Jan 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-058


 હે રાજન,યુધિષ્ટિર-એ ધર્મના અંશરૂપે,ભીમ-એ વાયુદેવના અંશરૂપે,અર્જુન-એ ઇન્દ્રના અંશરૂપે,

અને નકુલ તથા સહદેવ-એ અશ્વિનીકુમારોના અંશથી,આ લોકમાં પેદા થયા હતા.અભિમન્યુ-એ વર્યા નામના

સોમપુત્રના અંશથી અવતર્યો હતા.હે રાજન,તમારા પિતાની આ જન્મકથા કહી.(112-126)

ધૃષ્ટધુમ્ન-એ અગ્નિના અંશરૂપે જન્મ્યા હતા,શિખંડી-એ રાક્ષસના અંશરૂપે જન્મ્યો હતો.

દ્રૌપદીના પાંચ પુત્રો-પ્રતિવિન્દ્ય,સુતસોમ,શ્રુતકીર્તિ,શતાનિક અને શ્રુતસેન-એ વિશ્વોદેવ-ગણના અંશરૂપ હતા.

વસુદેવના પિતા શૂરસેનને પૃથા નામે જે કન્યા હતી,તે,વચન મુજબ, કુંતીભોજને આપી હતી.(શૂરસેને પોતાના

પિતાની બહેનના પુત્ર કુંતીભોજને પોતાનું પહેલું બાળક આપવાનું વચન આપ્યું હતું)(127-132)


તે પૃથા (કુંતી) પિતા કુંતીભોજના ઘરમાં,બ્રાહ્મણ અને અતિથિના પૂજનમાં પરાયણ રહેતી હતી,

એકવાર તેની સેવાથી પ્રસન્ન થયેલા દુર્વાસા ઋષિએ,તેને મંત્ર આપીને કહ્યું કે-

'તું આ મંત્રથી જે જે દેવનું આવાહન કરીશ,તે તે દેવના પ્રસાદથી તું પુત્રોનો જન્મ આપીશ'

પોતે કુમારી કન્યા હોવા છતાં,તે કુંતીએ કુતુહલવશ થઈને સૂર્યનું આવાહન કર્યું,ત્યારે સૂર્યે તેનામાં ગર્ભાધાન કર્યું.

કે જેથી,કવચ-કુંડળ યુક્ત,સૂર્યના જેવા તેજવાળો પુત્ર (કર્ણ) ઉત્પન્ન થયો.ત્યારે કુંતીએ જન્મ પામેલા તે કુમારને,

બંધુપક્ષના ને સંસારના ભયથી પાણી (નદી) માં છોડી દીધો (133-140)


દૈવથી મળેલા,તે પુત્રને અધિરથ અને રાધાએ,પોતાના પુત્ર તરીકે ઉછેર્યો,ને તેનું નામ 'વસુષેણ' રાખ્યું.

મોટો થતાં,તે સર્વ અસ્ત્રોમાં ઉત્તમ બન્યો,અને પોતે જપમાં બેઠો હોય ત્યારે બ્રાહ્મણો,જે માગે તે આપતો,

તેથી તેની કીર્તિ એક 'મહાન દાની' તરીકેની થઇ હતી.એકવાર ઇન્દ્રે પોતાના પુત્ર (અર્જુન)ની જિંદગી માટે,

તે જે કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો તે માંગ્યા.એટલે કર્ણે તેને પોતાના અંગ પરથી ઉતરડીને આપ્યા,

પોતાના આવા કર્મને લીધે તે વૈકર્તન કર્ણ તરીકે (ને પછીથી કર્ણ તરીકે) વિખ્યાત થયો.

વિસ્મિત થયેલા ઇન્દ્રે તેને એક શક્તિ આપી અને કહ્યું કે-જે કોઈ પર તું આ ફેંકશે,તે ક્ષણમાં નાશ પામશે'

આમ,પૃથા (કુંતી)નો આ પ્રથમ પુત્ર કર્ણ -એ સૂર્યના અંશરૂપ હતો.(141-151)


જે સનાતન,દેવાધિદેવ નારાયણ છે,તેમનો અંશ,આ માનવલોકમાં 'વાસુદેવ' (કૃષ્ણ)રૂપે થયો.

બલદેવ-એ શેષનાગના અંશરૂપ હતા,પ્રધુમ્ન-એ સનતકુમારના અંશરૂપ હતા.

આ રીતે દેવોના બીજા અનેક અંશો વસુદેવ-વંશમાં ઉત્પન્ન થયા હતા.

હે રાજન,ઇન્દ્રની આજ્ઞાથી,અપ્સરાઓનો ગણ,આ લોકમાં,સોળ હજાર દેવીઓ-રૂપે જન્મી હતી,

કે જે સર્વ વાસુદેવ (કૃષ્ણ)ની પત્નીઓ થઇ હતી.શ્રીલક્ષ્મીજી-એ રુકિમણી નામે જન્મ્યાં હતાં.

ઈન્દ્રાણી-એ દ્રૌપદી-રૂપે જન્મી હતી,કે જે અતિસુંદર દ્રૌપદી,પાંચ-પાંડવોની પત્ની બની હતી.

સિદ્ધિ-અને ધૃતિ-એ કુંતી અને માદ્રી તરીકે અવતરી,ને પાંચ પાંડવોની માતા બની હતી.

મતિ-દેવી-પોતાના અંશરૂપે -ગાંધારી-રૂપે જન્મી કૌરવોની માતા બની હતી.(152-161)


હે રાજન,દેવો,અસુરો,ગંધર્વો,અપ્સરાઓ,રાક્ષસોના અંશાવતારો તમને કહ્યા,જન્મ-મૃત્યને જાણનાર,

ડાહ્યો મનુષ્ય,આ અંશાવતરણની કથા સાંભળવાથી,વિપત્તિમાં પણ ખેદ પામતો નથી (162-167)

અધ્યાય-67-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE