અધ્યાય-૬૪-દેવોનું અંશાવતરણ
II जनमेजय उवाच II य एते कीर्तिता ब्रह्मनयेचान्ये नानुकीर्तिताःIसम्यक्तान श्रोतुमिच्छामि राज्ञश्वान्यानसहस्त्रशः II १ II
જન્મેજય બોલ્યા-હે બ્રહ્મન,જે રાજાઓ વિશે તમે કહ્યું છે અને જેને વિશે તમે કહ્યું નથી તેવા,તે હજારો વિશે,
હું સારી રીતે સાંભળવા ઈચ્છું છું,તે દેવતુલ્ય,મહારથીઓએ શા અર્થે જન્મ ધર્યા હતા? (1-2)
વૈશંપાયન બોલ્યા-હે રાજન,અમે દેવોનું આ રહસ્ય સાંભળ્યું છે તે વિશે હું તમને કહું છું,તે સાંભળો.
જમદગ્નિ-પુત્ર પરશુરામે,પૃથ્વીને એકવીશ વાર નક્ષત્રી કરી ને પછી મહેન્દ્ર પર્વત પર તપ કરવા ચાલ્યા ગયા.
આમ,પરશુરામે (ભાર્ગવે) આ લોકને ક્ષત્રિય વિનાનો કર્યો,ત્યારે ક્ષત્રિયાણીઓએ,પુત્રેચ્છાથી બ્રાહ્મણોને પ્રાર્થના કરી.વ્રતશીલ બ્રાહ્મણોએ (ધર્માનુસાર)તેમની સાથે સંગ કર્યો અને જેથી તે હજારો ક્ષત્રિયાણીએ,
ક્ષત્રિય વંશની અભિવૃદ્ધિ માટે મહાવીર્યશાળી,કુમારો અને કુમારીઓને જન્મ આપ્યો.(3-9)
હે રાજન,તે ક્ષત્રિય વંશ,ધર્મથી વૃદ્ધિ પામી,ધર્મથી આધિ-વ્યાધિથી મુક્ત થઈને હજારો વર્ષના આયુષ્યવાળો થયો,
તે ક્ષત્રિયો,ફરીથી પૃથ્વીના અધિષ્ઠાતા થયા અને ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરવા લાગ્યા.બ્રાહ્મણ-આદિ વર્ણોને અતિ આનંદ થયો.તે રાજાઓ,દોષોને નિવારી,શિક્ષાપાત્રોને દંડ આપી,સારી રીતે પ્રજાપાલન કરતા હતા.(10-15)
ક્ષત્રિયો,આ રીતે ધર્મપરાયણ હતા,ત્યારે ઇન્દ્ર,દેશકાળને યોગ્ય હોય તે રીતે વૃષ્ટિ કરી,પ્રજાનું પાલન કરતો હતો.
હે રાજન,ત્યારે બાળપણમાં કોઈ મરતું નહોતું,તેમ જ યૌવન આવ્યા વિના કોઈ સ્ત્રીસંગ કરતો નહોતો.
આથી,આયુષ્યવાળી પ્રજાથી પૃથ્વી ભરાઈ ગઈ.તે વખતે ક્ષત્રિયો,મહાયજ્ઞો કરતા,બ્રાહ્મણો વેદોની અધ્યયન કરતા હતા,ત્યારે બ્રાહ્મણો વેદને વેચતા નહોતા,ને વૈશ્યો બળદથી ખેતી કરતા હતા.(16-21)
ત્યારે મનુષ્યો,ફીણ પીતાં વાછરડાંવાળી ગાયને દોહતા નહોતા.વેપારી ખોટા વજનથી માલ વેચતા નહોતા.
ધર્મપરાયણ મનુષ્યો,ધર્મને જ અનુસરીને ધર્મયુક્ત કર્મો કરતા હતા.સર્વ વર્ણ,સ્વકર્મમાં પરાયણ હતી.
ક્યાંય ધર્મનો હ્રાસ નહોતો,ઋતુ અનુસાર વૃક્ષોને ફળ-ફૂલ આવતાં હતા.હે રાજન,આ રીતે સમસ્ત
સત્યયુગ પ્રવર્તી રહ્યો હતો,ત્યારે પૃથ્વી,બહુ બહુ પ્રાણીઓથી ભરપૂર થઇ.
હે રાજન,જયારે માનવલોક આવો આનંદમાં ભરપૂર હતો,ત્યારે સમય જતાં,રાજાઓના ક્ષેત્રમાં અસુરો
પાકવા લાગ્યા હતા..કારણકે,જે અદિતિપુત્ર દેવોએ,દિતિપુત્ર દૈત્યોને યુદ્ધમાં ઘણીવાર હરાવ્યા હતા,
તેઓ સ્વર્ગમાંથી ઐશ્વર્ય-ભ્રષ્ટ થઈને અહીં,પૃથ્વીમાં જન્મ્યા હતા.મનુષ્યોમાં દેવત્વ મેળવવાની ઈચ્છા
કરતા,તે મનસ્વી અસુરો,ગાય,ઘોડા,હાથી,ઊંટ,ગધેડાં,ભેંસ,મૃગ આદિ શરીરોથી ઉત્પન્ન થવા લાગ્યા.
કે જેથી પૃથ્વી પોતે પોતાને જ ધારણ કરવાને અશક્ત થઇ.(22-31)
ત્યારે,સ્વર્ગમાંથી આ લોકમાં આવીને પડેલા તે દિતિના (રાક્ષસ) પુત્રોમાંથી,કેટલાક અતિમદાંધ રાજાઓ,પૃથ્વી પર વ્યાપી રહ્યા અને દરેક વર્ણની પ્રજાને અને પ્રાણીઓને પણ પીડવા લાગ્યા,સર્વ જીવોને ત્રાસ આપતા અને મારી નાખતા,તે અસુરો પૃથ્વી પર ચારે બાજુ ઘુમવા લાગ્યા.અહંકાર અને બળમાં ઉન્મત્ત થયેલા તેઓ અવધ્ય હોઈને,
જ્યાં ત્યાં આશ્રમવાસી ઋષિઓનું પણ અપમાન કરીને તેમને પીડતા હતા (32-36)
તે વખતે,શેષ,કચ્છપ અને દિશાના હાથીઓનો સમુદાય પણ,દાનવોથી બળપૂર્વક પીડાઈ રહેલી,
પૃથ્વીને ધારણ કરી શક્યો નહિ,ત્યારે ભારથી ત્રાસ પામેલી તે પૃથ્વી.પિતામહ બ્રહ્માજીને શરણે ગઈ.
તેમને વંદન કરીને,પૃથ્વીએ સર્વ લોકપાલોની સમક્ષ રહેલા બ્રહ્માજીને સર્વ વૃતાંત કહ્યો.ત્યારે બ્રહ્માજીએ પૃથ્વીને કહ્યું કે-
'હે વસુંધરા,તું જે હેતુએ મારી પાસે આવી છે,તે હેતુ માટે હું સર્વ દેવોને આદેશ આપીશ (37-46)
પૃથ્વીને રાજા આપી,બ્રહમાજીએ,સર્વ દેવો,ગંધર્વો અને અપ્સરાઓના સમૂહને આજ્ઞા આપી કે-
'આ ભૂમિનો ભાર ઉતારવા માટે તમે સર્વ તમારા અંશો સાથે એ લોકમાં અવતરો'
ત્યારે,ઇન્દ્ર-વગેરે સર્વ દેવોએ,બ્રહ્માનું આ વચન સ્વીકાયું અને પછી,તેઓ,વૈકુંઠમાં ભગવાન નારાયણ
પાસે ગયા,અને તેમને કહ્યું કે-'આપ પણ ભૂમંડળની શુદ્ધિ માટે,અંશથી અવતાર ધારણ કરો'
સર્વ દેવોથી પૂજાયેલા શ્રીહરિએ (નારાયણે) કહ્યું કે 'તથાસ્તુઃ' (42-54)
અધ્યાય-64-સમાપ્ત
અંશાવતરણ પર્વ સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE