અધ્યાય-૬૬-વિવિધ સૃષ્ટિ
II वैशंपायन उवाच II ब्रह्मणो मानसाः पुत्रा विदिताः पणंहर्षयः I एकादशः सुताः स्थाणोः ख्याताः परंतेजसः II १ II
વૈશંપાયન બોલ્યા-પ્રસિદ્ધ છ મહર્ષિઓ બ્રહ્માના માનસપુત્રો હતા(મરીચિ,અત્રિ,અંગિરા,પુલસ્ત્ય,પુલહ,અને ક્રતુ)
સાતમા સ્થાણુ નામના પુત્રને અગિયાર પુત્રો થયા હતા.તે,મૃગવ્યાધ,સર્પ,નિઋતિ,
અજૈકપાટ,અહિર્બુધ્ન્ય,પિનાકી,દહન,ઈશ્વર,કપાલી,સ્થાણુ ને ભગ-એ અગિયાર 'રુદ્રો' તરીકે પ્રખ્યાત છે.
અંગિરાના બૃહસ્પતિ,ઉતથ્ય અને સંવર્ત નામના ત્રણ પુત્રો હતા.
અત્રિના અનેક પુત્રોનાં નામ સંભળાય છે,તે બધા વેદવેત્તા,સિદ્ધ અને શાંતચિત્ત મહર્ષિઓ હતા.
પુલસ્ત્યના પુત્રો,રાક્ષસો,વાનરો,કિન્નરો અને યક્ષો હતા.
પુલહના સંતાનોમાં સિંહો,કિંપુરુષો,શલભો,વ્યાઘ્રો,યક્ષો ને દીપડાઓ હતા.
ક્રતુના સંતાનો તેના જેવા જ,સૂર્ય સાથે ફરનારા સત્યવ્રતી એવા વાલખિલ્ય પુત્રો થયા હતા.(1-9)
બ્રહ્માજીના જમણા અંગૂઠામાંથી,દક્ષ ઋષિ,ને ડાબા અંગૂઠામાંથી દક્ષની પત્ની ઉત્પન્ન થઇ હતી.
કે જે સ્ત્રીમાં,દક્ષ ઋષિથી પચાસ કન્યાઓ ઉત્પન્ન કરી હતી.દક્ષ પ્રજાપતિના પોતાના પુત્રો નાશ પામવાથી,
એ કન્યાઓને પુત્રિકા (એટલે કે એ પુત્રીઓને જે પુત્ર થશે તે પોતાનો પુત્ર થશે) કરી હતી.
દક્ષે,વિધિપૂર્વક,દશ કન્યાઓ ધર્મને આપી,સતાવીશ ચંદ્રને આપી,ને તેર કશ્યપને આપી.
તેમનાં નામ હું કહું છું,તે તમે સાંભળો.
કીર્તિ,લક્ષ્મી,ધૃતિ,,પુષ્ટિ,શ્રદ્ધા,ક્રિયા,બુદ્ધિ,લજ્જા અને મતિ-એ દશ ધર્મની પત્નીઓના નામ છે,
કાળ(સમય)નું સૂચન કરતાં,અશ્વિની,ભરણી-આદિ નક્ષત્રોને નામે ચંદ્ર-પત્નીઓ પ્રસિદ્ધ છે.(10-17)
બ્રહ્માજીનો પુત્ર 'મનુ' છે અને એ મનુનો પુત્ર પ્રજાપતિ છે.તે પ્રજાપતિના આઠ વસુ પુત્રો છે.
ધર,ધ્રુવ,સોમ,અહ,અનિલ,અનલ,પ્રત્યુષ અને પ્રભાસ -એ આઠ વસુઓ કહેવાય છે.
ધૂમ્રાથી,ધર અને ધ્રુવ,મનસ્વીથી ચંદ્ર (સોમ),શ્વાસાથી વાયુ (અનિલ),રતાથી અહ (દિવસ)
શાંડિલ્યાથી હુતાસન (અનલ)ને પ્રભાતાથી પ્રત્યુષ અને પ્રભાસ ઉત્પન્ન થયા હતા.
તેમાં,ધર ને દ્રવિણ તથા હુતહવ્યવહ નામના બે પુત્રો હતા,ધ્રુવને 'કાલ' નામે પુત્ર થયો.
સોમનો પુત્ર વરચા (વર્યા) થયો.શિશિર,પ્રાણ અને રમણ-એ મનોહરા(વર્યા) ના પુત્રો થયા (18-23)
જ્યોતિ,શમ,શાંત અને મુનિ-એ ચાર 'અહ' ના પુત્રો થયા,અગ્નિ(અનલ) ને 'કુમાર' નામે પુત્ર થયો.
કે જે કૃતિકાના સંબંધને લીધે,કાર્તિકેય કહેવાય છે.(શાખ,વિશાખ,નૈગમેય-એ કાર્તિકેયના ભાઈઓ છે)
'અનિલ'ને તેની શિવા નામની પત્નીથી મનોજવ અને અવિજ્ઞાતગતિ નામના બે પુત્રો થયા.
પ્રત્યુષને દેવલ નામનો પુત્ર હતો કે જે દેવલના ક્ષમાવાન અને મનીષી નામના પુત્રો થયા હતા.(24-27)
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE