાં યુક્ત એવા વિપ્રો ને વિપેન્દ્રો જોયા,
ત્યાં પ્રયત્નપૂર્વક ગોઠવવામાં આવેલ,સુંદર અને અદભુત આસનો જોઈને રાજા વિસ્મય પામ્યો.
વળી,બ્રાહ્મણો,દેવસ્થાનોની જે પૂજા કરી રહ્યા હતા,તે જોઈને,તે રાજાને,પોતે બ્રહ્મલોકમાં આવ્યો હોય-તેવું લાગ્યું.
કાશ્યપના તપના ગુણથી સંરક્ષિત,તે સુંદર,શુભ ને શ્રેષ્ઠ આશ્રમને જોતાં તે ધરાયો જ નહિ
હવે,ઋષિઓથી ચોમેર વીંટાયેલા એવા,તે એકાંત,અત્યંત રમણીય અને પવિત્ર આશ્રમમાં,
તે રાજાએ,પોતાના અમાત્ય (પ્રધાન) અને પુરોહિત સાથે પ્રવેશ કર્યો.(34-51)
અધ્યાય-70-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE