Dec 22, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-047


અધ્યાય-૬૨-મહાભારતનું માહાત્મ્ય 

II जनमेजय उवाच II कथितं वै समासेन त्वया सर्व द्विजोत्तम I महाभारतमाख्यानं कुरुणा चरितं महत्  II १ II

જન્મેજય બોલ્યા-હે દ્વિજશ્રેષ્ઠ,તમે કુરુવંશીઓના ચરિત્ર વિશેનું મહાભારત આખ્યાન સંક્ષેપમાં કહ્યું,

પણ તેને વિસ્તારથી સાંભળવાનું કુતુહલ થયું છે,તો તમે ફરીથી વિસ્તારથી તે કથા કહો.

પૂર્વજોનાં મહાન ચરિત્ર સાંભળતાં હું ધરાતો નથી,ધર્મજ્ઞ એવા પાંડવોએ,વધને યોગ્ય નહિ એવા,

અનેકને હણી નાખ્યા,છતાં લોકો તેમની પ્રશંસા કરે છે,તો તેનું કારણ કંઈ નાનુસુનું નહિ જ હોય.

સમર્થ શક્તિવાળા,પાંડવોએ,દુરાત્માઓએ કરેલા ક્લેશોને કેમ ખમી લીધા?

દશ હજાર હાથીઓનું બળ ધરાવનાર,ભીમે દુઃખો પાડવા છતાં,ક્રોધને કેમ વશમાં રાખ્યો?

દુષ્ટજનોએ સંતાપ્યા છતાં,દ્રૌપદી પોતે શક્તિમતી હોવા છતાં,ક્રોધદૃષ્ટિથી તેમને કેમ બાળી ન નાખ્યા?

જુગારના વ્યસની,યુધિષ્ઠિર જુગારમાં હાર્યા હતા,છતાં,તેની સાથે બાકીના ભાઈઓ કેમ વનમાં ગયા?

ધર્મપુત્ર,યુધિષ્ઠિર પોતે આ પરમ દુઃખને માટે અયોગ્ય હતા,છતાં શા માટે તેમણે દુઃખને સહી લીધાં?

શ્રીકૃષ્ણ,જેના સારથી હતા,તે અર્જુને એકલા હાથે સર્વ સેનાનો નાશ કેવી રીતે કર્યો?

એ જેમ બન્યું હતું તેમ અને મહારથીઓએ ત્યાં જે જે કર્યું હતું તે સર્વ મને કહો (1-11)


વૈશંપાયન બોલ્યા-મહારાજ જરા ખમી જાઓ,વ્યાસજીએ કહેલું આ આખ્યાન ઘણું મોટું છે,તે ક્રમેક્રમે કહીશ.

સત્યવતી પુત્ર વ્યાસજીએ,એક લાખ શ્લોકોમાં આ વ્યાખ્યાન કર્યું છે.કે જે વેદોની સમાન છે,શ્રવણ કરવાના વિષયોમાં

શ્રેષ્ઠ છે.આ મહાપવિત્ર ઇતિહાસમાં,અર્થ અને કામનો ઉપદેશ આપવામાં આવ્યો છે.(12-17)


જે વિદ્વાન,ઉદાર,દાનપરાયણ,સત્યપરાયણ અને આસ્તિક લોકોને આ મહાભારત સંભળાવશે,તેને ધન પ્રાપ્ત થશે,

ભ્રુણહત્યા કર્યાથી કરેલું પેપ પણ આ ઇતિહાસ સાંભળવાથી છૂટી જાય છે તે નિઃસંશય છે.ભારે દુરાચારી પુરુષ 

પણ આ ઇતિહાસ સાંભળવાથી સર્વ પાપોમાંથી મુક્ત થાય છે.આ ઇતિહાસનું નામ 'જય' છે,માટે જયની ઇચ્છાવાળાઓએ એ સંભળાવો જોઈએ.આ સાંભળવાથી રાજા પૃથ્વીને જીતે છે,શ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ થાય છે.

આ ઇતિહાસ પરમ અર્થશાત્ર છે,મોક્ષશાસ્ત્ર છે,એમ અમાપ બુદ્ધિવાળા વ્યાસજીએ કહ્યું છે (18-23)


અત્યારે,કોઈ કોઈ આનું કીર્તન કરે છે,ને ભવિષ્યમાં અનેક તેને સાંભળશે.આ સાંભળીને પુત્રો,પિતાને આજ્ઞાધીન થાય છે,અને તેમના પ્રિયકારી બને છે,ભરતકુળનું આ જન્મવૃતાંત,જે ઈર્ષારહિત થઈને સાંભળે છે,તેને વ્યાધિનો ભય રહેતો નથી.તો પછી તેને પરલોકનો તો ભય ક્યાંથી રહે? ધન,યશ,આયુષ્ય,પુણ્ય અને સ્વર્ગને પ્રાપ્ત કરાવનાર

આ ઇતિહાસ વ્યાસજીએ કહ્યો છે.આ મહાભારત સંભળાવનારને સનાતન ધર્મ પ્રાપ્ત થાય છે.


જે મનુષ્ય,નિયમ-વ્રતમાં રહીને,ચાતુર્માસમાં આ મહાભારતનું પઠન કરશે,તે સર્વ પાપોમાંથી મુક્ત થશે.

આ મહાભારતમાં,પવિત્ર-પાપમુક્ત દેવો,રાજર્ષિઓ,બ્રહ્મર્ષિઓ તેમ જ કૃષ્ણનું કીર્તન કરવામાં આવ્યું છે.

વળી,એમાં ભગવાન ભૂતનાથ તથા ભગવતી ભવાનીનું કીર્તન છે.કાર્તિકેયની ઉત્પત્તિ કથા છે.

એમાં ગાયોઅને બ્રાહ્મણોનું માહાત્મ્ય કહેવાયું છે.અને તે સર્વ વેદોના સમૂહરૂપ છે.ધર્મબુદ્ધિવાળાઓએ 

એનું શ્રવણ કરવું જોઈએ.જે વિદ્વાન બ્રાહ્મણ,આ લોકમાં પર્વના દિવસે,આનું શ્રવણ કરાવે છે 

તે નિષ્પાપ થઈને સ્વર્ગને જીતે છે,અને સનાતન બ્રહ્મલોકને પામે છે.જે મનુષ્ય,શ્રાદ્ધને અંતે,

આનું એક પદ સરખું પણ બ્રાહ્મણોને સંભળાવે છે,તેનું શ્રાદ્ધ પિતૃઓને અક્ષય તૃપ્તિ આપે છે.(24-39)


ભરતકુળના મોટા જન્મવૃતાંતો આમ વર્ણવાયા છે,તેથી એ મહાભારત કહેવાય છે.

વ્યાસજીએ,નિત્ય ઉદ્યોગમાં પરાયણ થઈને,ત્રણ વર્ષમાં આ મહાભારત રચ્યું છે.તેમણે,તપ અને નિયમનું 

પાલન કરીને આ રચ્યું છે,તેથી બ્રાહ્મણોએ નિયમશીલ રહીને તેનું શ્રવણ કરવું જોઈએ,ધર્મ અને કામનાવાળા મનુષ્યે,આ આખો ઇતિહાસ સાંભળવો.જેથી તેને સિદ્ધિ આપોઆપ સાંપડશે.મનુષ્ય,આ મહાપવિત્ર 

ઇતિહાસ સાંભળીને જે પ્રસન્નતા મેળવે છે,તે સ્વર્ગલોને પામ્યા છતાં મળતી નથી.(40-46)


જે પુણ્યવાન મનુષ્ય,શ્રદ્ધાપૂર્વક આ અદભુત કથાને સાંભળે છે કે સંભળાવે છે,તેને રાજસૂય અને અશ્વમેઘ 

યજ્ઞનું ફળ મળે છે,આ મહાભારત વેદોની સમાન છે,તે રત્નનિધિ ઉત્તમ અને પવિત્ર છે,તે કર્ણમધુર અને 

સાંભળવા યોગ્ય છે.હે રાજન,જે મનુષ્ય,આ મહાભારત ભેટ આપે છે,તે પૃથ્વીદાન સમાન છે.

પુણ્ય અને વિજય અર્થે,હું આ દિવ્ય કથા સમગ્ર રીતે કહું છું તે તું સાંભળ.(47-57)

અધ્યાય-62-સમાપ્ત